નવી દિલ્હી: જી-૨૦નું પ્રમુખપદ ભારત માટે એક મોટી તક હોવાનું જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે વૈશ્ર્વિક હિત પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતે આ તકનો ઉપયોગ કરવો જોઈએ. ભારત પહેલી ડિસેમ્બરથી સત્તાવાર રીતે આ હોદ્દો ગ્રહણ કરશે. હાલ જી-૨૦નું પ્રમુખપદ ઈન્ડોનેશિયા શોભાવી રહ્યું છે.
શાંતિ અને એકતા, પર્યાવરણ પરત્વે સંવેદનશીલતા અને ટકાઉ વિકાસ સહિતના મુદ્દાઓને લગતા પડકારોનો ભારત પાસે ઉકેલ છે, એમ તેમણે કહ્યું હતું.
ભારત માટે આ મોટી તક છે, એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે વૈશ્ર્વિક હિત અને કલ્યાણ માટે ભારતે આ તકનો ઉપયોગ કરવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં મોદીએ કહ્યું હતું કે ભારત વિશ્ર્વને વિવિધ પડકારોનો ઉકેલ આપવા સક્ષમ છે.
જી-૨૦માં આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કૅનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, રિપબ્લિક ઑફ કોરિયા, મૅક્સિકો, રશિયા, સઉદી અરબ, દ. આફ્રિકા, તુર્કી, યુકે, યુએસ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે ‘વિક્રમ-એસ’ રોકેટના લૉન્ચિંગે ભારતમાં અવકાશ ક્ષેત્રે સક્રિય ખાનગી ક્ષેત્ર માટે નવા યુગનાં દ્વાર ખોલી દીધા છે.
સ્પેસ ટેક્નોલોજી સેક્ટરમાં ખાનગી ક્ષેત્રએ આપેલા યોગદાનને તેમણે વધાવી લીધું હતું.
ભારતે રવિવારે આ પ્રકારનું તેનું પ્રથમ રૉકેટ અવકાશમાં મોકલ્યું હતું.
દેશના ખાનગી ક્ષેત્ર દ્વારા જ આ રોકેટની ડિઝાઈન બનાવી રોકેટ તૈયાર કરવામાં આવ્યું હતું, એમ તેમણે કહ્યું હતું.
૧૮ નવેમ્બરે ભારતે ખાનગી ક્ષેત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલું આવું પ્રથમ રોકેટ સફળતાપૂર્વક અવકાશમાં મોકલ્યું હતું.
માત્ર ચાર જ વર્ષ જૂના સ્ટાર્ટઅપએ આ રોકેટ વિકસાવી દેશની સ્પેસ ઈકોસિસ્ટમમાં પ્રવેશ કર્યો હતો.
દેશના અવકાશ કાર્યક્રમના પિતામહ વિકમ સારાભાઈને શ્રદ્ધાંજલી આપવા આ રોકેટને ‘વિક્રમ-એસ’ નામ આપવામાં આવ્યું છે.
આ રોકેટ પ્રથમ પરીક્ષણમાં સફળ નીવડ્યું હતું. આ રોકેટની વિશેષતાનું વર્ણન મોદીએ કહ્યું હતું કે અન્ય રોકેટની સરખામણીએ આ રોકેટ વજનમાં હલકું હોવા ઉપરાંત સસ્તું પણ છે. સ્પેસ મિશન સાથે સંકળાયેલા અન્ય દેશો દ્વારા વિકસાવાતા આ પ્રકારના રોકેટની સરખામણીએ આ રોકેટનો ઉત્પાદન ખર્ચ ઓછો છે.
સસ્તાં દરે વિશ્ર્વ કક્ષાની સ્પેસ ટૅક્નોલોજી એ ભારતનો હૉલમાર્ક બની ગઈ છે.
થ્રી-ડી પ્રિન્ટિંગની મદદથી આ રોક્ેટના મહત્ત્વના હિસ્સા બનાવવામાં આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું. ‘વિક્રમ-એસ’ મિશનના લૉન્ચિંગને આપવામાં આવેલું ‘પ્રારંભ’ નામ યોગ્ય જ હોવાનું તેમણે કહ્યું હતું.
આ રોકેટના લૉન્ચિંગે ભારતમાં અવકાશ ક્ષેત્રે સક્રિય ખાનગી ક્ષેત્ર માટે નવા યુગનાં દ્વાર ખોલી દીધાં છે, એમ તેમણે કહ્યું હતું.
દેશ માટે આત્મવિશ્ર્વાસથી ભરેલા આ નવા યુગનો આરંભ છે, એમ તેમણે કહ્યું હતું.
એક સમયે જે બાળકો કાગળનાં વિમાન બનાવીને ઉડાડતાં હતાં, આજે તેમને ભારતમાં જ સાચુકલા વિમાન બનાવવાની તક મળી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
ભારત પોતાની સફળતાની પડોશી દેશો સાથે પણ ભાગીદારી કરી રહ્યું છે એમ જણાવી મોદીએ ભારતે ભૂતાન સાથે સંયુક્ત રીતે વિકસાવેલા સેટેલાઈટને લૉન્ચ કર્યું હોવાનો ઉલેલ્ખ કર્યો હતો. આ બાબત બંને દેશ વચ્ચેના મજબૂત સંબંધનું પ્રતિબિંબ પાડે છે, એમ તેમણે કહ્યું હતું.
દેશના યુવાનો મોટું વિચારે છે અને મોટી સિદ્ધિ મેળવી રહ્યા છે એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે હવે તેઓ નાની સિદ્ધિઓથી સંતુષ્ટ નથી થતા. આ યુવાનો તેમના યુવા સાથી કર્મચારીઓ અને સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
ડ્રોન અંગે બોલતાં મોદીએ કહ્યું હતું કે આ ક્ષેત્રમાં પણ દેશ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. (એજન્સી)