IND vs AUS 3rd Test: ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં ઇન્દોર ખાતે ભારતને 9 વિકેટે હરાવ્યું હતું અને આ સાથે જ કાંગારુંઓ હજી પણ શ્રેણીમાં 1-2થી પાછળ છે. ઓસ્ટ્રેલિયન ટીમ 6 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ મેચ જીતી છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમે સ્ટીવ સ્મિથની જ કેપ્ટન્સીમાં ફેબ્રુઆરી 2017માં પુણે ખાતે ભારતને 333 રનથી માત આપી હતી. શ્રેણીની અંતિમ ટેસ્ટ 9 માર્ચે અમદાવાદ ખાતે રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની દ્વષ્ટિએ ભારત માટે આ મેચ ખુબ જ મહત્વની બની ગઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે.
ઘરઆંગણે ભારતની સૌથી શરમજનક હાર
આ ભારતની ઘરઆંગણે થયેલો સૌથી શરમજનક હાર છે. ભારતે આ મેચ 1135 બોલમાં ગુમાવી દીધી હતી. આ પહેલાં ભારતે ક્યારેય આટલા ઓછા બોલમાં મેચ ગુમાવી નથી. આ સાથે 71 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. 1951/52માં કાનપુર ખાતેની ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતે 1459 બોલમાં ટેસ્ટ મેચ હારી હતી. અત્યારે રોહિત શર્માની કેપ્ટનસી હેઠળ ભારતના નામે એક અણગમતો રેકોર્ડ બની ગયો છે.
ભારત 25 મહિના પછી ઘરઆંગણે ટેસ્ટ હાર્યું
ભારતીય ટીમ ઘરઆંગણે 25 મહિના પછી ટેસ્ટ હારી છે. આ પહેલાં ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે ફેબ્રુઆરી 2021માં ચેન્નઈ ખાતે 317 રને મેચ ગુમાવી હતી.