ઈન્ફ્લુએન્ઝાનું જોખમ વધ્યું, માર્ચમાં ૭૬ નવા કેસ નોંધાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ઈન્ફ્લુએન્ઝાનું જોખમ વધી ગયું છે, તેમાં પણ મોટાભાગના ઈન્ફ્લુએન્ઝા દર્દીની સંખ્યા દક્ષિણ મુંબઈમાં વધું હોવાથી મુંબઈ મહાનગરપાલિકા સર્તક થઈ ગઈ છે અને આ વોર્ડ પર ખાસ ધ્યાન આપી રહી છે. મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ મુંબઈના એ વોર્ડના કોલાબા, ફોર્ટ, ચર્ચગેટ, ‘ડી’ વોર્ડમાં ગ્રાન્ટ રોડ, તાડદેવ, ‘એફ-દક્ષિણ’ વોર્ડમાં પરેલ, ‘જી-દક્ષિણ’ વોર્ડમાં તાદડેવ, પરેલ જેવા વિસ્તારમાં ઈન્ફુલએન્ઝાના વેરિયન્ટ ‘એચ૧ એન૧’ અને ‘એચ૩ એન૨’ના કેસમાં ધરખમ વધારો થયો છે. એકલા માર્ચ મહિનામાં મુંબઈમાં ઈન્ફુલએન્ઝાના ૭૬ નવા કેસ નોંધાયા છે.
પાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ કોરોનાના કેસમાં મુંબઈમાં વધારો થઈ રહ્યો છે. એની સાથે ‘એચ૧ એન૧’ અને ‘એચ૩ એન૨’ના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં માર્ચ મહિનામાં ‘એચ૧ એન૧’ પંચાવન નવા કેસ નોંધાયા હતા. તો ‘એચ૩ એન૨’ના ૨૧ નવા કેસ નોંધાયા હતા. એ સાથે જ માર્ચ મહિનામાં ઈન્ફલુએન્ઝાના ૭૬ નવા કેસ થઈ ગયા છે. હાલ મુંબઈમાં ‘એચ૩ એન૨’ના નવ અને ‘એચ૧ એન૧’ના પાંચ એમ કુલ ૧૪ દર્દી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમામની હાલત સ્ટેબલ છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં ‘એચ૧ એન૧’ના ૩૯ અને ‘એચ૩ એન૨’ના બે એમ કુલ ૪૬ કેસ નોંધાયા હતા. તો જાન્યુઆરીમાં ‘એચ૧ એન૧’ના ૧૮ અને ‘એચ૩ એન૨’નો એક કેસ એમ કુલ ૧૯ કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ મહિનામાં ઈન્ફ્લુએન્ઝાના કુલ ૧૪૧ કેસ થઈ ગયા છે.
કેસમાં ચિંતાજનક રીતે થઈ રહેલા વધારાને પગલે પાલિકાની હૉસ્પિટલમાં પણ તમામ પ્રકારની તૈયારીઓ સાથે સજ્જ થઈ ગઈ છે. પાલિકાની તમામ હૉસ્પિટલમાં ઓસ્લ્ટામીવીર મફતમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. ઈન્ફ્લુએન્ઝાના દર્દીની સારવાર માટે આ દવા વાપરવામાં આવે છે. પાલિકાની કસ્તુરબા અને કે.ઈ.એમ. હૉસ્પિટલમાં ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યાં છે. હાલ બંને હૉસ્પિટલની ટેસ્ટિંગની ક્ષમતા પ્રતિદિનની ૨૦૦-૨૦૦ની છે.
દર્દીની સંખ્યા સામે હૉસ્પિટલમાં જગ્યા અપૂરતી ના પડે તે માટે દર્દીના આઈસોલેશન માટે કસ્તુરબા હૉસ્પિટલની સાથે જ ચારેય મેડિકલ કૉલેજ, સાયન, કે.ઈ.એમ., કૂપર અને નાયર હૉસ્પિટલ સહિત ૧૭ પેરીફેરલ હૉસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. એ સિવાય મોટી ખાનગી હૉસ્પિટલમાં પણ આ દર્દીની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
ડૉકટરોને પાલિકાએ આપી આ સૂચના:
પાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ તમામ ખાનગી પ્રેક્ટીસ કરનારા ડૉકટરોને દર્દીને ૨૪ કલાકની અંદર તાવ ઉતરે નહીં તો સ્વેબના રિપોર્ટની રાહ જોયા વગર દર્દીને ઓસેલ્ટામીવીર ટેબલેટ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમ જ આરોગ્ય ખાતાના દ્વારા ઘરે-ઘરે ફરીને તાવના દર્દીને તપાસવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ તકેદારી લેજો:
સાર્વજનિક સ્થળે ભીડભાડવાળા વિસ્તારની મુલાકાત ટાળવી, શરદી હોય અથવા છીંક આવે તો નાકને રૂમાલથી ઢાંકવો, તાવ આવે તો સંપૂર્ણપણે આરામ કરવો. ગળામાં દુખાવો, ઉધરસ, શરદી હોય કે શરીરમાં ખંજવાળ હોય તો તુરંત ડૉકટરની મુલાકાત લેવી