સીરિયા અને તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ અને તબાહી બાદ દુનિયાભરમાં લોકો ધરતીકંપના નામ માત્રથી હચમચી જાય છે. એવામાં આજકાલ દુનિયાભરમાં ભૂકંપનું પ્રમાણ પણ વધી ગયું છે. આજે સવારે ચીન અને તાજિકિસ્તાન બોર્ડર પર 7.3ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ચીનના શિનજિયાંગમાં ગુરુવારે સવારે લગભગ 8:37 વાગ્યે 7.3 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો અને પૂર્વી તાજિકિસ્તાનમાં 6.8-ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
જ્યારે પણ વિશ્વના કોઇ પણ ખૂણે કોઇ પણ આપત્તિ આવે ત્યારે વિશ્વગુરુની ભૂમિકામાં ભારત તેમની મદદ કરવા પહોંચી જાય છે. ભારતના પીએમ મોદીએ પણ તાજિકિસ્તાનમાં આવેલા ભૂકંપની વાત સાંભળી હતી. તેમણે આ અંગે બધી માહિતી મેળવી હતી અને જણાવ્યું હતું કે તાજિકિસ્તાન પર આવી પડેલી આપત્તિમાં ભારત તેને શક્ય તે મદદ કરવા તૈયાર છે.
વડા પ્રધાન મોદીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને તાજિકિસ્તાનમાં ભૂકંપની અસરથી સંબંધિત વિકાસ પર નજર રાખી રહ્યા છે, એમ જણાવતા સંબંધિત અધિકારીઓએ કહ્યું હતું કે અમે તાજિકિસ્તાન સત્તાવાળાઓના સંપર્કમાં છીએ અને સંબંધિત ભારતીય સરકારી સંસ્થાઓ કોઈપણ જરૂરી સહાય માટે નજીકથી સંકલન કરી રહી છે.