હવે ફરી એક વાર કોરોના કાળમાં વિતાવેલા દિવસોની યાદ તાજી થશે, કારણ કે બીજી ડિસેમ્બરે ‘ઈન્ડિયા લોકડાઉન’ નામની ફિલ્મ Zee-5 પર સ્ટ્રીમ થવા જઇ રહી છે. આ ફિલ્મ મધુર ભંડારકરે ડિરેક્ટ કરી છે. તેમની આ બીજી OTT રિલીઝ છે. આ ફિલ્મ ડૉ. જયંતિલાલ ગડા (પેન સ્ટુડિયો) અને ભંડારકર એન્ટરટેઈનમેન્ટ, પ્રણવ જૈન દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. મધુર ભંડારકરની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ લોકડાઉનની મુશ્કેલીઓ સામે લડી રહેલા 4 લોકોની વાર્તા વર્ણવે છે. મધુર ભંડારકરે લોકડાઉન દરમિયાન આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. તેના ઉત્તેજક ટ્રેલરે સહુનું ધ્યાન ખેંચ્યુ છે અને લોકો ‘ઇન્ડિયા લોકડાઉન’ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ ફિલ્મમાં ચાર મુખ્ય પાત્રોની અલગ-અલગ વાર્તાઓ છે. જેના દ્વારા ભારતમાં કોરોના મહામારી દરમિયાન પ્રથમ લોકડાઉનની વાર્તા કહેવામાં આવી છે. આમાંથી એક ટ્રેકમાં પટનાની અભિનેત્રી આયેશા એસ અમાન સેક્સ વર્કરનો રોલ કરી રહી છે. તેના પાત્ર દ્વારા રોગચાળા દરમિયાન સેક્સ વર્કરોની દુર્દશા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.