સ્પેશિયલ -રાજેશ યાજ્ઞિક
ભારતની આઝાદીના પંચોતેર વર્ષ પુરાં થયાં. તે નિમિત્તે પંચોતેર વર્ષ પહેલાંના ભારત વિશે વાચકોએ ઘણી વાતો વાંચી કે સાંભળી હશે. પણ શું તમે જાણો છો કે ૧૯૪૭માં જ ભારતને પહેલી મિસ ઇન્ડિયા મળી હતી? જી હા, ભારતની પહેલી મિસ ઇન્ડિયા હતી એસ્થર વિક્ટોરિયા અબ્રાહમ ઉર્ફે પ્રમિલા. ચાલો જાણીએ ભારતની પહેલી મિસ ઇન્ડિયા વિશે.
જીવનનાં શરૂઆતનાં વર્ષો
એસ્થર વિક્ટોરિયા અબ્રાહમનો જન્મ ત્યારના કલકત્તામાં ૧૯૧૬માં થયેલો. તેઓ યહૂદી પિતા રૂબેન અબ્રાહમ (જે તેમના સાવકા પિતા હતા) અને માતા માટિલ્ડા ઇસાકના દીકરી હતાં. તેમના સાવકા પિતાનાં ત્રણ સંતાનો અને તેમની માતાનાં પાંચ સંતાનો મળીને તેઓ આઠ ભાઈ-બહેનો હતાં. તે સમયે તેમનો પરિવાર પરંપરાગત યહૂદીઓની જેમ મહિલાઓને પરદામાં રાખતો હતો. પરંતુ સ્વતંત્ર મિજાજની એસ્થરને એ બેડીઓ મંજૂર નહોતી. એ ઘર છોડીને નીકળી પડી. કલકત્તાથી મુંબઈ આવીને કારકિર્દી માટે સંઘર્ષ કર્યો. થોડા દિવસોમાં તેને મુંબઈ (તે વખતનું બોમ્બે)ના પારસી થિયેટર ગ્રુપમાં કામ મળ્યું. અભિનેત્રી તરીકે નહીં, પણ પ્રોજેક્ટર ઉપર રીલ બદલાય તે વખતના બ્રેકમાં નર્તકી તરીકે લોકોનું મનોરંજન કરવાનું. પણ એસ્થર ઘણી પ્રતિભાશાળી હતી. નાટકોમાં કામ કરતાં કરતાં પોતાનું શિક્ષણ પણ ચાલુ રાખ્યું અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઇ. માત્ર સત્તર વર્ષની ઉંમરે એક રાજસ્થાની વ્યાપારી સાથે તેમના લગ્ન પણ થઇ ગયાં હતાં અને એક વર્ષની અંદર તેમને એક પુત્ર પણ થયો. પરંતુ લગ્ન જીવન એક વર્ષ પણ માંડ ટક્યું. બાવીસ વર્ષની ઉંમરે તેમના બીજાં લગ્ન એક ફિલ્મ કલાકાર સૈયદ હસન અલી ઝૈદી, જે એક શિયા મુસ્લિમ હતા, તેમની સાથે થયા. સૈયદનું સ્ક્રીન નામ “કુમાર હતું. ફિલ્મ રસિયાઓને મુઘલ-એ-આઝમનો શિલ્પકાર તો યાદ જ હશે. એ શિલ્પકાર એટલે આપણી કથાની નાયિકા એસ્થરના પતિ. તેમના લગ્નથી તેમને પાંચ બાળકો થયાં.
એસ્થર બની પ્રમિલા
એકવાર એસ્થર બોમ્બે પોતાની બહેન (જે પોતે પણ અભિનેત્રી હતી)ને ત્યાં ફરવા આવી. તે જમાનાના મશહૂર ઇમ્પિરિયલ ફિલ્મ્સના માલિક અરદેશર ઇરાનીની તેના ઉપર નજર પડી. તેમણે એસ્થરને ફિલ્મ ઓફર કરી. અને આ રીતે ૧૯૩૫માં ‘રિટર્ન ઓફ તુફાન મેલ’થી ફિલ્મોમાં પદાર્પણ કર્યું. તેનું સ્ક્રીન નામ રાખવામાં આવ્યું, પ્રમિલા.’ પરંતુ કારકિર્દીમાં જોઈએ તેવી સફળતા ન મળતા તેણે બોમ્બે છોડવાનું નક્કી કરી લીધું હતું ત્યારે અરદેશર ઈરાનીએ તેને આગ્રહ કરીને એક સાથે પાંચ ફિલ્મો ઓફર કરીને રોક્યાં. પ્રમિલાએ મહામાયા, સરલા અને હમારી બેટીયાં જેવી હિટ ફિલ્મો આપી.
