Homeઈન્ટરવલશહીદોને હિંદની ભેટ: આંદામાનની ભૂમિ ખરા અર્થમાં પાવન બની

શહીદોને હિંદની ભેટ: આંદામાનની ભૂમિ ખરા અર્થમાં પાવન બની

કવર સ્ટોરી-અભિમન્યુ મોદી

પરમવીર ચક્રનો પરાક્રમી ઇતિહાસ: નરબંકાઓની ફરજનિષ્ઠાને સલામ
—————-
પરમવીર ચક્રનો વણલખ્યો ઇતિહાસ: એક મહિલાનો સંઘર્ષ દેશનું સર્વોચ્ચ સન્માન બન્યું
—————–
ખબર છે! એક મહિલાના સાહસથી પરમવીર ચક્રનું સર્જન થયું
———————
ભારતમાં દેશદાઝની ભાવના ક્યારે જાગે છે? ૧૫મી ઑગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી, આ બે દિવસમાં જ હિન્દુસ્તાનમાં દેશ પ્રેમનો લોકજુવાળ ઊઠે છે. બીજે જ દિવસે તિરંગો સડક પર સબડતો જોવા મળે છે. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવતા આજના ભારતની સૌથી મોટી કરુણતા એ છે કે દેશપ્રેમને યાદ કરાવવાની કવાયત કરવી પડે છે. ૨૪ કલાકમાં જ મગજના તંતુઓમાંથી દેશવાસીઓ ભારતમાતાના મૂલ્યનિષ્ઠ સંસ્કારો અને ભારતની સંસ્કૃતિને વિસરી જાય ત્યારે જે સપૂતોએ રાષ્ટ્રને કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હોય તેમને કેવી અનુભતી થતી હશે. પીએમ મોદીએ તાજેતરમાં આંદામાન-નિકોબારના ૨૧ ટાપુઓનું પરમવીર ચક્ર વિજેતાઓના નામે નામકરણ કર્યું ત્યારે નેટિઝન્સે આ નિર્ણયની સરાહના કરી પરંતુ કેટલા લોકોને પરમવીર ચક્ર વિજેતાઓના નામ કડકડાટ યાદ છે? કેટલાને ખબર છે કે પરમવીર ચક્ર એટલે શું? જવાબ શોધવા કોઈ પુસ્તકોને નહીં ખોલે, મોબાઈલની સ્ક્રીન પર પરમવીર ચક્રને શોધશે. આ છે દેશ પરત્વેની કર્તવ્યનિષ્ઠા!
સરકાર જાહેરાત કરે એટલે ઓવારણાં લેતી પ્રજાને અતીતમાં ડોકિયું કરવાનું જરૂર છે. પરમવીર ચક્ર ભારતનો સર્વોચ્ચ ખિતાબ છે. દુશ્મનો સામે અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શન અને દેશ માટે બલિદાનની ભાવના બદલ સેનાના જવાનોને અને અધિકારીઓને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવે છે. આ સન્માન મરણોપરાંત પણ આપવામાં આવે છે. ભારત રત્ન બાદ દ્વિતીય ક્રમનો ખિતાબ ગણાય છે. અત્યાર સુધીમાં પરમવીર ચક્ર પુરુષોને ફાળે જ ગયું છે. એ ૨૧ ભડવીરોથી તેમજ તેમનાં પરાક્રમોથી દેશની બહુધા જનતા અજાણ છે. સંભવત: એટલા માટે કે પરમવીર ચક્ર વિજેતાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવાની બાબતે પાઠ્યપુસ્તકોથી લઇને મીડિયા સુધીનાં સ્રોતમાં તૂટક માહિતી જ મળી છે. ત્યારે એ જાણવું આવશ્યક છે કે આ પરમવીર ચક્રની ડિઝાઇન એક બિન-ભારતીય મહિલાએ તૈયાર કરી છે. તેમના માટે પરમવીર ચક્રનું નિર્માણ એ રાષ્ટ્રની સેવા કરવાનો અમૂલ્ય અવસર હતો.
પરમવીર ચક્રની ડિઝાઈન સાવિત્રી ખાનોલકર નામના મહિલાએ તૈયાર કરી હતી. તેમનું મૂળ નામ તો ‘ઈવા વોન લિન્ડા મેડે-ડી-મેરોસ’. સ્વાર્થ વગર કરવામાં આવેલા સમર્પણનું બીજું નામ એટ્લે પ્રેમ. એ પ્રેમ જ હતો જે સ્વિસમાં જન્મેલા ‘ઈવા’ને ભારત લાવ્યો. જેને અહીં આવીને પોતાના કલ્ચર પ્રત્યે પ્રેમ દર્શાવ્યો. ઈવાનો જન્મ ૨૦ જુલાઈ ૧૯૧૩માં સ્વિટ્ઝર્લેન્ડના ન્યૂચેટેલમાં થયો હતો. તેમનો મોટાભાગનો સમય પુસ્તકોની વચ્ચે પસાર થતો હતો. તેમને ભારતની સંસ્કૃતિ તેની સાથે જોડાયેલાં પુસ્તકો વાંચવાનો જબરો શોખ હતો.
