સેના અને અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સુદાનમાં સ્થિતિ દિવસે દિવસે ખરાબથી વધુ ખરાબ થઈ રહી છે. આવી સ્થિતિમાં ભારતીય વિદેશ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. આફ્રિકન દેશની બગડતી પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલયે સુદાનના ખાર્તુમમાં આવેલા પોતાના દૂતાવાસને અન્યત્ર શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે કહ્યું હતું કે સુદાનમાં ફરીથી હિંસા ભડકી છે, જેને કારણે દૂતાવાસને પોર્ટ સુદાનમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ખાર્તુમ શહેરમાં હુમલા સાથે સુદાનની વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે ખાર્તુમમાં ભારતીય દૂતાવાસને અસ્થાયી રૂપે પોર્ટ સુદાનમાં ખસેડવામાં આવશે. આગળની ઘટનાઓમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ભારતીય નૌકાદળ અને વાયુસેના સતત ઓપરેશન કાવેરી ચલાવી રહી છે. આ ઓપરેશન દરમિયાન તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 3000 લોકો સુરક્ષિતપણે ભારત પહોંચ્યા છે.”
Temporary relocation of Embassy of India, Khartoum to Port Sudan.
Press Release ➡️ https://t.co/FBq9x7FqIh pic.twitter.com/Xaye7biQhS
— Arindam Bagchi (@MEAIndia) May 2, 2023
તે જ સમયે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કર્યું કે IAF C-130J ફ્લાઈટે ભારતીયોને લઈને પોર્ટ સુદાનથી ઉડાન ભરી છે. આ ફ્લાઈટમાં સવાર 122 મુસાફરો જેદ્દાહ જઈ રહ્યા છે. ઓપરેશન કાવેરી હેઠળ 3000 થી વધુ લોકો હવે સુદાન છોડી ગયા છે.
નોંધનીય છે કે સુદાનની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે 15 એપ્રિલના રોજ અથડામણ થઈ હતી, જેનાથી દેશમાં ગૃહયુદ્ધ શરૂ થયું હતું. જનરલ અબ્દુલ-ફતાહ બુરહાનની આગેવાની હેઠળની સુદાનની સેના અને જનરલ મોહમ્મદ હમદાન દગાલોની આગેવાની હેઠળની રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચેના સત્તા સંઘર્ષે સુદાનની લોકશાહી દેશ બનવાની આશાઓને ખંડિત કરી દીધી છે. બંને જણા દેશની સોનાની ખાણો પર કબજો જમાવવા માગે છે અને સત્તા સંઘર્ષની તેમની લડાઈમાં નિર્દોષ સુદાનવાસીઓનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે.