ગુજરાતના ગીર વિસ્તારમાં એશિયાટિક સિંહને જોવા માટે ભલે આપણે હજારો ખર્ચી જતા હોઈએ, પરંતુ તે જ સિંહો જ્યારે તમારા રહેઠાણ વિસ્તારમાં આવી ચડે ત્યારે સ્વાભાવિક છે, રહેવાસીઓમાં ફફડાટ રહે. સાસણ-ગીરના સિંહો હવે અન્ય વિસ્તારોમાં ગમે ત્યારે લટાર મારવા પહોંચી જાય છે. અમરેલી જિલ્લાના વડીયાના વાડી વિસ્તારમાં એક સિંહ પરિવાર આવી ચડતા સ્થાનિકો ગામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ધોળે દિવસે ખેતરોમાં સિંહના આંટાફેરા ચાલુ રહેલા ગામના ખેડૂતો પણ રાત્રે પિયત કરવા જતા રવિ સીઝનમાં ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓની ગીચતા વધતા સિંહ સહિત અન્ય વન્યપ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી રહેણાંક વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે. અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક સિંહ પરિવારે ધામા નાખ્યા છે. ખેતરોમાં સિંહ પરિવાર આરામ ફરમાવતા સ્થાનિક ખેડૂતોએ ખેતીકામ માટે જવુ મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોના મતે સિંહના આ ગ્રુપમાં સાતથી નવ સિંહ જોવા મળી રહ્યા છે. બીજી બાજુ અમરેલી જિલ્લામાં વડીયા છેવાડાનો વિસ્તાર છે. અહીં સિંહનો કાયમી વસવાટ નથી. જો કે, છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં સિંહ તેનો નવો વસવાટ બનાવી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે વનવિભાગ સિંહ અને સ્થાનિકોની સુરક્ષા માટે કાર્યવાહી કરે તેવી લોકો આશા રાખી રહ્યા છે.