નવી દિલ્હીઃ કમોસમી વરસાદના માર અને અતિવૃષ્ટિને કારણે દેશભરના ખેડૂતોની કમર તૂટી ગઈ છે ત્યારે તાજેતરમાં રિટેલ ફુગાવાના દરમાં ઘટાડા અંગેના રાહતના સમાચાર જાણવા મળ્યા છે. રિટેલ ફુગાવો સતત બીજા મહિને ઘટ્યો છે. માર્ચ 2023માં છૂટક ફુગાવાનો દર 5.66 ટકા રહ્યો છે જે ફેબ્રુઆરીમાં 6.44 ટકા હતો. જ્યારે જાન્યુઆરી 2023માં છૂટક ફુગાવાનો દર 6.52 ટકા હતો. ગયા વર્ષે માર્ચ 2022માં રિટેલ મોંઘવારી દર 6.95 ટકા હતો. આ દરમિયાન ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર પણ નીચે આવ્યો છે. ખાદ્ય ફુગાવાનો દર ઘટીને 4.79 ટકાની સપાટીએ રહ્યો છે, જે ફેબ્રુઆરી 2023માં 5.95 ટકા હતો.
માર્ચ મહિનામાં ખાદ્યાન્ન અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો મોંઘવારીનો દર 15.27 ટકા હતો, જે ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં દૂધ અને ડેરી ઉત્પાદનોના ફુગાવાના દરમાં થોડો ઘટાડો થયો છે. દૂધનો ફુગાવો ફેબ્રુઆરીમાં 9.65 ટકાથી ઘટીને 9.31 ટકા થયો છે, પરંતુ મસાલાનો મોંઘવારી દર 18.21 ટકા, કઠોળનો મોંઘવારી દર 4.33 ટકા, ફળોનો મોંઘવારી દર 7.55 ટકા રહ્યો છે. માહિતી અનુસાર, શાકભાજીનો ફુગાવાનો દર -8.51 ટકા, માંસ અને માછલીનો ફુગાવાનો દર -1.42 ટકા, તેલ અને ચરબીનો ફુગાવો દર -7.86 ટકા છે.
જોકે, રાહતની સૌથી મોટી વાત એ છે કે માર્ચ 2023માં રિટેલ ફુગાવાનો દર આરબીઆઈના ટોલરન્સ બેન્ડના 6 ટકા પર આવી ગયો છે. 6 એપ્રિલ 2023ના રોજ, આરબીઆઈએ 2023-24ની પ્રથમ નાણાકીય નીતિ જાહેર કરી, જેમાં આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક ફુગાવાનો દર 5.20 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. માર્ચમાં રિટેલ ફુગાવો આરબીઆઈના ટોલરન્સ બેન્ડમાં આવી ગયો છે અને જો આગામી કેટલાક મહિનાઓ સુધી ફુગાવાનો દર ઘટતો રહેશે તો આગામી દિવસોમાં મોંઘી લોનમાંથી રાહતની અપેક્ષા રાખી શકાય છે. છઠ્ઠી એપ્રિલે નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે આરબીઆઈએ નીતિ દરોમાં કોઈ ફેરફાર કર્યો નહોતો.