સિરિયાના વિદેશ પ્રધાને ભારતની કરી ભારોભાર પ્રશંસા
નવી દિલ્હીઃ સિરિયાના વિદેશ પ્રધાન ડો. ફૈસલ મેકદાદ પાંચ દિવસની ભારતની
મુલાકાત માટે પાટનગર દિલ્હીમાં આવી પહોંચ્યા છે ત્યારે તેમને કહ્યું હતું કે સિરિયાને
બેઠું કરવામાં ભારતનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. સિરિયાના વિદેશ પ્રધાન ડો. ફૈસલે કહ્યું
હતું કે બે વર્ષ પહેલા જ્યારે સિરિયા પાસે ખાવા માટે કંઈ હતું નહીં ત્યારે ભારતે અડધો
ટનથી વધુ ચોખા સિરિયા મોકલ્યા હતા. બંને દેશોની વચ્ચે ગાઢ સંબંધ છે.
ભારતની મુલાકાત વખતે ભારતની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે વર્ષ 2013, 2014
અને 2015માં સિરિયાની રાજધાની દમાસ્કસમાં સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા
હતા ત્યારે ભારતીય દુતાવાસમાં તમામ કામકાજ સામાન્ય દિવસના માફક થતા હતા.
દિલ્હથી દમાસ્કસની ફ્લાઈટનો રુટ ફક્ત ચાર કલાકનો જ છે, તેથી તમે અંદાજ લગાવી
શકો છો કે બંને દેશ એકબીજા સાથે કેટલા નજીક છે. આ સંજોગોમાં એટલું કહી શકાય
કે જે સિરિયા માટે ખતરનાક છે એ ભારત માટે પણ ખતરનાક છે. ભારત અને સિરિયા
બંને ધર્મનિરપેક્ષ દેશ છે અને બંને રાષ્ટ્રો લોકતાંત્રિક મૂલ્યોમાં પણ વિશ્વાસ કરે છે.
સિરિયાના વિદેશ પ્રધાને વધુમાં કહ્યું હતું કે અમે પણ એશિયાઈ દેશ પૈકીના છીએ અને
તમે પણ અમને પશ્ચિમી એશિયાઈ તરીકે બોલાવી શકો છો. વાસ્તવમાં ભારત તો
એશિયાનું હાર્ટ છે, તેથી પશ્ચિમી હિસ્સો પણ હૃદય વિના કામ કરી શકે નહીં. બંને રાષ્ટ્રો
સાથે છે અને આર્થિક સહયોગ વધારવા માટે બંને દેશ સમંત છે. આતંકવાદને કારણે
સિરિયામાં તબાહી પછી ફરી એક વખત સિરિયાને બેઠું કરવા માટે અમને ભારતનો
નોંધપાત્ર ટેકો મળ્યો છે.