બીમારીનું નામ આવે એટલે ભલભલાના હાજા ગગડી જાય. પણ આજે આપણે અહીં વાત કરવાના છીએ એવી બીમારી વિશે કે જે ભારતમાં જ વસતાં કરોડો લોકોને છે આ બીમારીનું નામ ડાયાબિટીસ. આ બીમારી તમારી લાઈફ સ્ટાઈલને કારણે તમને થાય છે. જો તમારી લાઈફ સ્ટાઈલ ખરાબ હોય તો તમને આ બીમારી થવાનું જોખમ વધી જાય છે. ઘણા કેસમાં આ બીમારી આનુવંશિક પણ હોય છે. આવી સ્થિતિમાં આ બીમારીથી બચવા માટે રોજબરોજની લાઈફસ્ટાઈલમાં સુધારો લાવવો સૌથી જરૂરી છે.
બીજી બાજું, જો આ બીમારી પરિવારમાં પેઢી દર પેઢીથી ચાલી આવતી હોય તો પણ તેનું નિવારણ કરવું ખૂબ જ જરૂરી છે. ડૉક્ટરોની વાત પર વિશ્વાસ કરીએ તો ડાયાબિટીસ શરીરના અન્ય અવયવો પર પણ અસર કરે છે. આ રોગની સીધી અસર કિડની, લીવર પર થાય છે. આવી પરિસ્થિતિમાં ડાયાબિટીસ પર સમયસર ધ્યાન આપવું જોઈએ.
દુનિયાભરમાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દીઓ ભારતમાં જોવા મળે છે અને આ જ કારણસર ભારતને ડાયાબિટીસના મામલામાં દુનિયાની ડાયાબિટીસ કેપિટલ તરીકે પણ ઓળવામાં આવે છે. જો આંકડાઓ પર નજર કરીએ તો એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતમાં લગભગ 80 મિલિયન લોકો એટલે કે આઠ કરોડ લોકોને ડાયાબિટીસ છે.
એક અનુમાન મુજબ વર્ષ 2045 સુધીમાં આ આંકડો વધીને 1.35 કરોડ થઈ જશે. આ સાથે જ ગંભીર બાબત એ છે કે ડાયાબિટીસને કારણે અન્ય બીમારીઓ પણ થવા લાગે છે. આવો જોઈએ ડાયાબિટીસને કારણે અન્ય કઈ બીમારીઓ થવાનું જોખમ રહેલું છે એ…
હાર્ટ એટેકનું જોખમ
ડાયાબિટીસનું કનેક્શન હાર્ટ સાથે પણ છે અને જો બ્લડ સુગર વધારે હોય તો તે હૃદયને થતા રક્ત પુરવઠામાં અવરોધ ઊભો કરે છે. તેની સીધી સીધી અસર હૃદય પર જોવા મળે છે. બ્લડપ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ ઉપરાંત ડાયાબિટીસ પણ હૃદયને બીમાર બનાવે છે.
કિડની સંબંધિત સમસ્યાઓ
હાર્ટ સિવાય કિડની પર પણ ડાયાબિટીસની સીધી અસર જોવા મળે છે. હકીકતમાં ડાયાબિટીસને કારણે બ્લડ સર્ક્યુલેશન ખોરવાય છે. આ સિવાય હાઈ ગ્લુકોઝ બ્લડ શુગરની મદદથી કિડનીને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. જેને કારણે કિડનીને ધીમે ધીમે નુકસાન પહોંચવા લાગે છે. સામાન્યપણે ડાયાબિટીસના દર્દીઓમાં કિડનીની બીમારી જોવા મળે છે.
માનસિક રોગ
ડાયાબિટીસ મગજની પ્રવૃત્તિઓને પણ અફેક્ટ કરે છે. અશક્તિ આવવાને કારણે વ્યક્તિનું મગજ એટલું સક્રિય નથી રહેતું. આને કારણે બેચેની, ચીડિયાપણું જેવી સમસ્યાઓ પણ લોકોમાં જોવા મળે છે. આ રોગને કારણે ડિપ્રેશન, ચિંતા જેવી સમસ્યાઓ જોવા મળે છે.
મોઢાનો ટેસ્ટ પણ થાય છે અફેક્ટ
ડાયાબિટીસની અસર શરીરના અન્ય અવયવની સાથે સાથે જ મોં પર પણ જોવા મળે છે. ડાયાબિટીસના કારણે મોંમાં લાળ ઓછી બને છે, જેના કારણે મોંઢુ શુષ્ક થઈ જાય છે. લાળના અભાવે મોઢામાં કીટાણુઓ વધવા લાગે છે. જેના કારણે મોઢાનો સ્વાદ પણ બગડી જાય છે. આનાથી પેઢામાં સોજો આવે છે અને લોહી નીકળવા જેવી સમસ્યા દર્દીમાં જોવા મળે છે.
નર્વ સિસ્ટમને પહોંચાડે છે નુકસાન
ડાયાબિટીસની સીધી અસર ચેતાતંત્રને થાય છે. આને કારણે, નર્વ સિસ્ટમ તંદુરસ્ત વ્યક્તિની જેમ સક્રિય રીતે કામ કરતી નથી. શારીરિક સંબંધ બાંધવામાં પણ સમસ્યા ઉદ્ભવી શકે છે.