પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ઘણા લાંબા સમયથી ખરાબ છે, જે ગયા વર્ષે પૂરના કારણે વધુ ચિંતાજનક બની ગઈ છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં 50-70 ટકાનો વધારો થયો છે. 6 જાન્યુઆરી, 2022 ના રોજ જ્યાં પાકિસ્તાનમાં ડુંગળી જેવી દૈનિક જરૂરિયાતની કિંમત 36.7 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલો હતી તે ડુંગળીની કિંમત 5 જાન્યુઆરી, 2023 ના રોજ વધીને 220 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
ગત વર્ષની સરખામણીએ જાન્યુઆરીમાં પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં 48 ટકા અને ડીઝલના ભાવમાં 61 ટકાનો વધારો થયો છે. તેની અસર ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર પડી છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર ગત વર્ષની સરખામણીમાં હાલમાં પાકમાં ચિકનના ભાવમાં 82 ટકાનોઅને દાળના ભાવમાં 51 ટકાનો વધારો થયો છે. બાસમતી ચોખામાં, ખાંડમાં 46 ટકા, સરસવના તેલના ભાવમાં 42 ટકા અને દૂધના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે.
ડિસેમ્બર 2021માં પાકિસ્તાનમાં ફુગાવાનો દર 12.3 ટકા હતો, જે ડિસેમ્બર 2022 સુધીમાં વધીને 24.5 ટકા થઈ ગયો છે. બીજી તરફ મોંઘવારીનો સૌથી વધુ માર ખાદ્ય ચીજવસ્તુઓને પડ્યો છે. ખાદ્ય પદાર્થોનો ફુગાવાનો દર ડિસેમ્બર 2021માં 11.7 ટકા હતો, જે ડિસેમ્બર 2022માં વધીને 32.7 ટકા થયો છે. પાકિસ્તાન ઘઉંની પણ તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. ઘઉંનો લોટ ઘણી જગ્યાએ ઉપલબ્ધ નથી અને જ્યાં તે ઉપલબ્ધ છે ત્યાં તેના ભાવ આસમાને છે. પાકિસ્તાનના કરાચી જેવા શહેરોમાં લોટની કિંમત 160-200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર પણ ઝડપથી ઘટી રહ્યો છે. ડિસેમ્બર 2022 સુધીમાં, પાકિસ્તાન પાસે હવે માત્ર $11.4 બિલિયન વિદેશી વિનિમય અનામત બચ્યું છે.