નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટ પર ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહા ત્યારે વિચિત્ર પરિસ્થિતિમાં મૂકાઈ ગયા હતા જ્યારે દિલ્હીથી અગરતલા જઈ રહેલી ફ્લાઈટમાં તેમની સીટ પર એક મહિલા આવીને બેસી ગઈ અને તેને સમજાવવા છતાં કે સીટ છોડીને જવા તૈયાર ના થઈ. મુખ્ય પ્રધાનની ટિકિટ બિઝનેસ ક્લાસની હતી અને મહિલા ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરી રહી હતી. જ્યારે મહિલાને જણાવવામાં આવ્યું કે આ સીટ ત્રિપુરાના સીએમની છે તો તેણે તરત જ વળતો સવાલ કર્યો કે તો શું થઈ ગયું. જો સીએમ ચાહે તો મારી સીટ પર જઈને બેસી શકે છે. હું આ સીટ પરથી નહીં ઉઠું. લાંબા સમય સુધી ફ્લાઈટમાં આ મુદ્દે રકઝક ચાલી. જ્યારે મહિલાને જણાવવામાં આવ્યું કે તમારી આ હરકતને કારણે તમને ફ્લાઈટમાંથી ઉતારીને પોલીસને હવાલે કરી દેવામાં આવશે ત્યારે જઈને મહિલા સીટ પરથી ઉઠી.
આ ઘટના બુધવાર સવારની છે જ્યારે ઈન્ડિગોની ફ્લાઈટ 6E-5022થી ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહા દિલ્હી એરપોર્ટના ટી-3થી અગરતલા જઈ રહ્યા રહ્યા હતા. તેમની સીટ બિઝનેસ ક્લાસમાં પહેલી હરોળમાં બૂક કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન સાથે અન્ય બે વરિષ્ઠ આઈએએસ ઓફિસર પણ હતા. મુખ્ય પ્રધાનના ફ્લાઈટમાં આવ્યા બાદ જ્યારે અધિકારીઓએ જોયું કે સીએમની સીટ પર અન્ય કોઈ મહિલા આવીને બેસી ગઈ છે. તેમણે મુખ્ય પ્રધાનના બોર્ડિંગ પાસને ફરી એક વખત ચેક કર્યું કે તેમનાથી જોવામાં કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને, પણ નહીં સીટ કન્ફર્મ હતી અને આ બધા વચ્ચે એયર હોસ્ટેસ પણ ત્યાં આવી ગઈ હતી.
મુખ્ય પ્રધાનની સીટ પર બેસેલી મહિલા પ્રવાસીને જણાવવામાં આવ્યું હતું કે આ તમારી સીટ નથી. આ સીટ સીએમની છે. પણ મહિલાએ સીએમની સીટ પરથી ઉઠવાનો સાફ ઈન્કાર કરી દીધો અને ઉલટો જવાબ આપતા કહ્યું કે તો શું થયું? મહિલા જિદ કરવા લાગી અને જ્યારે મહિલાનો બોર્ડિંગ પાસ ચેક કરવામાં આવ્યો તો તે ઈકોનોમી ક્લાસની પ્રવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આખરે પાઈલટે આ મામલામાં દરમિયાનગિરી કરી અને મહિલાને સમજાવ્યું કે તમારા આવા વર્તનને કારણે તમને નો ફ્લાય ઝોનમાં નાખી દેવામાં આવશે અને એટલું જ નહીં તેમને પોલીસને હવાલે પણ કરવામાં આવશે અને ત્યારે મહિલા મુખ્ય પ્રધાનની સીટ પરથી ઉઠવા તૈયાર થઈ.
આખો મામલો થાળે પડ્યા બાદ મુખ્ય પ્રધાન સાથે પ્રવાસ કરી રહેલાં બે ઓફિસર અને ક્રુ મેમ્બર્સે રાહતનો શ્વાસ લીધો હતો અને ફ્લાઈટે અગરતલા જવા માટે ટેક ઓફ કર્યું હતું