Homeદેશ વિદેશભારતનું સૈન્ય વિશ્ર્વમાં શ્રેષ્ઠ: લશ્કરના વડા

ભારતનું સૈન્ય વિશ્ર્વમાં શ્રેષ્ઠ: લશ્કરના વડા

નવી દિલ્હી: લશ્કરના ભૂમિ દળના વડા જનરલ મનોજ પાંડેએ સાતમા આર્મ્ડ ફોર્સીસ વેટરન્સ ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભારતીય સૈન્યને વૈશ્ર્વિક સ્તરે ટોચની હરોળમાં ગણવામાં આવે છે, તેને માટે ભૂતપૂર્વ સૈનિકોએ દાખવેલી વીરતા અને હિંમત તથા તેમના ત્યાગનું મોટું પ્રદાન છે. ભૂતપૂર્વ સૈનિકોની પ્રેરણાથી લશ્કરની ત્રણેય પાંખો રાષ્ટ્ર સામેના કોઈપણ પડકારના પ્રચંડતાથી પ્રતિકાર માટે સજ્જ છે.
સાતમા આર્મ્ડ ફોર્સીસ વેટરન્સ ડે નિમિત્તે માણેકશા સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમના મંચ પર હવાઈ દળના વડા ઍર ચીફ માર્શલ વી.આર. ચૌધરી અને નૌકાદળના વડા ઍડમિરલ આર. હરિકુમાર પણ ઉપસ્થિત હતા. લશ્કરની ત્રણેય પાંખોના ભૂતપૂર્વ સૈનિકો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર હતા. વર્ષ ૧૯૪૭ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજયના પ્રણેતા ફિલ્ડ માર્શલ જનરલ કે.એમ. કરિઅપ્પા વર્ષ ૧૯૫૩ની ૧૪ જાન્યુઆરીએ સેવા નિવૃત્ત થયા હતા. તેથી એ તારીખે ‘આર્મ્ડ ફોર્સીસ વેટરન્સ ડે’ ઉજવવામાં આવે છે.
જનરલ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે આજે વિશ્ર્વના શ્રેષ્ઠ સૈન્યોમાં ભારતીય સશસ્ત્ર દળોની ગણના થાય છે. તેને માટે આપ સૌ ભૂતપૂર્વ સૈનિકોના ત્યાગ, પરિશ્રમ અને વીરતા જવાબદાર છે. ભારતનું લશ્કર પ્રચંડ શક્તિ સાથે કોઈપણ પડકારનો મુકાબલો કરવા સુસજ્જ છે.
નૌકાદળના વડા ઍડમિરલ આર. હરિકુમારે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે સશસ્ત્ર દળોનું આજનું રૂપ પ્રત્યેક ભૂતપૂર્વ સૈનિકની જહેમત, નિ:સ્વાર્થ પ્રયત્નો, આકાંક્ષાઓ અને દૂરંદેશીભર્યા નેતૃત્વનું પરિણામ છે. આ પ્રસંગે ઉપસ્થિત રહીને આપની સાથે સંવાદના અવસરને હું સદ્ભાગ્ય અને સન્માન સમજું છું. આજનો પ્રસંગ રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરનારા વીર યોદ્ધાઓને અંજલિ અર્પણ કરવાનો પણ અવસર છે.
હવાઈ દળના વડા વી. આર. ચૌધરીએ ભૂતપૂર્વ સૈનિકોને આર્મ્ડ ફોર્સીસ વેટરન્સ ડેની શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે આ તબક્કે હું હવાઈ દળ તેના ભૂતપૂર્વ સૈનિકોની સ્વસ્થતા માટે પ્રતિબદ્ધ હોવાનો પુનરોચ્ચાર કરૂં છું. જૂના અને જાણીતા સૂત્ર અનુસાર સેવા કરનારની સેવા કરવી, એ અમારા કાર્યનો મૂળભૂત મંત્ર છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -