ઉત્તરાખંડને લોકો દેવભૂમિના નામે તો ઓળખે જ પણ તેની સાથે સાથે જ આ શહેર ઋષિકેશ યોગ શહેર તરીકે પણ ખૂબ પ્રખ્યાત છે. પવિત્ર ગંગા નદીના કિનારે આવેલા આ શહેરની મુલાકાત લેવા માટે દેશ-દુનિયામાંથી લોકો અહીં આવે છે.
અહીં આવનાર દરેક વ્યક્તિ ગંગા નદી પર સ્થિત જૂના લક્ષ્મણ ઝુલાની મુલાકાત પણ લે છે, પરંતુ હવે આ ઝૂલો ઘણા સમયથી બંધ છે, લોકો રામ ઝુલાથી જ ઋષિકેશનો નજારો જોઈ શકે છે.
100 વર્ષ જૂના આ લક્ષ્મણ બ્રિજ પર હાલમાં તો રિપેરિંગનું કામ ચાલે છે અને સુરક્ષાની દૃષ્ટિએ આ બ્રિજને પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ પર્યટકો માટે આ બ્રિજને લઈને બીજા મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે અને એ સમાચાર એટલે લક્ષ્મણ ઝૂલાની જગ્યાએ પર્યટકો માટે કાચનો પૂલ બનાવવામાં આવી રહ્યો છે.
આ ભારતમાં બનનારો પહેલો કાચનો પૂલ હશે. આવો જોઈએ આ પૂલ વિશેની વધુ વિગતો-
ઉત્તરાખંડ સરકારના પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ દ્વારા અહીં ઋષિકેશમાં બજરંગ સેતુનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, આ બ્રિજ એ લક્ષ્મણ ઝૂલાનો વિકલ્પ બનશે. ટૂંક સમયમાં પર્યટકો દેશના પહેલાં ગ્લાસ બ્રિજ પર ચાલવાનો રોમાંચક અનુભવ માણી શકશે.
સાર્વજનિક બાંધકામ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આ પુલનું નિર્માણ જુલાઈ 2023 મહિનામાં પૂર્ણ થઈ જશે. તેમનું કહેવું છે કે નવા પુલ માટે ગંગાની બંને તરફ પાયાનું કામ ચાલી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે બજરંગ સેતુની બંને તરફ જે ટાવર બનાવવામાં આવી રહ્યા છે તે કેદારનાથના આકારની જેમ બનાવવામાં આવી રહ્યા છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ટાવરની ઊંચાઈ લગભગ 27 મીટર હશે. આ પુલ 133 લાંબો અને આઠ મીટર પહોળો હશે અને ત્રણ લેનવાળો હશે. આ પુલની વચ્ચેથી નાના ફોર વ્હીલર પણ પસાર થઈ શકશે. ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ માટે પુલની મધ્યમાં 2.5 મીટરની ડબલ લેન હશે. બ્રિજની બંને તરફ કાચ માટે પગપાળા ચાલવા માટેનો માર્ગ બનાવવામાં આવશે. તેના પર ઊભેલા પ્રવાસીઓ 57 મીટરની ઊંચાઈથી ગંગાનો અદ્ભુત નજારો જોઈ શકશે.
પુલ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવનારા કાચની વાત કરીએ તો આ કાચની જાડાઈ 65 મીમી છે, જે અત્યંત મજબૂત માનવામાં આવે છે. 68 કરોડના કુલ બજેટ સાથે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, બજરંગ બ્રિજ, જે લક્ષ્મણ ઝુલા પુલનો વિકલ્પ બનશે, લક્ષ્મણ ઝૂલાનું નિર્માણ બ્રિટિશકાળમાં 1927થી 19229ની વચ્ચે કરવામાં આવ્યું હતું.
12 જુલાઈ, 2019 ના રોજ, જાહેર બાંધકામ વિભાગના સેફ્ટી ઓડિટ રિપોર્ટમાં, લક્ષ્મણ ઝૂલાને અસુરક્ષિત ગણીને, વહીવટીતંત્રે તેની મુલાકાત લેવાનું બંધ કરી દીધું હતું. આ પછી હવે નવો બ્રિજ બનાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જુલાઈ 2019થી, લક્ષ્મણ ઝૂલા બ્રિજ પર અવરજવર બંધ છે, જો તમે આ દિવસોમાં ઋષિકેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો લક્ષ્મણ ઝુલાને તમારી સૂચિમાંથી કાઢી નાખો. તેના બદલા જુલાઈ મહિના સુધી રાહ જોઈને નવા ગ્લાસ બ્રિજને ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ની જ મુલાકાત લેવાનું રાખજો…