ગત 4 મેના રોજ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ નજીક વાયુસેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. રક્ષા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સાવચેતીના પગલા રૂપે ધ્રુવ હેલિકોપ્ટરનું સંચાલન રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, ભારતીય નૌકાદળ અને ભારતીય તટ રક્ષક દળના આ હેલિકોપ્ટરના બે અકસ્માતો બાદ આ હેલિકોપ્ટરને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે.
સેનાનું ધ્રુવ હેલિકોપ્ટર જમ્મુ ડિવિઝનના કિશ્તવાડના દૂરના વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં ત્રણ લોકો હતા. ત્રણેયને ઈજા થઈ હતી. તેને સારવાર માટે ઉધમપુરની મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ મામલે સેના તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવારે સવારે લગભગ 11.15 વાગ્યે ઓપરેશનલ મિશન પર નીકળેલું ધ્રુવ હેલિકોપ્ટર કિશ્તવાડમાં મારુઆ નદીના કિનારે ઉતરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પાયલટોએ ટેકનિકલ ખામી અંગે એર ટ્રાફિક કંટ્રોલર (ATC)ને જાણ કરી હતી.
થોડી જ વારમાં બચાવ કામગીરી સ્થળ પર પહોંચી ગઈ હતી. હેલિકોપ્ટરમાં બે પાયલટ અને એક ટેકનિશિયન સવાર હતા. ઘાયલ ત્રણેય જવાનોને ઉધમપુરની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ મામલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.