ડોંબિવલીઃ આપણને બધાને જ ક્યારેકને ક્યારેક તો સરકારી તંત્રના રેઢિયાળ કારભારનો અનુભવ થયો જ હશે, પરંતુ હાલમાં જ કલ્યાણમાં રહેતાં હાઉસ કિપિંગ અને સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરનારા અને કલ્યાણ નિવાસી ચંદ્રકાંત વરક (56)ને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો આવો જ વિચિત્ર અનુભવ થયો હતો. જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવનારા અને વર્ષે દહાડે લાખ રુપિયો ય કમાવવા પારાવાર પરસેવો પાડનારા ચંદ્રકાંતને ઈન્કમટેક્સ દ્વારા એક કરોડ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.
વરકનું પેનકાર્ડ અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને ચીનથી કેટલીક વસ્તુની ખરીદી કરવામાં આવી હોવાની માહિતી નોટિસમાં આપવામાં આવી છે. આ પ્રકરણે સરકાર દખલગિરી કરીને મારો છુટકારો કરાવે એવી માગણી ચંદ્રકાંત દ્વારા કરવામાં આવી છે.
કલ્યાણના ઠાણકાર પાડા પરિસરમાં જૈન ચાલીમાં ચંદ્રકાંત પોતાની બહેન સાથે રહે છે. તેઓ જીવન ગુજરાન ચલાવવા માટે હાઉસ કિપિંગ, સિક્યોરિટી ગાર્ડ્સ તો કુરિયર બોયનું કામ કરે છે. આ રીતે કામ કરીને તે મહિનાના 10થી 15 હજાર રૂપિયા માંડ કમાવી લે છે. પરંતુ બુધવારે ઈન્ટકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલાવવામાં આવેલી નોટિસ જોઈને તેમની દુનિયા હચમચી ગઈ હતી.
1 કરોડ 14 લાખ રૂપિયાની આ નોટિસ હોઈ ચંદ્રકાંતે આઈટી ડિપાર્ટમેન્ટમાં દોટ મૂકી હતી અને એ વિશે પુછપરછ કરતાં અધિકારીએ તેમને પેનકાર્ડ અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને ચીનમાંથી વસ્તુઓ ખરીદવામાં આવી હોવાનું જણાવ્યું હતું. એ વસ્તુ પરની ડ્યૂટી ના ભરાઈ હોવાને કારણે તેમને આ નોટિસ મોકલવામાં આવી હોવાનું પણ વધુમાં ઉમેર્યું હતું.
અધિકારીએ ચંદ્રકાંતને એવું પણ જણાવ્યું હતું કે જો તમે આ વસ્તુઓ ન ખરીદી કરી હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાની સલાહ પણ આપી હતી. હું સામાન્ય નાગરિક છું અને જે કામ મળે તે કામ કરીને મારું ગુજરાન ચલાવું છું. સંબંધિત વિભાગ અને સરકાર આમાંથી મારો છુટકારો કરે, એવી વિનંતી ચંદ્રકાંત દ્વારા કરવામાં આવી છે. ચંદ્રકાંત આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.