આમ આદમી પાર્ટીએ શુક્રવારે સવારે જ પોતાના મુખ્ય પ્રધાન પદના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીનું નામ જાહેર કર્યું હતું. આ જાહેરાત થયાના થોડા જ કલાકોમાં કોંગ્રેસમાંથી આવેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજીનામું ધરી દીધું હતું.
આ ઘટનાએ રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે. ઇન્દ્રનીલ ખૂબ જ શ્રીમંત અને વગદાર નેતા માનવામાં આવે છે . તેમણે 2017 માં તત્કાલીન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે વિધાનસભાની ચૂંટણી લડી હતી. જોકે તેઓ હારી ગયા હતા. થોડા મહિનાઓ પહેલા તેમણે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. ઈન્દ્રનીલ રાજ્યગુરુ સૌરાષ્ટ્રની જવાબદારી સંભાળી લેશે તેવું માનવામાં આવતું હતું. તેઓ આમ આદમી પાર્ટીને ફંડ આપવામાં અને મેળવવામાં પણ મદદરૂપ થતા હોવાનું જાણવા મળ્યું હતું. ઈશુદાન ગઢવીનું નામ આવતા નારાજ થયેલા આ પહેલાં નેતા છે. હજુ આવી નારાજગી બહાર આવી શકે છે તેવું માનવામાં આવે છે.