૧૯૨૯માં ઈવાની મુલાકાત વિક્રમ રામજી ખાનોલકર સાથે થઈ. વિક્રમ ઈન્ડિયન આર્મી કેડેટના સભ્ય હતા. તેઓ બ્રિટનના સેન્ડહર્સ્ટની રોયલ મિલિટરી એકેડેમીમાં ટ્રેનિંગ માટે ગયા હતા. ઈવા વિક્રમ રામજી સાથે લગ્ન કરવા માંગતા હતાં, પરંતુ પિતા આ સાથે સહમત ન હતા. ઈવા પોતાની જીદ પર અડગ રહ્યાં અને બન્નએ ભારત આવી લખનઊમાં પ્રેમલગ્ન કર્યાં. તેમણે લગ્ન બાદ સાવિત્રીબાઈનું નામ ધારણ કર્યું. લગ્ન બાદ તેમણે પટના યુનિવર્સિટીમાં હિન્દી અને સંસ્કૃતનો તેમજ ઉપનિષદ અને વેદાંતનો અભ્યાસ કર્યો હતો. દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની ઈચ્છા મુજબ સેનાના મદદનીશ સેનાપતિ મેજર જનરલ હીરાલાલ અટલે સાવિત્રીબાઈની લાયકાત પારખી અને તેમને પરમવીર ચક્રની ડિઝાઈન તૈયાર કરવાનું મહત્ત્વનું કામ સોંપ્યું.
ગોળાકાર ૩.પ સે.મી.ના કાંસાના બનેલા મેડલમાં ચારે બાજુ ચાર ચિહ્ન અંકિત છે. પદકના વચ્ચેના ભાગમાં રાષ્ટ્રનું પ્રતીક ચિહ્ન છે. મેડલની પાછળની બાજુ કમળનું ચિહ્ન છે અને હિન્દી અને અંગ્રેજી ભાષામાં ‘પરમવીર ચક્ર’ લખવામાં આવ્યું. પરમવીર ચક્રની રચના વખતે દધીચિ ઋષિને આદર્શ તરીકે રાખવામાં આવ્યા છે. દધિચિ ઋષિએ ઈન્દ્રદેવને વૃત્રાસુર નામના રાક્ષસનો સંહાર કરવા માટે વજ્ર જેવું અમોઘ શસ્ત્ર બનાવવા માટે પોતાના દેહનું બલિદાન આપ્યું અને તેમની અસ્થિ ઈન્દ્રદેવને પ્રદાન કરવામાં આવી હતી. જેથી અસુરોનો સંહાર થાય. અન્યને જીવતદાન મળે એ માટે તેમણે પોતાના જીવનું બલિદાન આપ્યું. આમ, આ પુરસ્કાર દેશ અને સમાજ માટે ત્યાગ, વીરતા અને બલિદાનની ભાવનાનું પ્રતીક છે. સંજોગોવશાત દેશનું સૌપ્રથમ સન્માન એટલે કે પરમવીર ચક્ર મેળવનારા વીર સપૂત મેજર સોમનાથ શર્મા કે જેઓ સાવિત્રી ખાનોલકરના જમાઈના ભાઈ હતા.
તેઓ ભારતીય સેનામાં કુમાઉ રેજિમેન્ટની ચોથી બટાલિયનની ડેલ્ટા કંપનીના કંપની કમાન્ડર હતા. ૩ નવેમ્બર, ૧૯૪૭ના રોજ વીરતાપૂર્વક લડતી વખતે મેજર સોમનાથ શહીદ થયા હતા. એ વખતે તેઓ માત્ર ચોવીસ વર્ષના હતા. ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મેજર સોમનાથ શર્માની ટુકડીએ શ્રીનગર હવાઈઅડ્ડાની અને કાશ્મીરની રક્ષા કરતી વખતે ૩૦૦ પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો બોલાવ્યો હતો. મેજર સોમનાથને તેમની શહીદીના લગભગ ત્રણ વર્ષ બાદ ૨૬ જાન્યુઆરી, ૧૯પ૦ના રોજ પરમવીર ચક્રનું સન્માન આપવામાં આવ્યું. ફરી ૨૬ જાન્યુઆરી આવે છે, પરંતુ આવા કેટલા શહીદોની શૌર્ય ગાથા દેશના યુવાધનને ખબર છે?
પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર તથા બાંગલા દેશ જેવાં રાષ્ટ્રો સાથે ભારતની સરહદરેખા સેંકડો કિલોમીટર લાંબી છે. આ સરહદો પર ભારતીય લશ્કરના લાખો સૈનિકો દિવસ-રાત ખડેપગે રહે છે, જે દરમ્યાન વિવિધ શારીરિક તેમજ માનસિક પડકારોનો સામનો કરે છે. એક તરફ દુશ્મનના અણચિંતવ્યા આક્રમણની સંભાવના, બીજી તરફ જખમી થવાનું કે પછી જાન ગુમાવવાનું જોખમ, ત્રીજી બાજુ અસહ્ય ગરમી, અકથ્ય ઠંડી તેમજ મુસળધાર વર્ષા જેવા વિષમ કુદરતી સંજોગો સામે લડત, તો ચોથી બાજુ પરિવારજનોથી મહિનાઓ સુધી દૂર રહેવાનો વિષાદ ! આ ચોતરફી પડકારો એક યા બીજા સ્વરૂપે સૈનિકો સમક્ષ દૈનિક ધોરણે ખડા થાય છે અને છતાં તેઓ દરેક પડકારને અવગણીને સરહદ પર દીવાલ બનીને ઊભા છે. અહીં એક સહજ પ્રશ્ર્ન થાય છે કે ચામડીને ભૂંજી નાખે તેવા બળબળતા રેગિસ્તાનમાં, હાડ ગાળી નાખતા હિમાલયના શીતાગારમાં તેમજ ઉપદ્રવી જીવજંતુઓ ધરાવતાં પૂર્વ ભારતનાં જંગલોમાં આપણા સૈનિકો તારીખ-વાર-સમય-તહેવાર જોયા વિના દેશ માટે રાઉન્ડ-ધ-ક્લોક કઈ રીતે તૈનાત રહે છે?
સરહદ પર તૈનાત એ સૈનિક કોણ છે? શું તેનું નામ છે? કયું ગામ છે? અફસોસ કે સરેરાશ દેશવાસીને આમાંની કશી જાણકારી હોતી નથી. આ બધા જવાનો વળી જુદા પ્રકારની માનસિક ચેલેન્જનો દૈનિક ધોરણે સામનો કરતા હોય છે. પહાડોમાં દૂર સુધી ક્યાંય માનવ સંચાર ન હોવાથી તથા મોબાઇલનું નેટવર્ક ન હોવાથી સખત ને સતત એકલતા અનુભવે છે. ન કોઈ વાત કરનારું હોય કે ન વાત સાંભળનારું. આથી ટ્રેકર્સનું એકાદ ગ્રુપ આવે ત્યારે જવાનોના હૃદયમાં ઊછળતી રાજીપાની લાગણી છલકાઈને તેમના ચહેરા પર રેલાતી જોઈ શકાય. આવી હોય છે ભારત માતાના સપૂતોની જિંદગી, જે બદલ તેમને કોઈ ફરિયાદ નથી. કારણ કે દેશસેવા સામે પર્સનલ પ્રોબ્લેમ્સને તેમણે પ્રાધાન્ય આપ્યું નથી. તકલીફો,
દુ:ખ, ગમગીનીનો ભાર તેઓ હૃદયના ઊંડા ખૂણે છુપાવીને બેઠા છે. આ સપૂતોની મનસ્થિતિ સારે જહાઁ સે અચ્છા…’ ગીતની એક પક્તિમાં બખૂબી વ્યક્ત થાય છે.
અલબત્ત, દેશની પ્રજા અજાણ હોય તે અંગે સૈનિકોને કોઇ ફરિયાદ નથી, કારણ કે નામ યા ખ્યાતિની ઝંખના રાખ્યા વિના નિષ્ઠાપૂર્વક પોતાનું કર્તવ્ય કરવું એ જ તેમનો ધર્મ છે. આ ધર્મ નિભાવવા જતાં ૧૯૪૭ના ભારત-પાક યુદ્ધથી આજ દિન સુધીમાં કોણ જાણે કેટલાય ભારતીય સૈનિકોએ દેશકાજે પ્રાણની આહુતિ આપી દીધી. આમાંના અમુક ભાગ્યશાળીઓનાં જ્વલંત પરાક્રમો પ્રકાશમાં આવ્યાં, એટલે તેમનાં સાહસોને પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, સેના પરમવીર મેડલ જેવા લશ્કરી ચંદ્રકો વડે બિરદાવવામાં આવ્યાં. બીજી તરફ ઘણા એવા પણ સૈનિકો છે જેમણે યુદ્ધભૂમિમાં અપ્રતીમ પરાક્રમ કર્યા છતાં કાળના ગર્તમાં ખોવાય ગયા તેમના બલિદાનને પણ જો એક વાર યાદ કરવામાં આવે તેમને સાચી શ્રદ્ધાંજલિ મળશે. અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ખરાં અર્થમાં સાર્થક થશે, પરંતુ શું આ શહીદો અને તેમની શહીદીને આઝાદીની ઉજવણી પૂર્વે જ યાદ કરવી જરૂરી છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -