નૃસિંહ અવતાર “ભક્તિ પાતાળ નીપજે, પહુંચે અનંત આકાશ,દાબીદૂબી ના રહે, કસ્તુરીની વાસ
જીવનનું અમૃત -ભાણદેવ
ગમે તેવા વિપરીત સંયોગો હોય તો પણ ભક્તિની સુગંધને, તેના સામર્થ્યને દાબી શકાય તેમ નથી. સૂર્યનો ઉદય થાય પછી તેના પ્રકાશને કોઈ ઢાંકી શકે? સૂર્યના પ્રકાશને ઢાંકી શકાય તો ભક્તિની સુગંધને દાબી શકાય!
સદીઓ, સહસ્રાબ્દીઓ વીતી ગઈ છતાં ભક્તરાજ પ્રહ્લાદનું નામ ભક્તિના આકાશમાં સુવર્ણાક્ષરે મંડિત થયેલું છે. આ ભક્તિનો મહિમા છે, આ ભક્તિની સુગંધનું સામર્થ્ય છે!
અરે! જુઓ, જુઓ! ભક્તિનો મહિમા હજુ પણ જુઓ! અસુરકુળમાં જન્મેલા અસુરો પણ જો ભક્તો હોય તો તેમની ગણના અસુરોમાં નહિ પણ ભક્તોમાં થાય છે. પ્રહ્લાદ અસુરકુળમાં જન્મ્યા છે. અસુરોના અધિપતિ હિરણ્યકશિયપુના પુત્ર છે. તો પણ પ્રહ્લાદને કોણ અસુર ગણે? આપણે પ્રહ્લાદજીની ગણના અસુરોમાં નહિ પણ ભક્તોમાં કરીએ છીએ. વિભીષણની ગણના અસુરોમાં નહિ ભક્તોના પણ અગ્રણી તરીકે થાય છે. મહારાજ બલિને કોણ અસુર કહી શકે? અરે! વૃત્રાસુર પણ ભગવદ્ભક્ત ગણાય છે.
દુષ્ટ પુરુષ પણ જો ભગવાનનો શરણાગત બને તો તે સાધુપુરુષ જ ગણાય છે, તેવું ભગવાનનું વચન છે.
અરુક્ષ ખજ્ઞટ્ટલૂડળ્ફળખળફળજ્ઞ ધઘટજ્ઞ પળપણધ્રધળઇ્ંર
લળઢૂફજ્ઞમ લ પધ્ટર્વ્રીં લબ્રક્કવ્રમરુલટળજ્ઞ રુવ ર્લીં ॥
– ઉંટિળ ૯-૩૦
“જો કોઈ અતિશય દુરાચારી પણ અનન્યભાવે મને ભજે તો તે પણ સાધુપુરુષ ગણાય છે, કારણ કે તેણે પરમાત્માના ભજનને સર્વોચ્ચ ગણીને તેનો અનન્યભાવે સ્વીકાર કર્યો છે.
જો દુષ્ટો પણ ભગવાનના શરણાગત બનવાથી સાધુ ગણાય છે, તો પછી ભક્તરાજ પ્રહ્લાદ ભક્તરાજ વિભીષણ, ભક્તરાજ બલિ અને અંતિમપળે ભગવાનનો શરણાગત બનનાર ભક્તરાજ વૃત્રાસુરની મહાનતાની તો વાત જ શી કરવી!
ભક્તોની આ નામાવલીમાં પણ ભક્તરાજ પ્રહ્લાદજી તો સુવર્ણાલંકારમાં ચળકતા મૂલ્યાવન રત્નસમા શોભે છે.
પરીક્ષિત મહારાજ શુકદેવજીને પૂછે છે –
“ભગવન્! પરમાત્મા તો સર્વ પ્રપંચથી સર્વથા અતીત છે, નિર્ગુણ છે, ભેદભાવથી રહિત છે, તો પણ તેમણે ઈન્દ્રાદિ દેવોનો પક્ષ લઈને વૃત્રાસુર આદિ દૈત્યોનો વધ શા માટે કરાવ્યો? ભગવાને દેવોનો પક્ષપાત કેમ કર્યો?
શુકદેવજી પરીક્ષિત મહારાજની આ શંકાનું સમાધાન કરતાં કહે છે –
“રાજન્ ! પરબ્રહ્મ પરમાત્મા ત્રિગુણાતીત છે છતાં પોતાની માયાથી તે સત્ત્વાદિ ગુણો ધારણ પણ કરી શકે છે. ભગવાન સમ હોવા છતાં સત્ત્વાદિ ગુણોના ઉત્કર્ષ માટે રજોગુણી-તમોગુણી અસુરોનો સંહાર પણ કરે છે અને સત્ત્વપ્રધાન દેવોનો ઉત્કર્ષ પણ કરે છે. ભગવાન ગુણો ધારણ કરે છે છતાં ગુણાતીત રહે છે અને દેવોનો પક્ષ લેવા છતાં સમ અવસ્થામાં રહે છે. ભગવાન પરસ્પર વિરોધી ગુણોનું આશ્રયસ્થાન હોવાથી તેમનામાં આ સર્વ સંભવે છે.
