(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધોની ઉજવણી માટે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમની સોમવારથી સોમનાથ ખાતે શરૂઆત થઇ હતી. ૧૭થી ૩૦ એપ્રિલની વચ્ચે સંખ્યાબંધ સાંસ્કૃતિક અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના લોકો તમિલનાડુમાં સ્થળાંતર થયાને ૧,૦૦૦ વર્ષથી વધુ સમય થયો છે, પરંતુ તેમણે સૌરાષ્ટ્રની પરંપરાને જાળવી રાખી છે. તેમને ફરી પોતાના મૂળ વતને બોલાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર તમિલ સંગમ ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆતમાં ૨૦ જેટલા પરંપરાગત કલાકારો અને લોકગાયકોનાં વિખ્યાત બેન્ડ દ્વારા બંને રાજ્યોના લોકસંગીતનું અદ્ભૂત ફ્યુઝન રજૂ કરવામાં આવ્યું હતું. તમિલ લોકપ્રિય ‘કુમ્મી અડી’, ’આપણાં મલકના માયાળુ માનવી’ સહિતની પ્રસ્તુતિઓના તાલે સમગ્ર ઓડિયન્સ ઝૂમી ઊઠયું હતું. આ મનમોહક રજૂઆતો પર તમિલ બાંધવો અને સૌરાષ્ટ્રવાસીઓ ઉત્સાહમાં આવીને સાથે નૃત્ય કરવા લાગતા સમગ્ર સભા સ્થળ બંધુતા અને પ્રેમની અનેરી ઊર્જાથી ભરાઈ ગયું હતું.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ માટે ખાસ મદુરાઈથી સ્પેશિયલ ટ્રેન સૌરાષ્ટ્રીયન તમિલ બંધાવોને લઈને સવારે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ પટેલ અને પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરાએ તમિલનાડુથી આવેલા ભાઈઓ અને બહેનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
ઢોલ નગારાના સાથે મૂળ સૌરાષ્ટ્ર અને વર્ષોથી તમિલનાડુમાં સ્થાયી થયેલા ૩૦૦ લોકોનું સૌરાષ્ટ્રની પરંપરા મુજબ પુષ્પગુચ્છ આપી, હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય રક્ષાપ્રધાન રાજનાથ સિંહ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, તેમણે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે સોમનાથ મંદિર સાથેનો પોતાનો ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.