Homeઈન્ટરવલજ્ઞાન આપવામાં સમર્થ ઇન્દ્ર પોતાની સમસ્યાઓમાં નિ:સહાય

જ્ઞાન આપવામાં સમર્થ ઇન્દ્ર પોતાની સમસ્યાઓમાં નિ:સહાય

દરેકનો સમય હોય છે, દરેકની વંદના, મહત્તા હોય કે કાર્યકાળ એક્સપાયર ડેટ લખેલી જ હોય છે

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

કાલીદાસે ઋતુસંહારમાં ઉનાળા માટે લખ્યું છે કે એ માણસ તો ઠીક પણ પ્રાણીઓમાં પણ વેરભાવ ભૂલાવી દે છે. જન્મજાત દુશ્મન એવો સાપ સૂર્યનાં કિરણોથી બચવા મોરના છાયડાનો સહારો લે છે. ઠંડા પાણીમાં પડી રહેવાનું ગમે છે, કાલીદાસ ગરમીમાં પણ રોમાન્સ ભૂલતા નથી, લખે છે કે ગરમીમાં ચંદ્રપ્રકાશ શીતળતા બક્ષે છે, મકાનની છત પર વીણાવાદન સાથે પ્રેમી તેની પ્રેયસી સાથે રાત્રિ પ્રેમમય પસાર કરે છે. ઘરની છત પર પ્રેમમાં પૂર્ણત્વ પ્રાપ્ત કરેલી પ્રેયસીનું સુખથી ભરપૂર મુખ જોઇને ચંદ્ર પણ શરમાય જાય છે…
મૂળ સનાતન સાહિત્ય મુજબ ચૈત્ર માસથી પ્રારંભ થતો મંગલ સમય એટલે દેવોના રાજા ઇન્દ્ર. ઇન્દ્રનું બીજું નામ જ સૂર્ય છે, જો અસ્તિત્વ માટે જરૂરી એવો વરસાદ જોઇતો હોય તો વૈશાખમાં સૂર્ય સમક્ષ તપવું પડે. સહજ રીતે મેનેજમેન્ટ લેશન આપ્યું કે સુખનો વરસાદ મહેનત વગર મળતો નથી, એના માટે વૈશાખ જેવો ભોગ આપવો પડે. પરિણામ જોઈએ તો તપ તો કરવું પડે. વિશ્ર્વના પહેલાં જ સાહિત્યમાં સમજાવી દીધું કે તપવું તો પડશે જ. સૂર્યના પ્રચંડ તાપને સહે તો ધરતીનું સ્વર્ગ વરસાદ હાજર છે.
જગપ્રસિદ્ધ સ્વસ્તિમંત્રમાં ઇન્દ્રનો પ્રારંભ એટલે ચૈત્ર માસની વાત છે. ઇન્દ્રને વૈદિક યુગનું મહત્ત્વના દેવ ગણાય. ઇન્દ્રની અસંખ્ય કથાઓ આપણા સનાતન સાહિત્યમાં લખાયેલી છે.
એક અદ્ભુત વાત ઇન્દ્રના માધ્યમથી કહી છે. દેવાધિદેવ ઇન્દ્રને મળવા માટે ભરદ્વાજ મુનિનો પુત્ર યવક્રિત ગયો. આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને બધા વિદ્વાન બને છે, કોઈ પુસ્તકનો રેફરન્સ આપવામાં આવે તો વાંચન કોઇને કરવું નથી. જીવનના તમામ સુખ ભોગવવા શોર્ટકટની સહુને તલાશ છે. યવક્રિતે ઇન્દ્રને પ્રસન્ન કરીને વરદાન માગ્યું, શોર્ટકટ રીતે વેદનું જ્ઞાન મગજમાં સીધેસીધું ડાઉનલોડ થઈ જાય.એણે ઇન્દ્રને કહ્યું કે આ વેદ તથા જ્ઞાન ગોખવાની ઝંઝટ કોણ કરે? સીધેસીધું જ્ઞાન મળી જાય એવી વ્યવસ્થા કરી આપો. દેવાધિદેવ ઇન્દ્રએ સમજાવ્યું કે જ્ઞાન માટે કોઈ શોર્ટકટ નથી હોતો. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો વૈશાખી ગરમી જેવી તકલીફ સહન કરવી પડે, મહેનત કરવી પડે. યોગ્ય ગુરૂ પાસે જઇને તપસ્યા થકી જ્ઞાન મેળવી શકાય. આ વાત જ્ઞાનની છે, આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં માહિતીને જ્ઞાન માનવામાં આવે છે. જ્ઞાની બનવું એટલું સરળ નથી અને યવક્રિતને પરત મોકલ્યો. કુછ સમજે? આપણે તો એકાદ ધબ્બામાં કે ભાષણો સાંભળીને જ્ઞાની બની જઇએ છીએ. ઇન્દ્રની વાત નીકળી જ છે તો એક ઓર કથા સમજો. માર્કેન્ડેય ઋષિ તપ કરતા હતા, તેમના તપથી ઇન્દ્રને ડર લાગ્યો. ઇન્દ્ર સામેથી ઇન્દ્રાસન આપવા ગયો તો માર્કેન્ડેયે સ્પષ્ટ કહ્યું કે તારા જેવા લાખો ઇન્દ્ર બ્રહ્માંડમાં ફરે છે, મને તારી ગાદીમાં કોઈ રસ નથી. જે ઇન્દ્ર જ્ઞાન માટે કોઈ શોર્ટકટ નથી એવું કહેતો એ જ ઇન્દ્ર ગાદી બચાવવા ફરતો ફરે છે. વેદો અને ઉપનિષદ આપણને સમજાવે છે કે તકલીફ પડે ત્યારે માણસ ગમે તેટલો જ્ઞાની હોય પણ મૂળ સ્વભાવ પર આવી જાય છે. આ જ ઇન્દ્ર કે જે માણસજાતને પ્રકાશ અને પાણી મળે તે માટે વૃત્ર સામે લડે છે, એ જ ઇન્દ્ર અહલ્યા માટે દીવાનો બની જાય છે…
