ઔરંગાબાદ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે ભારતે ચીનમાંથી બહાર નીકળી રહેલા રોકાણકારોને આકર્ષવા માટેના પ્રયાસો કરવા જોઈએ. કેમ કે અત્યારે વૈશ્ર્વિક રોકાણકારોને સમજાઈ ગયું છે કે બધું રોકાણ એક જ દેશમાં ન કરવું જોઈએ.
ઔરંગાબાદમાં આયોજિત એડવાન્ટેજ મહારાષ્ટ્ર એક્સપોને સંબોધતાં ફડણવીસે કહ્યું હતું કે હવે ચીનમાંથી ઉત્પાદન એકમો બહાર નીકળી રહ્યા છે. અત્યારે આખા વિશ્ર્વનું ૪૦ ટકા ઉત્પાદન ચીનમાં થતું હતું. હવે દુનિયાની ફેક્ટરી ગણાતા ચીનને લોકો છોડી રહ્યા છે. આ સ્થિતિમાં આખી દુનિયામાં આ ઉદ્યોગો માટે કોઈ યોગ્ય જગ્યા હોય તો તે ભારત છે. આપણે તેમને આકર્ષવા જોઈએ. રોકાણકારો તરીકે તેઓ એક જ ટોપલીમાં બધાં ઈંડા રાખી ન શકે. અત્યારે તક આવી છે અને આપણે તૈયાર રહેવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.