ભારતીય રેલવે દરરોજ તેની સુવિધાઓ સુધારવાનો અને તેમાં વધારો કરવાના પ્રયાસો કરે છે અને એ જ દિશામાં આગળ વધીને ભારતીય રેલવે હવે પ્રવાસીઓને એક ખાસ સુવિધા આપવા જઈ રહી છે. આ સુવિધાને કારણે ટ્રેન મોડી પડતાં કે ટ્રેનની રાહ જોવામાં પ્રવાસીઓને કંટાળો નહીં આવે. રેલવે દ્વારા પ્રવાસીઓ માટે રેલવે સ્ટેશનો પર ગેમિંગ ઝોનની સુવિધા જાહેર કરી છે. દિલ્હીના ત્રણ મોટા રેલવે સ્ટેશનો જેવા કે નવી દિલ્હી, હઝરત નિઝામુદ્દીન અને આનંદ વિહાર પર વિવિધ ઇન્ડોર ગેમ્સ વિકલ્પો સાથેના ગેમિંગ ઝોન ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહી છે, એવી માહિતી ઉત્તર રેલવેના એક વરિષ્ઠ અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
દિલ્હી ડિવિઝને ત્રણેય રેલવે સ્ટેશનો પર ગેમિંગ ઝોન બનાવવા અને ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરિણામે હવે મુસાફરોને ટ્રેનની રાહ જોતી વખતે કંટાળો નહીં આવે. પેસેન્જરો અને ખાસ કરીને બાળકો માટે ગેમિંગ ઝોનમાં વિવિધ પ્રકારની ગેમ્સ રાખવામાં આવશે. આ ઝોન બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે, એવો વિશ્વાસ રેલવે અધિકારીએ વ્યક્ત કર્યો હતો.
નવી દિલ્હી અને આનંદ વિહાર રેલવે સ્ટેશન પર આગામી બે મહિનામાં ગેમિંગ ઝોન શરૂ થવાની શક્યતા છે. જ્યારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ટિકિટ કાઉન્ટરની સામે ગેમિંગ ઝોન બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બંને જગ્યાએ ગેમિંગ ઝોન શરૂ થયા બાદ નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર આ સેવા શરૂ કરવામાં આવશે. રેલવેને આશા છે કે તે ગેમિંગ ઝોનમાંથી દર વર્ષે 37 લાખ રૂપિયાની કમાણી કરી શકશે.
જોકે, રેલવે સ્ટેશન પર ગેમિંગ ઝોન એ ભારતીય રેલવે માટે કોઈ નવો કોન્સેપ્ટ નથી. ભારતીય રેલવેના વિશાખાપટ્ટનમ સ્ટેશન પર પહેલેથી જ ફન ગેમિંગ ઝોન છે. વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનથી દિલ્હી ડિવિઝનના ત્રણેય રેલવે સ્ટેશનને પણ આધુનિક બનાવવામાં આવશે. આગામી દિવસોમાં અહીંના ગેમિંગ ઝોનને પણ મોલની જેમ ડિઝાઇન કરવામાં આવશે. જ્યાં ટેબલ સોકર, ચેસ, ટેબલ ટેનિસ, પૂલ અને અન્ય રમતોની સુવિધાઓ હશે. તે ખાસ આકર્ષણનું કેન્દ્ર પણ બનશે. ગેમિંગ ઝોન ઉપરાંત, નોર્ધન રેલ્વે આ મહિનાના અંતથી નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પર ‘એક્સેસ-કંટ્રોલ્ડ પાર્કિંગ સિસ્ટમ’ દાખલ કરવાની પણ યોજના બનાવી રહી છે જેથી ભીડભાડની સમસ્યાનો ઉકેલ લાવી શકાય.