બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની ચોથી અને અતિમ મેચ અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 9મી માર્ચથી શરુ થવાની છે. ઇન્દોર ટેસ્ટમાં ભારતની હાર બાદ આ મેચ નિર્ણાયક સાબિત થવાની છે ત્યારે ભારતીય અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચાહકો ઉત્સાહિત છે. ટેસ્ટ મેચ માટે ટિકિટ બુકિંગ પણ શરુ થઇ ગયું છે પરંતુ ક્રિકેટ રસિયાઓ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સ્ટેડીયમમાં મેચની મજા નહિ માણી શકે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) એ પ્રથમ દિવસની ટિકિટને ‘લોક આઉટ’ કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટેસ્ટના શરૂઆતના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસની હાજર રહેવાના હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે GCA દ્વારા કોઈ અધિકારીક નિવેદન બહાર નથી પડાયું.
હાલ Bookmyshow પર ટિકિટનું નું વેચાણ થઇ રહ્યું છે પરંતુ પ્રથમ દિવસ માટે ટિકિટ બૂક કરવાનો વિકલ્પ નથી મળી રહ્યો. આવનારા દિવસોમાં પહેલા દિવસની ટિકિટનું વેચાણ ખુલશે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.
GCAના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાના બંને દેશના વડાપ્રધાનો હાજરી આપશે, તેથી કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે.”
Bookmyshow ના અધિકારીએ જણાવ્યું હતું કે, “ટિકિટનું વેચાણ શરૂ કરવા અંગેનો કોઈપણ નિર્ણય સામાન્ય રીતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા લેવામાં આવે છે. અમે BCCI દ્વારા અમને આપવામાં આવેલા આદેશનું પાલન કરીએ છીએ. આ અંગે વધુ ટિપ્પણી કરી શકાય નહિ.”