પૂર્વોત્તરના ત્રણ રાજ્ય ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાન સભાઓનો કાર્યકાળ માર્ચમાં અલગ-અલગ તારીખે પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણીની તારીખો આવે તેવી શક્યતા છે. ત્રણેય રાજ્યોમાં 60-60 વિધાનસભા બેઠકો છે. ભાજપ માટે ઉત્તરપૂર્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ પોતે ઘણી વખત પૂર્વોત્તર સાથેના તેમના જોડાણનો ઉલ્લેખ કર્યો છે.
ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણી યોજાવાની છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ કોઈને કોઈ સ્વરૂપે સત્તામાં છે. ભાજપ ત્રિપુરામાં એકલા હાથે સત્તામાં છે જ્યારે તે નાગાલેન્ડ અને મેઘાલયમાં ગઠબંધન સરકારનો ભાગ છે. એટલે કે આ ત્રણેય રાજ્યોમાં સત્તા બચાવવાનો ભાજપ સામે પડકાર છે તે સ્પષ્ટ છે.
ત્રિપુરાઃ-
ત્રિપુરામાં સતત બે વખત સત્તામાં છે, પરંતુ આ વખતે ભાજપને બે બાજુથી ઘેરાબંધીનો સામનો કરવો પડી શકે છે. ગત વખતે ભાજપે પોતાના દમ પર બહુમતી હાંસલ કરી હતી પરંતુ તેની અને સીપીએમ વચ્ચેના વોટ શેરમાં તફાવત માત્ર 1.25 ટકા હતો. આવી સ્થિતિમાં જો સીપીએમ અને કોંગ્રેસ સાથે મળીને મેદાનમાં ઉતરે છે તો ભાજપ માટે મુશ્કેલી પડી શકે છે. જોકે, ભાજપે 2022માં બિપ્લબ દેબને હટાવીને મુખ્યમંત્રીની કમાન માણિક સાહાને સોંપી દીધી હતી, પરંતુ આ દાવ કેટલો અસરકારક છે તે તો ચૂંટણીમાં જ ખબર પડશે. મમતા બેનર્જીની ટીએમસી પણ ભાજપ માટે નવી મુશ્કેલી ઊભી કરી શકે છે.
મેઘાલયઃ-
60 બેઠકો ધરાવતી મેઘાલય વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થશે. 2018ની ચૂંટણીમાં કોંગ્રેસ 21 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી પરંતુ સરકાર બનાવવામાં નિષ્ફળ રહી હતી. તે સમયે, ચૂંટણી પછી મેઘાલય ડેમોક્રેટિક ફ્રન્ટની રચના કરવામાં આવી હતી, જેમાં 19 બેઠકો સાથે એનપીપી, ભાજપ (2 બેઠકો), પીડીએએફ (4), યુડીપી (6 બેઠકો) અને એચએસપીડીપી (2 બેઠકો)નો સમાવેશ થાય છે અને સરકાર બનાવી હતી. એનપીપીના નેતા કોનરાડ સંગમા મુખ્યમંત્રી બન્યા. ભાજપ અહીં ગઠબંધનમાં છે પરંતુ 2023માં તમામ પાર્ટીઓએ અલગ-અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ વખતે ટીએમસીએ જાહેરાત કરી છે કે તે અહીં તમામ સીટો પર ચૂંટણી લડશે. આવી સ્થિતિમાં ભાજપે અહીં પોતાની સીટો વધારીને પોતાની સ્થિતિ મજબૂત કરવી પડશે. જેથી તે ચૂંટણી બાદ ગઠબંધનનો હિસ્સો બની શકે.
નાગાલેન્ડઃ-
નાગાલેન્ડમાં 60 બેઠકો છે, પરંતુ 2018માં માત્ર 59 બેઠકો પર જ ચૂંટણી થઈ હતી. કારણ, નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) ના નેફિયુ રિયો બિનહરીફ ચૂંટાયા હતા, જેના કારણે એક સીટ પર ચૂંટણી થઈ ન હતી. 2018 માં એનડીપીપી અને ભાજપ એકસાથે ચૂંટણી લડ્યા હતા, જેમાં એનડીપીપીએ 18 બેઠકો જીતી હતી જ્યારે ભાજપે 12 બેઠકો જીતી હતી. નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) 26 બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ બન્યો, પરંતુ ભાજપ ગઠબંધન છવાયેલું રહ્યું. NDPP-BJPએ નેફિયુ રિયોના નેતૃત્વમાં સરકાર બનાવી. ભાજપની સાથે સાથે વર્તમાન સીએમ નેફિયુ રિયો માટે પણ સત્તા બચાવવાનો પડકાર છે. 2018માં તેઓ ચોથી વખત રાજ્યના સીએમ બન્યા હતા.