ઊલટી ગંગા, બિજલી, બસંત અને જંગલ કિંગ જેવી ૩૦ ફિલ્મોમાં સ્ટન્ટ કરીને પ્રમિલા સાહસિક સ્ટન્ટ સ્ટાર તરીકે પણ પ્રસિદ્ધ થયા. પોતાના બેનર ‘સિલ્વર પ્રોડક્શન્સ’ હેઠળ ૧૬ ફિલ્મો બનાવીને તેઓ પહેલા મહત્ત્વનાં મહિલા ફિલ્મ પ્રોડ્યુસર પણ બન્યાં.
પાંચ બાળકોની માતા બની મિસ ઇન્ડિયા!
તમને જાણીને નવાઈ લાગશે કે ૧૯૪૭માં ૩૧ વર્ષની ઉંમરે એસ્થર ઉર્ફ પ્રમિલાએ મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને મિસ ઇન્ડિયા બન્યાં. આજે તો મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવા તમારે કુંવારીકા હોવું જરૂરી છે. પણ ત્યારે તેઓ પરિણીત અને એકથી વધુ સંતાનોની માતા હતાં! તે વખતના મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈએ તેમને મિસ ઇન્ડિયાનો તાજ પહેરાવ્યો હતો.
પ્રમિલાની ધરપકડ!
સંઘર્ષપૂર્ણ જીવનમાં લડત લડીને સફળતા મેળવનાર પ્રમિલાના જીવનમાં ફરી એક કસોટી આવી, જયારે પાકિસ્તાન વતી જાસૂસી કરવાના આરોપ હેઠળ રાજ્યના તે વખતના મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈએ તેની ધરપકડ કરાવી. આ શંકાનું કારણ હતું તેની વારંવારની પાકિસ્તાનની મુલાકાત. જોકે પાછળથી એ પુરવાર થયું કે તે માત્ર પોતાની ફિલ્મોના પ્રમોશન માટે જ પાકિસ્તાન જતાં હતાં. વિડંબણા જુઓ કે જે મુખ્ય પ્રધાને તેમને તાજ પહેરાવ્યો, તેમણે જ તેમની ધરપકડનો આદેશ આપ્યો હતો! અહીં એ નોંધવું પણ રસપ્રદ છે કે એસ્થરના મિસ ઇન્ડિયા બન્યાના બરાબર ૨૦ વર્ષ પછી, ૧૯૬૭માં તેમની દીકરી નકી જહાં પણ મિસ ઇન્ડિયા બની. આ રીતે તેઓ મિસ ઇન્ડિયા બનનાર માં-દીકરીની પહેલી જોડી બન્યાં.
જીવનનો ઉત્તરાર્ધ
ફિલ્મી સફર પછી એસ્થર હંમેશાં પ્રમિલા બની રહ્યાં. મુઘલ-એ-આઝમની રિલીઝ પછી તેમના પતિ સૈયદે ૧૯૬૩માં અચાનક પાકિસ્તાન જતાં રહેવાનો નિર્ણય કર્યો અને એસ્થરે ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું. પ્રોડક્શન હાઉસ બંધ થવાની અણીએ આવ્યું. આખરે ૧૯૬૦માં અંતિમ ફિલ્મ ‘બહાના’નું નિર્માણ કરીને પ્રોડક્શન હાઉસ બંધ થયું.
અભિનેત્રી તરીકે ૧૯૬૧માં ફિલ્મ ‘મુરાદ’માં કામ કર્યા બાદ અભિનય છોડી દીધો. ત્યાર પછી ભારતની પહેલી મિસ ઇન્ડિયા પ્રમિલા પોતાના બાળકો સાથે શિવાજી પાર્કના ‘પ્રમિલા હાઉસ’માં ૪૫ વર્ષ સુધી રહ્યાં.
વાચકો ફિલ્મ ‘જોધા અકબર’થી અજાણ હોય તેવું તો ન બને. આ ફિલ્મનો સ્ક્રીન પ્લે લખનાર હૈદર અલી એટલે ભારતની પહેલી મિસ ઇન્ડિયા પ્રમિલાનો દીકરો. પ્રમિલા છેલ્લે ૨૦૦૬માં ૯૦ વર્ષની ઉંમરે અમોલ પાલેકર દિગ્દર્શિત ફિલ્મ ‘થાન્ગ’માં જોવા મળ્યાં. એ જ વર્ષે ૬ ઓગસ્ટના તેમનું મૃત્યુ થયું.