એક મહાન યોદ્ધો પણ ભૌતિક સુખ માટે લાચાર બની જાય છે. પોતાના પુત્ર અર્જુન માટે કર્ણ પાસે કવચ કુંડળ માગતા પણ ખચકાતો નથી, તો શમ્બર નામના માયાવી રાજા સામે વિરતાપૂર્વક લડાઇ લડ્યો હતો. શમ્બર યાદ છે? શમ્બર સામે યુદ્ધ કરતી વેળા રાજા દશરથે પત્ની કૈકયીને સાથે રાખી હતી, અણિના સમયે કૈકયીએ મદદ કરી હતી. યુદ્ધ મેદાનમાં કૈકયીને દશરથે વચન આપ્યાં હતાં, જેમાંથી આખું રામાયણ સર્જાયું.
એની વે, વેદોમાં સૌથી વધુ મહત્ત્વ ધરાવતું પાત્ર ઇન્દ્ર ભારતવર્ષનું સૌથી શક્તિશાળી પાત્ર બની ગયું, ઇન્દ્ર ઉત્સવ થવા લાગ્યો. ઋગ્વેદમાં કુલ ૧૦૫૫૨ મંત્રો છે, જેમાં એકલા ઇન્દ્રની મહિમાનું ગાન કરતાં ૨૮૬૨ મંત્રો છે, અગ્નિમાટે ૨૦૧૩ અને સોમ… યસ… સોમના ૧૭૭૫ના મંત્રો છે. બાકીના મંત્રોમાં તમામ નાના મોટા દેવો આવી ગયા. બાય ધ વે, જેમની સ્તુતિ કરવામાં આવે તે દેવ અને જેમના વડે સ્તુતિ થાય તે રુચિ છે… ફરી નવો યુગ આવ્યો, ઇન્દ્રની કથાએ ઇતિહાસ બદલી નાખ્યો. ઇન્દ્રપૂજાને જાતે જ મહત્ત્વ આપવાનું શરૂ કર્યું. ગામડાના એક કિશોરે ઇન્દ્રની દાદાગીરીનો વિરોધ કર્યો, ઇન્દ્રએ ભારે વરસાદથી માંડી શક્ય એટલો હાહાકાર મચાવવાની કોશિશ કરી. લડાઈ કરી પણ કિશોર સામે હાર મળી. ઇન્દ્ર પૂજા બંધ અને ગોકુળ પૂજા શરૂ થઈ. બહુ સાદી વાત છે, સ્વર્ગનો રાજા હોય કે ગમે તેટલો શક્તિશાળી હોય… દરેકનો સમય હોય છે, દરેકની વંદના, મહત્તા હોય કે કાર્યકાળ એક્સપાયર ડેટ લખેલી જ હોય છે, કશું જ કાયમી નથી. આપણે ભ્રમણામાં જીવીએ છીએ, ઇન્દ્ર જેવો ઇન્દ્ર પણ કાયમી નથી, ચૌદ ઇન્દ્ર થઈ ચૂક્યા છે.
એક પ્રચંડ યોદ્ધો, જેનું આગમન એટલે મેઘ અને ભયાનક કડાકાભડાકા અને વીજળીનો કેર… જેના ભાઇઓ, મિત્રો અને સાથીદારો સૂર્ય, અગ્નિથી જળ સુધી માલિકી ધરાવે છે, જે સર્વોચ્ચ છે. એક ગામડાનો કિશોર ચેલેન્જ આપે છે, થાય તે કરી લો. કૃષ્ણ કનૈયા લાલ કી જે…
બાય ધ વે, સવાલ તો એ પણ થાય કે આપણે વારેઘડીએ વેદોની વાતો પર ગૌરવ લઇએ છીએ, તો મૂળ વેદોના દેવો કેમ બાજુ પર રહી ગયા?
મૂળ વેદોને સમજવા એક જીવન ઓછું પડે. વેદને સરળતાથી સમજાવવા ઉપનિષદ આવ્યા. ઉપનિષદમાં મહદઅંશે મૃત્યુ અને જ્ઞાનને ધ્યાનમાં રાખીને જીવનની શ્રેષ્ઠ સમજ આપવામાં આવી, જે વિશ્ર્વના કોઈ સાહિત્યમાં નથી. ઉપનિષદને વધુ સરળ કરવા પુરાણો આવ્યાં. આખી વાતનો સાર એટલો જ છે કે માણસજાત સતયુગથી કદી બદલાયા નથી. આપણા એડજસ્ટમેન્ટ મુજબ ભગવાનની વ્યાખ્યા બદલતા ગયા, છેલ્લા બસો વર્ષમાં સાવ નવા જ ભગવાનો બની બેઠા, એમને પણ સ્વીકારી લીધા છે…
ધ એન્ડ : અત્યંત મુશ્કેલ શાસ્ત્રોનો અભ્યાસ મધુર કાવ્યોથી સરળ થઇ જાય છે, જે રીતે કડવી દવાનું સેવન મીઠાશ ધરાવતા મધ સાથે કરવામાં આવે છે. (કાવ્યાલંકાર)

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -