Homeટોપ ન્યૂઝભારતને જી-૨૦નું પ્રમુખપદ સોંપાયું

ભારતને જી-૨૦નું પ્રમુખપદ સોંપાયું

નવું પ્રમુખપદ: ઇન્ડોનેશિયાના નુસા દુઆ ખાતે બે દિવસની શિખર પરિષદના બુધવારના પૂર્ણાહુતિ સત્રમાં જી-૨૦ રાષ્ટ્રસમૂહનું પ્રમુખપદ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોંપ્યું હતું. (પીટીઆઈ)
———-
બાલી: ઈન્ડોનેશિયાએ બુધવારે જી-૨૦નું પ્રમુખપદ ભારતને સોંપ્યું હતું. દરેક ભારતીય નાગરિક માટે આ ગૌરવની બાબત છે, તેવું મોદીએ આ પ્રસંગે કહ્યું હતું. જી-૨૦ શિખર બેઠકના પૂર્ણાહુતિ પ્રસંગે ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ વડા પ્રધાન મોદીને જી-૨૦નું પ્રમુખપદ સોંપ્યું હતું. મોદીએ આ પ્રસંગે કહ્યું કે દરેક દેશના પ્રયત્નથી આપણે જી-૨૦ શિખર બેઠકને વૈશ્ર્વિક કલ્યાણ માટેનું પ્રેરક બળ બનાવીશું. જી-૨૦ના દેશોએ ‘સંયુક્ત ઘોષણાપત્ર’ના મુસદ્દામાં ભારતે મહત્ત્વનો ફાળો આપ્યો હતો, તેવું વિદેશ સચિવ વિનય કવાત્રાએ કહ્યું હતું.
સંયુક્ત ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું હતું કે ‘યુદ્ધનું શાંતિપૂર્વક નિરાકરણ, કટોકટીના નિરાકરણ માટે રાજદ્વારી પ્રયત્નો અને સંવાદ મહત્ત્વના છે. આજનો યુગ યુદ્ધનો ન હોવો જોઈએ.’ ૧૬મી સપ્ટેમ્બરે ઉઝબેકિસ્તાનમાં પુતિન સાથેની દ્વિપક્ષી બેઠકમાં મોદીએ કહ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો નથી અને સંઘર્ષનો અંત લાવવા અપીલ કરી હતી. મોદીના આ શબ્દોનો જી-૨૦ના સંયુક્ત ઘોષણાપત્રમાં પડઘો પડ્યો હતો. સંયુક્ત ઘોષણાપત્રમાં સર્વસંમતિ મેળવવામાં ભારતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, તેવું આ મામલાના જાણકાર કેટલાક લોકોએ કહ્યું હતું.
જી-૨૦ની આગામી શિખર બેઠક ૯-૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ દરમ્યાન ભારતમાં થશે. ‘સર્વસમાવેશી’ અને વિકાસશીલ દેશોનો અવાજ આગામી શિખર બેઠક બની રહેશે, તેવું મોદીએ કહ્યું હતું. જી-૨૦નું ભારતનું પ્રમુખપદ સર્વસમાવેશી, મહત્ત્વાકાંક્ષી, નિર્ણાયક અને કાર્યલક્ષી રહેશે, તેવું મોદીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે ભારતની વિવિધતા, સર્વસમાવેશી પરંપરાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો સંપૂર્ણ અનુભવ થશે. આગામી જી-૨૦ માટેની ભારતની પ્રાથમિકતાઓ મોદીએ જણાવી હતી. નવા વિચારો અને સામૂહિક પ્રયત્નોને વેગ મળે તે માટે જી-૨૦ મુખ્ય ચાલકબળ બની રહે તેવા પ્રયત્નો અમે આગામી એક વર્ષમાં કરીશું.
આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઈટેડ કિંગ્ડમ, યુએસ અને યુરોપિયન યુનિયનનો જી-૨૦માં સમાવેશ થાય છે.
મંગળવારે મોદી અમેરિકાના પ્રમુખ જો બાઈડનને અને ઈન્ડોનેશિયાના પ્રમુખ વિડોડોને મળ્યા હતા. મંગળવારે સાંજે એક ભોજનસમારંભમાં મોદી અને જિનપિંગે હાથ મેળવ્યા હતા અને થોડી વાતચીત કરી હતી. ૨૦૧૯ના સરહદી વિવાદ પછી મોદી અને જિનપિંગ પ્રથમ વાર મળ્યા હતા.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -