નવી દિલ્હી: ફોર-જી અને ફાઇવ-જી ટૅક્નોલૉજીના ક્ષેત્રે ભારતે ક્ષમતા પુરવાર કરી છે અને આગામી ત્રણ વર્ષમાં ટેલિકૉમ ટૅક્નોલૉજીની નિકાસના ક્ષેત્રે મહાસત્તા બનવાની તૈયારી છે, એમ સંદેશ વ્યવહાર અને રેલવે ખાતાના પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે શનિવારે એક વ્યાપાર શિખર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે રેલવેના ખાનગીકરણની કોઈ યોજના નથી.
અશ્ર્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે ફાઇવ-જી સર્વિસિસ વર્ષ ૨૦૨૨ની ૧ ઑક્ટોબરે શરૂ કરવામાં આવી હતી. ત્યારપછી ફક્ત ૧૦૦ દિવસના ગાળામાં ૨૦૦થી વધુ શહેરોમાં તેનો પ્રસાર કરી શકાયો હતો. નવી ટૅક્નોલૉજી શરૂ કરવા અને પછી તેના પ્રસારની ગતિને
ટેલિકૉમ ઉદ્યોગના આગેવાનો બિરદાવે છે. અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર એ બાબતની પ્રશંસા કરવામાં આવી છે. વિશ્ર્વના કોઈપણ ભાગમાં આટલી ઝડપથી નવી ટૅક્નોલૉજીના અમલ અને પ્રસાર ન કરાયા હોવાનું આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયું છે.
સંદેશ વ્યવહાર ખાતાના પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આજે બે ભારતીય ટેલિકૉમ કંપનીઓ વિશ્ર્વના અન્ય દેશોમાં નિકાસ કરે છે. આવતા ત્રણ વર્ષમાં ભારત ટેલિકૉમ ક્ષેત્રમાં વિશ્ર્વનું અગ્રણી નિકાસકાર બનશે. ફોર-જી અને ફાઇવ-જી ટૅક્નોલૉજી ઘરઆંગણે વિકસાવવામાં ભારતે નોંધપાત્ર વેગ દાખવ્યો છે. અત્યારે આપણા ફોર-જી અને ફાઇવ-જી સ્ટૅક તૈયાર છે. એ સિદ્ધિને સમગ્ર વિશ્ર્વ માનથી જૂએ છે. એ સ્ટૅકનું પહેલાં ૧૦ લાખ સમાંતર કૉલ્સ પર પરીક્ષણ કરાયું. ત્યારપછી ૫૦ લાખ સમાંતર કૉલ્સ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે એક કરોડ સમાંતર કૉલ્સ પર તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ સફળતા જોઇને ૯થી ૧૦ દેશોએ ભારતમાં વિકસાવેલી ટૅક્નોલૉજીમાં રસ દાખવ્યો છે.
અશ્ર્વિની વૈષ્ણવે રેલવે બાબતે જણાવ્યું હતું કે તેમાં મુસાફરોની સગવડો વધારવા પર ધ્યાન અપાઈ રહ્યું છે. પ્રવાસનો અનુભવ સુધારવાનું અમારું લક્ષ્ય છે. દરેક સ્ટેશન અને દરેક પ્રાંતની પરંપરાઓ અને ઐતિહાસિક વારસાને દર્શાવવા સહિતના મુદ્દા આવરીને સ્ટેશનોના પુનર્વિકાસની મોડર્ન અને ફ્યુચરિસ્ટિક ડિઝાઇનો તૈયાર કરવામાં આવે છે. એ સંદર્ભે અશ્ર્વિની વૈષ્ણવે નવી દિલ્હી, અમદાવાદ, કાનપુર, જયપુર તથા અન્ય કેટલાક સ્ટેશનોના ઉદાહરણો આપ્યા હતા. તેમણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો અને ઘરઆંગણે વિકસાવાયેલી ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ ‘કવચ’નું પણ વિવરણ કર્યું હતું. (એજન્સી)