આ વિષયને વધુ સ્પષ્ટ કરવા માટે શુકદેવજી મહારાજ પરીક્ષિતજીને દેવર્ષિ નારદ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચે થયેલો એક સંવાદ સંભળાવે છે, જે સંવાદમાં ભક્તરાજ પ્રહ્લાદજીનું ચરિત્ર વર્ણવાયું છે.
મહારાજ યુધિષ્ઠિરે રાજસૂયયજ્ઞ કર્યો હતો. તે પ્રસંગે શિશુપાલે ભગવાન શ્રીકૃષ્ણ વિશે ઘણી અશિષ્ટ વાણીનો પ્રયોગ કર્યો હતો. અંતે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના સુદર્શનચક્રથી શિશુપાલનું મસ્તક કાપી નાખ્યું. તે વખતે એક ઘણી આશ્ર્ચર્યકારક ઘટના બની, શિશુપાલના શરીરમાંથી તેનું તેજ (જીવાત્મા) નીકળીને ભગવાન શ્રીકૃષ્ણમાં સમાઈ ગયું. આ પરમ આશ્ર્ચર્યકારક ઘટના જોઈને મહારાજ યુધિષ્ઠિરે તે સભામાં ઉપસ્થિત દેવર્ષિ નારદજીને આ ઘટનાનું રહસ્ય સમજાવવા પ્રાર્થના
કરી. યુધિષ્ઠિરની પ્રાર્થનાના પ્રત્યુત્તર સ્વરૂપે દેવર્ષિ નારદજીએ મહારાજ યુધિષ્ઠિરને જય-વિજયની કથા
અને પ્રહ્લાદચરિત્ર સંભળાવ્યાં. આ કથા અને ચરિત્ર શુકદેવજી પરીક્ષિતજીને અને સુતજી શૌનકાદિ ઋષિઓને સંભળાવે છે.
ભગવાન વિષ્ણુના પાર્ષદો જય-વિજયે સનતકુમારોનો અપરાધ કર્યો તેથી તેમને વૈકુંઠમાંથી પતનનો અને અસુરયોનિની પ્રાપ્તિનો શાપ મળ્યો. આ જય-વિજય પ્રથમ જન્મમાં હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ, દ્વિતીય જન્મમાં રાવણ-કુંભકર્ણ અને અંતિમ તૃતીય જન્મમાં શિશુપાલ-દંતવક્ત્રરૂપે આવ્યા. શિશુપાલ ભગવાનનો પાર્ષદ જ છે અને શાપથી મળેલો તેનો આ અંતિમ જન્મ જ છે, તેથી શરીરત્યાગ કરીને તે ભગવાનમાં મળી જાય છે.
જય-વિજયના આ ત્રણે અવતારો દરમિયાન તેમણે ભગવાનની વૈરભાવે જ ઉપાસના કરી છે, તેથી તેઓ ભગવાન વિરોધી તરીકે વ્યવહાર કરે છે, તે સ્વાભાવિક છે.
જય અને વિજય શાપવશ થયેલા પોતાના પ્રથમ અવતારમાં હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષરૂપે આવ્યા. તેમણે કશ્યપઋષિનાં પત્ની દિતિના ગર્ભ દ્વારા જન્મ ધારણ કર્યો છે.
બંનેમાંથી નાના હિરણ્યાક્ષનો ભગવાન વરાહે વધ કર્યો છે. પોતાના નાના ભાઈના વધથી હિરણ્યકશિપુને ભગવાન વિષ્ણુ પ્રત્યે ખૂબ રોષ ઉત્પન્ન થયો છે. તે શોકથી સંતપ્ત અને ક્રોધથી કંપી ઊઠયો.
હિરણ્યકશિપુએ પોતાના ભાઈની હત્યા કરનાર ભગવાન વિષ્ણુની હત્યા કરવાની પ્રતિજ્ઞા કરી અને દૈત્યોને પૃથ્વી પર યજ્ઞયાગ, દેવપૂજન આદિ ધાર્મિક કાર્યોનો ઉચ્છેદ કરવાની આજ્ઞા આપી. તેણે પોતાના ભાઈની પત્ની, ભત્રીજાઓ અને પોતાની માતાને આશ્ર્વાસન આપ્યું.
અજર, અમર, અજેય અને સંસારના એકછત્ર સમ્રાટ બનવાની ઈચ્છાથી હિરણ્યકશિપુએ મંદરાચલની એક ખીણમાં અત્યંત દારુણ તપશ્ર્ચર્યા કરવાનો પ્રારંભ કર્યો. બંને હાથ ઊંચા રાખીને આકાશ તરફ દૃષ્ટિ રાખીને તે માત્ર પગના અંગૂઠા પર ઊભો રહ્યો. તપશ્ર્ચર્યાના પ્રભાવથી તેમની જટા પ્રલયકાળના સૂર્યનાં કિરણો જેવી ચમકી રહી હતી.
જ્યારે હિરણ્યકશિપુ તપશ્ર્ચર્યામાં સંલગ્ન હતો ત્યારે દેવો ફરીથી પોતાનાં સ્થાનો અને પદો પર પ્રતિષ્ઠિત થઈ ગયા. દીર્ઘકાળ સુધી તપશ્ર્ચર્યા કર્યા પછી, તપશ્ર્ચર્યાના પ્રભાવથી તેમના મસ્તકમાંથી ધુમાડા સહિત અગ્નિ નીકળવા લાગ્યો. આ અગ્નિની જ્વાળાઓ ચારે બાજુ ફેલાઈ ગઈ અને લોકોને બાળવા લાગી. હિરણ્યકશિપુની આ તપો-જ્વાળાથી સ્વર્ગના દેવો પણ બળવા માંડ્યા. હિરણ્યકશિપુના તપનો આવો તાપ જોઈને દેવો ગભરાયા અને તેઓ બ્રહ્માજી પાસે ગયા અને આ વિટંબણામાંથી મુક્ત કરવા માટે દેવોએ બ્રહ્માજીને પ્રાર્થના કરી.
દેવોની પ્રાર્થના સાંભળીને બ્રહ્માજી ભૃગુ, દક્ષ વગેરે પ્રજાપતિઓ સાથે હિરણ્યકશિપુના આશ્રમ પર ગયા. બ્રહ્માજીએ જોયું કે રાફડાની માટી, ઘાસ અને વાંસથી તેનું શરીર ઢંકાઈ ગયું હતું. તેના શરીરનાં માંસ, લોહી, મેદ અને ત્વચાને કીડીઓ ખાઈ ગઈ હતી. વાદળોથી ઢંકાયેલા સૂર્ય જેવો તે પોતાની તપશ્ર્ચર્યાના તેજથી લોકોને તપાવી રહ્યો હતો. હિરણ્યકશિપુની આવી મહાન તપશ્ર્ચર્યા જોઈને બ્રહ્માજી પણ વિસ્મિત થઈ ગયા. તેની આવી તપશ્ર્ચર્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને વરદાન માગવા કહ્યું અને પોતાના કમંડલુમાંથી જળ છાંટીને તેના શરીરને પૂર્વવત્ પુષ્ટ અને બળવાન બનાવી દીધું.
બ્રહ્માજીનાં દર્શનથી હિરણ્યકશિપુ આનંદ પામ્યો. તેણે જમીન પર મસ્તક મૂકીને બ્રહ્માજીને નમસ્કાર કર્યા
અને ગદ્ગદ વાણીથી બ્રહ્માજીની સ્તુતિ કરી. સ્તુતિથી પ્રસન્ન થયેલા બ્રહ્માજી પાસે હિરણ્યકશિપુએ આ પ્રમાણે વરદાન માંગ્યા.
૧. બ્રહ્માજીના બનાવેલા
કોઈ પણ પ્રાણીથી હિરણ્યકશિપુનું મૃત્યુ ન થાઓ.
૨. કોઈપણ મકાનની અંદર કે બહાર તેનું મૃત્યુ ન થાઓ.
૩. તેનું મૃત્યુ દિવસે પણ ન થાઓ કે રાત્રે પણ ન થાઓ.
૪. કોઈ પણ અસ્ત્ર-શસ્ત્રથી તેનું મૃત્યુ ન થાઓ.
૫. પૃથ્વી પર કે આકાશમાં તેનું મૃત્યુ ન થાઓ.
૬. કોઈ પણ માનવ, દેવ, દાનવ, નાગ કે કોઈપણ અન્ય પ્રાણીથી તેનું મૃત્યુ ન થાઓ.
૭. યુદ્ધમાં કોઈ પણ જીવ તેનો સામનો ન કરી શકે.
૮. તે ત્રણે ભુવનનો એકમાત્ર અધિપતિ બને.
૯. ઈન્દ્રાદિ લોકપાલોમાં જેવો બ્રહ્માજીનો મહિમા છે, તેવો મહિમા તેનો પણ થાઓ.
૧૦. તપસ્વીઓ અને યોગીઓને જે ઐશ્ર્વર્યો-સિદ્ધિઓ મળે છે, તે સર્વ તેને પણ પ્રાપ્ત થાઓ.
બ્રહ્માજીએ ‘તથાસ્તુ’ કહી, તેને આ સર્વ વરદાનો આપ્યાં.
હિરણ્યકશિપુની ઈચ્છા અજર-અમર થવાની હતી, પરંતુ સ્પષ્ટ ભાષામાં આવું વરદાન તેણે માગ્યું નહિ. બ્રહ્માજી પોતે અજર-અમર નથી. કલ્પાન્તે તેમના આયુષ્યનાં સો વર્ષ પૂરાં થતાં બ્રહ્માજી પણ બદલાય છે. તેથી બ્રહ્માજી કોઈને શાશ્ર્વત અમરતાનું વરદાન આપી શકે નહિ. આમ હોવાથી ચતુર હિરણ્યકશિપુએ ચાલાકીપૂર્વકેવાં એવાં વરદાનો માગ્યાં કે તે લગભગ અજર-અમર બની જાય. આ વરદાનોનું સ્વરૂપ એવું છે કે બ્રહ્માજીએ ‘તથાસ્તુ’ કહ્યું, એટલે તેણે સ્પષ્ટ રીતે માની લીધું કે તે હવે અજર-અમર બની ગયો છે.
જીવ ધારે છે એક અને ઈશ કરે છે બીજું. જીવ પોતાની જાતને છેતરી શકે છે, અન્ય જીવને છેતરી શકે છે; પરંતુ ઈશ્ર્વરને છેતરી શકાતો નથી. દુષ્ટબુદ્ધિથી કરેલી તપશ્ર્ચર્યા ગમે તેટલી પ્રચંડ હોય તો પણ આખરે તો તે પોતાને જ હણે છે. હિરણ્યકશિપુુએ માની લીધું કે તે હવે અજર-અમર બની ગયો છે. તેને મારી શકાય તેવો કોઈ ઉપાય કોઈની પાસે નથી. કોઈ જીવ પાસે તે ઉપાય નથી, તે સાચું છે પરંતુ ઈશ પાસે તો ઉપાય હોય જ છે.
બ્રહ્માજી પાસેથી લગભગ અજર-અમર હોવાનું વરદાન પામીને હિરણ્યકશિપુ અતિ ઉન્મત્ત બની ગયો. આ મહાબળવાન અસુરે દેવો, અસુરો, માનવો અને સર્વ જીવોને જીતીને ત્રિલોકમાં પોતાની એકછત્ર સત્તા સ્થાપિત કરી. તે ઈન્દ્રાસન પર બિરાજમાન થતો અને દેવો, ગંધર્વો, સિદ્ધો અને અસુરો પણ તેની સ્તુતિ કરતા અને સેવા માટે તત્પર રહેતા. યજ્ઞ-યાગની આહુતિઓ દેવો પાસેથી તે જ છીનવી લેતો. તેના શક્તિ અને તેજ પાસે દેવો પણ ઝાંખા અને દુર્બળ બની ગયા.
શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન થવા માંડ્યું અને ત્રિલોકીમાં સર્વત્ર ધર્મના સ્થાને અધર્મનું શાસન સ્થપાયું. તેના કઠોર શાસનથી દેવો અને લોકપાલો ભયભીત બની ગયા અને તેઓ સૌ ભગવાનને શરણે ગયા.
તેમણે સૌએ ભોજન-શયનનો ત્યાગ કરી, ઈન્દ્રિયોને સંયમિત અને મનને સમાહિત કરીને નિર્મળ હૃદયથી ભગવાનની આરાધના કરી તેમની પ્રાર્થનાથી ભગવાન પ્રસન્ન થયા અને એક દિવસે તેમને સૌને મેઘ સમાન ગંભીર આકાશવાણી સંભળાઈ-
“હે દેવો! તમે ડરો નહિ. દુષ્ટ અસુર હિરણ્યકશિપુનાં હીન કર્મો અને ત્રાસને હું જાણું છું. તમે સૌ ધૈર્ય ધારણ કરો અને પ્રતીક્ષા કરો. તે બ્રહ્માજીના વરદાનને કારણે શક્તિસંપન્ન છે, પરંતુ તે જ્યારે પોતાના મહાત્મા પુત્ર પ્રહ્લાદનો દ્રોહ કરશે ત્યારે હું તેને અવશ્ય હણી નાખીશ.