ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ 109 રન પર જ સમેટાઈ ગયો હતો. દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ તેની 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ દિવસના અંતે 156 રન બનાવીને 47 રનની લીડ મેળવી હતી. આ દરમિયાન, એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોમેન્ટેટર ભારતના દિગ્ગજ ખેલાડીને ‘નોસ્ટ્રાડેમસ’ કહી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે અનુભવી વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકે સચોટ ભવિષ્યવાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા. દિનેશની આ આગાહીથી પ્રભાવિત થઈને સાથી કોમેન્ટેટરે તેમને ‘નોસ્ટ્રાડેમસ’ તરીકે ઓળખાવ્યા હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને દિનેશ કાર્તિકે તેના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.
નોંધનીય છે કે નોસ્ટ્રાડેમસ ફ્રાન્સના એક પ્રખ્યાત ભવિષ્યવેત્તા હતા જેમણે દુનિયા વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી સાચી પણ સાબિત થઈ હતી. બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય બેટિંગ ફ્લોપ રહી હતી. ટીમ ઈન્ડિયા 33.2 ઓવરમાં 109 રન જ બનાવી શકી હતી. વિરાટ કોહલી અને શુભમન ગિલ સિવાય કોઈ ભારતીય બેટ્સમેન 20 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. નીચલા ક્રમમાં ઉમેશ યાદવે ટૂંકી પરંતુ સારી ઇનિંગ રમી, જેના કારણે ટીમ ઇન્ડિયા 100 રનનો આંકડો પાર કરી શકી. ઉમેશે 13 બોલમાં 17 રન બનાવ્યા જેમાં 2 શાનદાર સિક્સર અને એક ફોરનો સમાવેશ થાય છે. આ દરમિયાન કાર્તિકે એક ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઈ હતી. નાથન લિયોન ઇનિંગની 30મી ઓવર કરવા આવ્યો હતો. દિનેશ કાર્તિક કોમેન્ટ્રી બોક્સમાં હતા. તેમણે ઓવરના છેલ્લા બોલ પહેલા ભવિષ્યવાણી કરી હતી કે ઉમેશ યાદવ આ બોલ પર સિક્સર ફટકારશે અથવા આઉટ થઈ જશે. લિયોનના આ બોલને ઉમેશ યાદવે મિડ-વિકેટ પર રમતા છગ્ગા માટે મોકલ્યો હતો. આ જોઈને સાથી કોમેન્ટેટર દિનેશ કાર્તિકને ‘નોસ્ટ્રાડેમસ’ કહે છે.
તમે પણ આ ઘટનાનો વીડિયો જુઓ…