વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રીના વિરોધમાં ભારતીય સમુદાયના લોકોએ લંડનમાં બીબીસીની ઑફિસ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ભારતમાં અસ્થિરતા પેદા કરવાના કથિત પ્રયાસ પર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. લંડનમાં પોર્ટલેન્ડ પ્લેસ ખાતે બીબીસી હેડક્વાર્ટરની સામે મોટી સંખ્યામાં ભારતીયો એકઠા થયા હતા અને બીબીસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. લંડન ઉપરાંત ગ્લાસગો, ન્યૂકેસલ, માન્ચેસ્ટર અને બર્મિંગહામમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
પોર્ટલેન્ડમાં દેખાવકારોમાંના એકે કહ્યું, “જે ડોક્યુમેન્ટ્રી કહે છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત મુસ્લિમ સમુદાય સાથે ભેદભાવ કરે છે તે સંપૂર્ણપણે ખોટું છે. પીએમ મોદીએ મુસ્લિમો માટે એટલું કર્યું છે જે અન્ય કોઈ નેતાએ કર્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે, “મુસ્લિમ મહિલાઓ માટે ટ્રિપલ તલાક નાબૂદ કરવામાં આવ્યો છે, ઉજ્જવલા યોજના હેઠળ મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવે છે. પીએમ મોદીની સરકારમાં કોઈપણ સમુદાય સાથે કોઈ ભેદભાવ નથી.
ફેબ્રુઆરી 2012માં એસઆઈટી તરફથી ક્લીનચીટ મળ્યા બાદ પણ બીબીસીએ પીએમ મોદીનું નામ લઈને ગુજરાત રમખાણો પર એક ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. પીએમ મોદી સહિત 64 અન્ય લોકો પર અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં હિંસાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. સુપ્રીમ કોર્ટે પણ SITના અંતિમ અહેવાલને માન્ય રાખ્યો હતો અને આ કેસમાં પીએમ મોદીની ક્લીનચીટને યથાવત રાખી હતી.
કેલિફોર્નિયામાં પણ ભારતીયોએ BBC સામે વિરોધ નોંધાવ્યો હતો. ‘ભારતીય ડાયસ્પોરા’ના બેનર હેઠળ, લગભગ 50 લોકોએ યુએસના સાન ફ્રાન્સિસ્કો વિસ્તારમાં ફ્રેમોન્ટ દ્વારા એક જૂથમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ કરી રહેલા ભારતીય સમુદાયે કહ્યું હતું કે “અમે બીબીસીની ખોટી અને પૂર્વગ્રહયુક્ત વિચારસરણીના આધારે બનેલી ડોક્યુમેન્ટ્રીને નકારી કાઢીએ છીએ. ફ્રેમોન્ટ પ્રદર્શન દરમિયાન, લોકોએ ‘પક્ષપાતી BBC’ અને ‘જાતિવાદી BBC’ જેવા સૂત્રોચ્ચાર કર્યા.
ભારતીય સમુદાયના સભ્યો ‘બીબીસી એ બોગસ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન છે’ અને ‘બીબીસી અશુભ અને પક્ષપાતી છે’ એવા પોસ્ટરો લઈને વિરોધ પ્રદર્શનમાં આવ્યા હતા.
બીબીસી ડોક્યુમેન્ટ્રી પર ભારતનું વલણ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે યુકેના આંતરિક અહેવાલ પર આધારિત આ ડોક્યુમેન્ટ્રી સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે.
ભારત સરકારે ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. તેની વિવાદાસ્પદ સામગ્રીને જોતાં, બે દાયકા પહેલા બનેલી ઘટનાઓને લઈને બે જૂથો વચ્ચે દુશ્મનાવટ ઉશ્કેરાવાની ચિંતાને કારણે તેને YouTube પરથી પણ હટાવી દેવામાં આવી છે.