નવી દિલ્હી: ભારત ખૂબ જ ઝડપથી મોટું મેડિકલ ટુરિઝમ હબ બનવાનું છે અને તે ટેક્નોલોજી દ્વારા સંચાલિત ડાયાબિટીસની માવજત કરવામાં અગ્રેસર બનવા માટે તૈયાર છે, એમ કેન્દ્રના પ્રધાન જિતેન્દ્ર સિંહે અહીં રવિવારે જણાવ્યું હતું.
ડાયાબિટીસ ટેક્નોલોજી ઍન્ડ થેરાપ્યુટિક્સ – ૨૦૨૩ (ડીટેકકોન-૨૦૨૩)ની અહીં યોજાયેલી ત્રણ દિવસની વર્લ્ડ કૉંગ્રેસને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ રોગચાળાનો જે રીતે સફળતાપૂર્વક સામનો કરવામાં આવ્યો ત્યાર પછી વિશ્ર્વભરના લોકો ભારત તરફ આશાની મીટ માંડીને બેઠા છે.
ટેક્નોલોજી અને માનવ સ્ત્રોતની દૃષ્ટિએ આપણે બીજા દેશો કરતાં ખૂબ જ આગળ છીએ, એમ જણાવી સિંહે કહ્યું હતું કે ભારત ફકત ટેક્નોલોજી લીડર નહીં, પણ ખૂબ જ મોટું મેડિકલ ટુરિઝમ હબ પણ બની રહ્યું છે.
ટેક્નોલોજી દ્વારા સંચાલિત ડાયાબિટીસની સારવારમાં ભારત અગ્રેસર બનવા તૈયાર છે, એમ ડૉ. સિંહે જણાવ્યું હતું. તેઓ જાણીતા ડાયાબિટોલોજિસ્ટ પણ છે.
વિશ્ર્વમાં ડાયાબિટીસ માટે જે કાંઈ સંશોધન થઈ રહ્યું છે તેમાં ભારત આગલી હરોળમાં છે અને ડાયાબિટીસને અટકાવવું એ હેલ્થકેર તરફની માત્ર ફરજ નથી પણ એ રાષ્ટ્ર તરફ પણ આપણી ફરજ છે કેમ કે આ દેશમાં ૭૦ ટકા વસતિ ૪૦ કરતાં ઓછી ઉંમરની છે અને આજના યુવાનોએ ૨૦૪૭ના ભારતના મુખ્ય નાગરિકો બનશે.
ડાયાબિટીસના રોગને કારણે કે તેની આડઅસરને પરિણામે ઊભી થનારી પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં તેમની ઊર્જાનો વ્યય થાય એ ચલાવી શકાય એમ નથી, એવી તેમણે ચેતવણી ઉચ્ચારી કહ્યું હતું કે ટેલિમેડિસીનના ક્ષેત્રે દેશ અત્યારે વિશ્ર્વમાં સૌથી સારા સ્ટાર્ટઅપ ધરાવે છે અને આ સ્ટાર્ટઅપ જૂથોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડૉકટરો વિકસાવ્યા છે. મારી ટીમે જમ્મુ અને કાશ્મીરમાંના ઉધમપુર લોકસભા મત વિસ્તારના ૬૦ જેટલા ગામની પસંદગી કરી છે અને ત્યાં ટેલિમેડિસીન વેન મોકલવામાં આવી છે જે ‘ડૉકટર ઑન વ્હીલ્સ’ તરીકે ઓળખાય છે. (પીટીઆઈ)