Homeટોપ ન્યૂઝભારત વિશ્ર્વમાં ‘ઉત્પાદનનું કેન્દ્ર’ બનશે: મોદી

ભારત વિશ્ર્વમાં ‘ઉત્પાદનનું કેન્દ્ર’ બનશે: મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘રોજગાર મેળા’ હેઠળ ૭૧ હજાર લોકોને રોજગારી આપતા પત્ર આપવા મંગળવારે યોજાયેલા કાર્યક્રમને સંબોધતાં જણાવ્યું હતું કે ભારત બહુ જલદી વિશ્ર્વમાં ‘ઉત્પાદનનુું કેન્દ્ર’ (મૅન્યુફેક્ચરિંગ હબ) બનશે. ભારત પાસે આર્થિક ક્ષમતા વધારવાની ઉત્તમ તક છે.
મોદીએ કહ્યું હતું કે આ ‘રોજગાર મેળો’ દર્શાવે છે કે સરકાર યુવાનોને રોજગાર પૂરો પાડવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.
ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવાને કારણે માત્ર ગુજરાત અને હિમાચલ પ્રદેશને બાદ કરતા દેશભરના જુદા જુદા ૪૫ જેટલા સ્થળે રોજગાર નિમણૂકપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દેશની સૌથી મોટી તાકાત યુવાનો છે અને તેઓના કૌશલ્યનો દેશના નિર્માણમાં ઉપયોગ કરવાની બાબતને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. ભારતના વિકાસ માટે વિશ્ર્વભરના નિષ્ણાતો આશાવાદી છે, એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે ભારત વિશ્ર્વમાં ‘ઉત્પાદનનુું કેન્દ્ર’ (મૅન્યુફેક્ચરિંગ હબ) બનવા સજ્જ છે.
આ ઝુંબેશ યુવાનોને રોજગાર પૂરો પાડવાના વચનની પરિપૂર્તિ કરવાની દિશામાં લેવામાં આવેલું એક પગલું છે. આ ઝુંબેશ યુવાનોના સશક્તીકરણ અને દેશના વિકાસમાં સીધી ભાગીદારીની અર્થપૂર્ણ તક પૂરી પાડશે, એમ વડા પ્રધાનના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. અગાઉ, ઑક્ટોબર મહિનામાં ૭૫,૦૦૦ લોકોને આવા પત્ર આપવામાં આવ્યા હતા.
જૂન મહિનામાં મોદીએ વિવિધ સરકારી ખાતાઓ અને પ્રધાનોને આવનારા દોઢ વર્ષમાં ૧૦ લાખ લોકોની ભરતી કરવાની ઝુંબેશ યુદ્ધને ધોરણે આગળ વધારવા જણાવ્યું હતું.
મોદીએ મંગળવારે ‘કર્મયોગી પ્રારંભ’ મૉડ્યુલ પણ શરૂ કર્યું હતું. વિવિધ સરકારી ખાતાઓમાં નવા નિમાયેલા લોકો ઑનલાઈન અભ્યાસ કરી શકે તે માટે આ મૉડ્યુલ શરૂ કરવામાં આવ્યું છે.
વિકસિત દેશોના નિષ્ણાતોને મોટી કટોકટી સર્જાવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આર્થિક ક્ષમતા દર્શાવવાની ભારત માટે આ સુવર્ણ તક છે.
મોદીએ કહ્યું હતું કે યુવાનો દેશની સૌથી મોટી તાકાત છે અને તેમની કાર્યકુશળતાનો રાષ્ટ્રના નિર્માણ માટે ઉપયોગ થાય તેની ખાતરી કરવાની બાબતને સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. ‘કર્મયોગી ભારત’ ટેક્નોલોજી પ્લેટફોર્મ પર અનેક અભ્યાસક્રમો છે, જે યુવાનોની કાર્યકુશળતા વધારવામાં મદદ કરશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)
————-
વડા પ્રધાન આજથી ફરી સભાઓ ગજવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ત્રણ દિવસમાં ૧૬ સભા સંબોધી હતી. મંગળવારે એક દિવસનો વિરામ લઈ તેઓ ફરી આજથી ચૂંટણી પ્રચારમાં જોડાશે. સૂત્રો દ્વારા મળેલી વિગતો અનુસાર મોદી બીજા તબક્કાના મતદાન સુધીમાં લગભગ ૩૫ સભાને સંબોધશે. આજે અને કાલે તેમ બે દિવસમાં મોદી મહેસાણા, દાહોદ, પાટણ, ધોળકા, વડોદરા, માતર, ભાવનગર, પાલનપુર અને
દેહગામમાં સભા સંબોધશે. હાલમાં ભાજપના કેન્દ્રીય પ્રધાનો અને ભાજપશાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો ગુજરાતમાં છે અને વિવિધ ઠેકાણે સભાઓ સંબોધી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પુરુષોત્તમ રૂપાલા સહિત મોટા ભાગના સારા વક્તા હોય તેવા નેતા જનસંપર્ક સાથે જોડાયેલા છે. મોદી ઉપરાંત ભાજપના ૪૦થી પણ વધારે પ્રચારક રાજ્યભરની બેઠકો પર કાર્યરત છે.
જિલ્લામાંની વિધાનસભાની ચુંટણી લડી રહેલા ઉમેદવારોના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બુધવારે સાંજે પ્રચારસભાને સંબોધન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાંજે ૬ વાગે ચિત્રા ખાતે યોજાનારી પ્રચારસભા અને વડાપ્રધાનની મુલાકાતને લઈ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે અને સભાસ્થળ સહિત સમગ્ર ચિત્રા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાહનનું સખ્ત પણે ચેકીંગ કરવામાં આવી રહયુ છે. કેટલાક રસ્તાઓ પણ વન – વે તેમ જ કેટલાક રસ્તા સુરક્ષાના હેતુ સાથે બંધ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીનો ટૂંકા ગાળામાં જ ભાવનગરમાં ત્રીજો પ્રવાસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -