Homeધર્મતેજઅનંત વિસ્તાર

અનંત વિસ્તાર

ગીતા મહિમા -સારંગપ્રીત

આ પહેલાના અંકમાં ભગવાનની વિભૂતિઓની શક્તિ અને સામર્થ્યનું કારણ જાણ્યું. હવે ભગવાનની આ લીલાના અનંત વિસ્તારને સમજીએ.
ભગવાન કૃષ્ણ સમજાવે છે-
હે અર્જુન! મેં જે ઘણી વાતો તને સમજાવી તે જાણવાનું પ્રયોજન શું છે? આ સંપૂર્ણ જગતને હું મારી યોગમાયાના એક અંશ માત્રથી ધારણ કરી રહ્યો છું, માટે મને તત્ત્વોથી જાણવો જોઈએ.
વિભૂતિયોગનો આ અંતિમ શ્ર્લોક છે, જે વિભૂતિ યોગના સારરૂપ છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને પોતાના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન આપવા માગે છે. અહીં તત્ત્વ શબ્દ ખૂબ જ મહત્ત્વનો છે. અહીં તત્ત્વ એટલે મૂળસ્વરૂપ. સાદી ભાષામાં સમજીએ તો દવાનું એક પ્રચલિત નામ હોય છે, જે નામથી આપણે તેને ઓળખીએ છીએ પણ તેમાં રહેલા ફાર્માસ્યુટિકલ ક્ધટેન્ટને જાણવું તે દવાને તત્ત્વે કરીને જાણી કહેવાય. આ બ્રહ્માંડમાં ચેતન સૃષ્ટિમાં રહેલા મૂળભૂત પાંચ તત્ત્વો જીવ, ઈશ્ર્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ છે. અને પરમાત્માને તત્ત્વે કરીને જાણવા એટલે તેમના મૂળભૂત સ્વરૂપને જાણવું. એટલે કે પરમાત્માને જીવ, ઈશ્ર્વર કે બ્રહ્મ જેવા નહિ પણ તેથી પર પરબ્રહ્મ જાણવા. અને આ સમગ્ર સૃષ્ટિના આધાર એક માત્ર પરમાત્મા છે તે વાતને સમજાવવા ભગવાન શ્રીકૃષ્ણ ત્રણે લોકમાં વ્યાપ્ત એવી પરમાત્માની અનંત વિભૂતિમાંથી શક્તિશાળી, તેજસ્વી તથા પ્રમુખ વિભૂતિઓનું વર્ણન કરતાં કહે છે કે સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા, પ્રકાશવંતોમાં સૂર્ય, વાયુ દેવતાઓમાં મરીચિ, વૃક્ષોમાં પીપળો, દેવર્ષિમાં નારદ વગેરે…
આજે માનવજાતે અદ્ભુત પ્રગતિ કરી છે. અગણિત શોધો કરી છે અને તેને લીધે આજનો માનવી એવા ભ્રમમાં જીવી રહ્યો છે કે તે સર્વજ્ઞ છે અને જે તે નથી જાણતો તેનું અસ્તિત્વ છે જ નહિ. બુદ્ધિનું અભિમાન તેને ઘણી વખત પરમાત્માના અસ્તિત્વ વિષે શંકા ઉપજાવે છે. પણ આપણા શરીરની દરેક ઇન્દ્રિયો-આંખ, કાન, નાક વગેરેની શક્તિ સીમિત છે. આપણને નરી આંખે કે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી પણ કોરોના વાઇરસ દેખાતો ન હતો. પણ તેનો અર્થ એ નથી કે તે છે જ નહિ. તેણે માનવજાત પર કરેલી કાતિલ અસરને જોતાં તેના અસ્તિત્વનો સ્વીકાર કર્યા વિના છૂટકો નહોતો. આપણી આંખ જેમ અતિ સૂક્ષ્મ જીવો જોવા સક્ષમ નથી. તે જ રીતે અતિ વિરાટ એવા પરમાત્માને જોવા પણ આપણી આંખ સક્ષમ નથી. પણ આ સમગ્ર સૃષ્ટિ જે લયબદ્ધ રીતે સંચાલિત થઈ રહી છે અને અનંત બીજાં આશ્ર્ચર્યોને સમાવીને બેઠી છે, તે જ પરમાત્માના અસ્તિત્વની સાબિતી આપે છે. આજે પણ એવી અનંત વસ્તુઓ બ્રહ્માંડમાં છે જે આજનો બુદ્ધિમાન મનુષ્ય સર્જન કરવા સક્ષમ નથી. આમ કાર્ય પોતે જ તેના કર્તાની મહાનતાનો ખ્યાલ આપે છે. છતાં પણ તે વિચારવા આપણી બુદ્ધિનો પનો ટૂંકો પડે છે અને આથી જ અર્જુન પર કૃપા વરસાવતાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સ્વસ્વરૂપની ઓળખાણ આપે છે અને કહે છે કે મને તત્ત્વથી જાણવો જોઈએ.
સંત કબીર કહે છે કે “સબ ઘટ મેરા સાંઈ હૈ, ખાલી ઘટના કોઈ. બલિહારી વા ઘટકી, જા ઘટ પરગટ હોય.
આમ દુનિયાના દરેક પદાર્થમાં પરમાત્માનું ચૈતન્ય વિલસી રહ્યું છે. એવી કોઈ વસ્તુ બાકી નથી – ભલે તે જડ હોય કે ચેતન કે જ્યાં પરમાત્માનું ચૈતન્ય નથી. આ અગોચર વિશ્ર્વના સત્યને પામવું અત્યંત દુષ્કર છે, જે માત્ર ભગવાન કે ભગવાનના ધારક સંત દ્વારા શક્ય બને છે. સાચા સંતમાં ભગવાન સમ્યક સ્વરૂપે વાસ કરતા હોય છે. સંતમાં રહીને પરમાત્મા કાર્ય કરી રહ્યા છે. જ્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું કાર્યક્ષેત્ર જોઈએ તો ભગવાનની શક્તિનો પરિચય થયા વગર રહે નહિ. એક પણ ક્ષેત્ર એવું નથી કે જે તેઓ દ્વારા વણખેડયું હોય, પછી તે સામાજિક ઉત્થાન હોય કે શૈક્ષણિક, આરોગ્ય, ધાર્મિક, સાંસ્કૃતિક, સાહિત્ય, પર્યાવરણ વગેરે વગેરે. આ ઉપરાંત ૧૨૦૦થી વધુ મંદિરો, ૧૧૦૦થી વધુ સંતો, અનેક શાળાઓ, છાત્રાલયો, હૉસ્પિટલો, ભૂકંપ-દુકાળ-સુનામી જેવી હોનારતોમાં રાહત કામગીરી, અઢી લાખથી વધુ ઘરોમાં પધરામણી, વિશાળ વ્યસન મુક્તિ અભિયાનો વગેરે. આ યાદી ઘણી લાંબી છે પણ વિશેષતા એ કે તે દરેક કાર્ય તેઓએ કર્યા ગુણવત્તામાં કોઈ પણ જાતના સમાધાન કર્યા સિવાય. પરમાત્માની સમગ્ર શક્તિ આવા ગુણાતીત સંતમાં કાર્યરત હોય છે. એટલે જ ભગવાન કહે છે મારા વિસ્તારનો અંત નથી. હા, આવા સંત પરમાત્માની શક્તિનો વિસ્તાર છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -