મુંબઈઃ અદાણી ગ્રૂપ મુદ્દે શેરબજારમાં ઉથલપાથલ અને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે બુધવારે આરબીઆઈના ગવર્નરે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે આ પ્રકારના કિસ્સાથી ભારતીય બેંકિંગ સિસ્ટમ પર અસર થાય નહીં. અલબત્ત, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે અદાણી ગ્રૂપને મુદ્દે સૌથી મોટી પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું હતું કે દેશની બેંકો એટલી મોટી અને મજબૂત છે કે આ કેસને લઈ તેના પર અસર પડશે નહીં. અદાણી ગ્રૂપના સંબંધમાં એક સવાલના જવાબમાં ગવર્નરે કહ્યું હતું કે આરબીઆઈએ સ્વયં તેનું મૂલ્યાંકન કર્યું હતું અને એક અહેવાલમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રની બેંક મજબૂત છે. આરબીઆઈ ગવર્નરે અદાણી ગ્રૂપનો ઉલ્લેખ કર્યા વિના આજની તારીખે ભારતીય બેંકોનું કદ અને તેની ક્ષમતા ઘણી મજબૂત છે અને એની ક્ષમતા એટલી મજબૂત છે કે આ પ્રકારના બનાવોથી પ્રભાવિત થાય નહીં. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે હાલની પરિસ્થિતિમાં આરબીઆઈ ડોમેસ્ટિક બેંકોને અદાણી ગ્રૂપની કંપનીઓને આપેલી લોનના સંબંધમાં કોઈ દિશા-નિર્દેશ જારી કરશે તો મોનિટરી પોલિસી પછી ગવર્નરે કહ્યું હતું કે બેંક લોન આપતી વખતે સંબંધિત કંપનીના ફંડામેન્ટલ્સ અને સંબંધિત પ્રોજેક્ટસના રોકડ પ્રવાહની સ્થિતિને પણ જુએ છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે લોનના કિસ્સામાં કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશન સાથે કોઈ લેવાદેવા નથી અને સમયની સાથે સાથે બેંકોની મૂલ્યાંકન પ્રણાલીમાં ઘણો સુધારો થયો છે. આરબીઆઈના નાયબ ગવર્નર એમ. કે. જૈને કહ્યું હતું કે ડોમેસ્ટિક બેંકોએ અદાણી ગ્રૂપને આપેલી લોનની રકમ પણ વધારે નથી. શેરના બદલે જે લોન આપવામાં આવી છે એ પણ બહુ ઓછી છે. છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં બેંકોને મજબૂત બનાવવા માટે આરબીઆઈએ અનેક પગલા ભરવામાં આવ્યા છે, જેમાં ગવર્નન્સ, ઓડિટ કમિટી અને રિસ્ક મેનેજમેન્ટ કમિટી અંગે સમયાંતરે માર્ગદર્શિકા જારી કરી છે. બેંકો માટે ચીફ રિસ્ક ઓફિસર્સ અને ચીફ કમ્પલાયન્સ અધિકારીની નિમણૂક પણ ફરજિતાય કરી છે, એવું તેમણે જણાવ્યું હતું.