મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
અલ્લાહનું શ્રેષ્ઠ સર્જન મનુષ્ય છે. પરંતુ તે ખુદમુખ્તાર અર્થાત્ સ્વતંત્ર નથી. સર્વ શક્તિમાન તો એક માત્ર સર્જક છે. ઈન્સાનમાં અનેક નબળાઈઓ છે જે અગણિત સંખ્યામાં મૌજુદ છે જેમ કે.
* ઈન્સાન એવું ઈચ્છે છે કે તે એકી સાથે ઘણી વાતો જાણી લે. પરંતુ તેમ કરવું શક્ય બનતું નથી.
* તે ઈચ્છે છે કરેલા ગુનાહને ભૂલી જાય પણ ભૂલી શકતો નથી.
* એવું ઈચ્છે છે કે તેની મહત્ત્વાકાંક્ષા મર્યાદિત રહે અને નકામાં ખયાલ અને વસવસાથી દૂર રહે પણ એવું તે કરી શકતો નથી.
* એવી બાબતો પ્રત્યે ખેંચાઈ છે જે તેના નાશનું કારણ બને છે, પરંતુ તે પોતાની કુટેવ અને ખોટા કામો પ્રત્યેના અસાધારણ આકર્ષણને લીધે તેવાં કામોને છોડી શકતો નથી.
* ખરાબ બાબતની ખરાબીથી વાકેફ (પરિચિત) હોવા છતાં તેમાં જ જીવન વ્યતીત કરતો રહે છે.
* જે વાતનું તેને ગુરૂર-ઘમંડ અર્થાત્ અભિમાન હોય છે. જેમ કે, શારીરિક, માનસિકશક્તિ, માલ-દૌલત, આલ-ઔલાદ, ઈજ્જત-આબરૂ કાયમ જળવાયેલા રહેશે કે નહીં રહે, એ વાતનો ડર-અજંપો તેને સતત પરેશાન કરતો રહેતો હોય છે.
* વ્હાલા વાચક મિત્રો! આ તમામ વાતના સારાંશરૂપે એમ કહી શકાય કે ઈન્સાન એવો ‘ખાકી’ બંદો છે અર્થાત્ અપૂર્ણ છે જે કોઈના ઉપર અગ્રતા ધરાવતો નથી.
આ વિશે પવિત્ર કુરાન સૂરા (પ્રકરણ) ફુરકાન, આયત્ (વાકય) ૩માં અલ્લાહતઆલા ફરમાવે છે. ‘… અને તે પોતાને માટે પણ નુકસાન કે નફા માટે કાબૂ ધરાવતો નથી. તેનો મૌત પર કાબૂ નથી કે ન તો જિંદગી ઉપર અને તે મરી જવા પછી પુન:જીવિત થવા માટે શક્તિમાન નથી….!’
આ છે માનવજીવનની સંક્ષિપ્ત રૂપરેખા જે દુન્યવી જિંદગીમાં દ્રષ્ટિગોચર થાય છે અને સર્વ સામાન્ય વાતો પૈકીની વાત છે, કે ઈન્સાન હર પળ મૌત આવી જવાની શક્યતાથી ડરતો-ગભરાતો રહે છે અને ઈન્સાનનું એટલી હદે ગભરાવવાનું કારણ એ છે કે તેને મૌતથી બચાવે તેવી કોઈ શક્તિ નથી.
મર્યા પછી કબ્રમાં જવા પછી અને ખાક થઈ જવા વિષે જે કાંઈ જોવા અને સાંભળવા મળ્યું છે અને વીતી ગયેલા યુગના લોકોની હાલત જોઈને એવું લાગે કે અહીં જ જીવતેજીવ વાત પૂરી થઈ જાય તો ઈન્સાન માટે કોઈ ફિકર-ચિંતાનું કારણ નહોતું. બદબખ્તી અર્થાત દુર્ભાગ્ય તો એ છે કે મરણ પછી તેને અદ્લે ઈલાહી સમક્ષ હિસાબ કિતાબ માટે હાજર કરવામાં આવશે, જેનો વિગતવાર ઉલ્લેખ પવિત્ર કુરાન અને રીવાયતો (અક્ષરશ કથનો, પરંપરાગત પ્રણાલી)માં બયાન કરવામાં આવ્યો છે.
દુનિયાની દૃષ્ટિએ મોટાગજાના ગણાતા લોકો આખેરત અર્થાત મૃત્યુલોકમાં ઝલીલોખ્વાર (હળહળ, અપમાનિત) થશે અને મોટાભાગના ઊંચા ઊંચા દરજ્જાના લોકો ત્યાં નાનકડી કીડી જેવા બિલકુલ બદસુરત (બિહામણા ચહેરા) આકારમાં પુન:જીવિત થશે. તેમનો દેખાવો એવો હશે કે જેની સરખામણીમાં દુનિયામાં દેખાતા ભૂંડ વધારે સારા લાગશે. પોતાની આકેબત * ભવિષ્ય વિશે કોઈ પણ વ્યક્તિ કાંઈ જાણતી નથી અને પોતાનો અંજામ શું થશે તે કોઈ જાણતું નથી. કોઈ એ નથી જાણતું કે, પોતે આખેરતમાં ખુદાના દુશ્મનોમાંથી હશે કે બંદેખુદામાંથી! ઈજ્જત આબરૂદારો પૈકી હશે કે ઝલીલો પૈકીનો. તેનો ચહેરો સફેદ હશે કે કાળો હશે?
* ઈન્સાનની હાલત વિશેની જે વાતો બયાન કરવામાં આવી છે તો એ વાતો ગમે તે વિસ્તારોમાં રહેતા તમામ માનવજાત માટે એક સરખી હશે.
* દરેક અકલમંદ (બુદ્ધિશાળી) જ્યારે પોતાના વર્તમાન અને ભવિષ્યના બનાવો વિશે વિચાર કરે છે ત્યારે તેને એ વાતની ખાતરી થઈ જાય છે કે માણસ ગરૂર (અહંકાર), તકબ્બુર (ઘમંડ, અભિમાન), સરકશી (બળવાખોરી)ને લાયક નથી. અરે, બુઝુર્ગી (માનવંત; પ્રતિષ્ઠિત, કીબ્રીયાઈ (વડપણ) ને પણ લાયક નથી.
સચ્ચાઈ: માણસની તમામ હેસિયત (ક્ષમતા)ને નિર્બળતાએ ઘેરી લીધો હોય તે ‘અના’ (હુંપદ)નો દાવો ભલા કઈ રીતે કરી શકે?
પ્રશ્ર્ન: શું પોતાની આપવડાઈનો દાવો કરવાથી વધીને બીજું કોઈ મોટું જૂઠ હોઈ શકે ખરું….?!
– અલી અકબર
અનુભવની વાત
અલ્લાહની રહેમત (ઈશ્ર્વરીય દયા; દેણગી)થી નાઉમેદ થવાનું કાંઈ કારણ નથી.તે ગફુરૂર રહીમ (દયા કરનાર ઈશ્ર્વર) છે. આ સૃષ્ટિની શરૂઆતથી પ્રલયકાળ સુધીની દયા ભેગી કરતા પણ તેની દયા વધી જાય તેમ છે. ફક્ત સાફ દિલથી આપણે પસ્તાવો કરીએ તો પણ આપણો બેડોપાર છે. પણ પસ્તાવો કોને કહે તે જ પહેલા શીખવું જોઈએ.