છેલ્લા ઘણા દિવસોથી ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં કોઈને કોઈ ગડબડીના સમાચાર આવતા રહે છે. એવામાં ગઈ કાલે ગુરુવારે વધુ એક કિસ્સો જોડાયો છે. ગુરુવારે 9 ફેબ્રુઆરીના રોજ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ હૈદરાબાદથી વિશાખાપટ્ટનમ પહોંચી, એરલાઈન્સની બેદરકારીને લીધે તમામ મુસાફરોનો સામાન હૈદરાબાદ જ રહી ગયો હતો. ઘટના બાદ એરલાઈન્સે ભૂલ સ્વીકારીને માફી માંગી છે.
માહિતી અનુસાર, ઈન્ડીગો એરલાઈન્સની ફ્લાઇટ 6E 409 ગુરુવારે હૈદરાબાદ એરપોર્ટથી વિશાખાપટ્ટનમ માટે ઉડાન ભરી હતી. જ્યારે આ ફ્લાઇટ તેના ગંતવ્ય સ્થાને પહોંચી ત્યારે મુસાફરોએ તેમનો સામાન શોધવા લાગ્યા. લાંબો સમય લગેજ બેલ્ટ પર સામાનની રાહ જોયા બાદ મુસાફરો પરેશાન થઈ ગયા. મુસાફરોએ હોબાળો મચાવતા જાણવા મળ્યું હતું કે ફ્લાઈટમાં તમામ મુસાફરોનો સામાન ગુમ થઈ ગયો હતો. મુસાફરોનું કહેવું છે કે ઘણા કલાકો સુધી રાહ જોયા બાદ તેમને જણાવવામાં આવ્યું કે તેમનો સામાન હૈદરાબાદમાં જ છૂટી ગયો હતો.
ઈન્ડિગો એરલાઈન્સે આ મામલે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે એરલાઈન્સ મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગે છે. એરલાઇન્સ તમામ મુસાફરોના સામાનની સુરક્ષિત ડિલિવરી સુનિશ્ચિત કરશે. તમામ મુસાફરોની બેગ વિશાખાપટ્ટનમમાં તેમના સરનામા પર પહોંચાડવામાં આવશે.