ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
ગાંધીવાદી વિચારધારાની સાથે જ ક્રાંતિકારી વિચારસરણીમાં પણ વિશ્ર્વાસ ધરાવતી હોય એવી એક સ્ત્રી જે આઝાદી મેળવવા ક્રાંતિના માર્ગે ચાલી હોવાથી એનાં સાસરિયાઓએ એની સાથેનાં સઘળાં સંબંધો તોડી નાખ્યાં, એટલું જ નહીં, અખબારમાં સંબંધવિચ્છેદની જાહેરાત પણ આપી, છતાં નાસીપાસ થયા વિના એ નારીએ નારાયણી બનીને સ્વતંત્રતા માટેનો જંગ જારી રાખ્યો…
રાજકુમારી… ના, એ કોઈ રાજવી કુળની નહોતી.કોઈ રાજાની કુંવરી પણ નહોતી. એનું નામ રાજકુમારી હતું. સ્વતંત્રતા સેનાની રાજકુમારી ગુપ્તા….ભારતની આઝાદીનું સ્વપ્ન જોતી રાજકુમારીએ ‘કાકોરીકાંડ’ તરીકે મશહૂર થયેલી ટ્રેન લૂંટમાં ક્રાંતિકારીઓની સહાયતા કરેલી. ઉપરાંત સ્વરાજની લડતમાં પણ ભાગ લીધેલો. પરિણામે ૧૯૩૦, ૧૯૩૨ અને ૧૯૪૨માં જેલવાસ પણ ભોગવવો પડેલો. આ રાજકુમારી મૂળ ઉત્તર પ્રદેશની. કાનપુર જિલ્લાના બાંદા ગામમાં ૧૯૦૨માં જન્મ. પરિવારની સ્થિતિ પાણી જેવી પાતળી. પિતા કરિયાણાની નાનકડી હાટડી ચલાવતા. કહેવાય છે કે નામમાં શું રાખ્યું છે? પણ માતાપિતા નસીબમાં નહીં તો નામમાં જ સહી, રાજઘરાનાનો અનુભવ કરવા માંગતા હશે એટલે દીકરીનું નામ રાજકુમારી પાડ્યું.
રાજકુમારીના ઉછેર અને ભણતર વિશે ઝાઝી માહિતી સાંપડતી નથી. પણ બાલ્યાવસ્થામાં એના વિવાહ કાનપુરના મદનમોહન ગુપ્તા સાથે થઇ ગયા. મદનમોહન ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા. સંગ એવો રંગ. રાજકુમારી પણ પતિની સાથે આઝાદી આંદોલનમાં જોડાઈ. પતિપત્ની ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોથી પ્રભાવિત થયેલાં. ખાસ કરીને ગાંધીજીના અહિંસાવાદી વિચારોનો તો રાજકુમારી પર ઘણો ઊંડો પ્રભાવ હતો. પરંતુ ધીમે ધીમે અહિંસા પર હિંસાનું આવરણ ચડ્યું. આઝાદી આંદોલન જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ રાજકુમારીના અહિંસક વિચારોમાં પરિવર્તન આવવા લાગ્યું. રાજકુમારીને અંગ્રેજોનો અત્યાચાર અમાનવીય અને અસહ્ય લાગવા માંડ્યો. મનોમન એવી અનુભૂતિ થવા લાગી કે માત્ર અહિંસાને રસ્તે ચાલવાથી આઝાદી મળશે નહીં. અંગ્રેજો સહેલાઈથી આઝાદી કાંઈ તાસકમાં સોગાદ તરીકે આપશે નહીં. અંગ્રેજોને હથિયારની તાકાતથી પણ વાકેફ કરાવવા જોઈએ એવા વિચારો મનમાં ઘોળાવા માંડ્યા.
એક જ વિચાર ખરલમાં ઘૂંટાતો હોય એમ ઘૂંટાયા કરે ત્યારે મનના માળામાં ઘર કરી લ્યે છે. રાજકુમારીના મનમાં પણ હિંસાને રસ્તે આઝાદીના વિચારોએ ઘર કર્યું. રાજકુમારી ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ સાથે જોડાઈ ગઈ. ખાનગી બાતમીઓ એકથી બીજે ઠેકાણે પહોંચાડવાનું જોખમી કામ સંદેશવાહક બનીને કરવા લાગી. એક હાથ દાન કરે એ બીજા હાથને ખબર ન પડે એમ રાજકુમારીના આ સાહસ અંગે મદનમોહન અને સાસરિયાંઓને જાણ સુદ્ધાં ન થઇ. દરમિયાન અલાહાબાદના હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન નામના ક્રાંતિકારી સંગઠનમાં પણ જોડાઈ ગઈ.
આ ક્રાંતિકારી સંગઠન ઠનઠનગોપાલ હતું. ક્રાંતિ માટે કલદાર ઊભાં કરવાં ખૂબ જરૂરી હતા. રૂપિયો રૂમઝૂમ પગલે કઈ રીતે આવે એની ચર્ચાવિચારણા થવા લાગી. ગુપ્ત બેઠક યોજાઈ. બેઠકમાં ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન સહિત રાજકુમારી પણ ઉપસ્થિત હતી. ખાસ્સી ચર્ચાને અંતે સરકારી ખજાનો લૂંટવાનું નક્કી કરાયું. દેશનો પૈસો હતો અને દેશ માટે જ વાપરવાનો હતો.
સરકારી ખજાનો અને એ પણ ટ્રેન લૂંટ ચલાવીને કબજે કરવાનો નિર્ણય થયો. રેલધાડ માટે કાકોરી સ્ટેશન પસંદ કરાયું. યોજનાની રૂપરેખા આ પ્રમાણે હતી: આઠ નંબર ડાઉન પેસેન્જર, જે મુરાદાબાદથી આવે છે, તેને કાકોરી સ્ટેશનના આઉટર સિગ્નલ પાસે રોકીને લૂંટી લેવી. આઉટર સિગ્નલ પાસે આવતાં-જતાં ટ્રેનની ગતિ એકદમ ધીમી પડી જતી હોય છે. એ વખતે તેને તે જગ્યાએ રોકીને લૂંટવી વધારે સહેલું હતું.
ક્રાંતિદળના ક્રાતિકારીઓને પાકે પાયે ખબર હતી કે આ ટ્રેન મારફત જ બધાં સ્ટેશનો પરથી ભેગાં કરેલાં નાણાં લખનઊના સરકારી ખજાનામાં જમા કરાવવા માટે મોકલવામાં આવે છે. જો આ રેલધાડ સફળતાપૂર્વક પાર પડે તો નાણાંની તંગી દૂર થઇ જાય. પણ લૂંટની આ યોજના પાર પાડવા માટે હથિયારોની તાતી જરૂરિયાત હતી. જોઈતાં શસ્ત્રોની વ્યવસ્થા કરવાની જવાબદારી રાજકુમારી ગુપ્તાએ ઉપાડી લીધી. પોતાનાં વસ્ત્રોમાં માઉઝર પિસ્તોલો સંતાડીને ક્રાંતિકારીઓને પહોંચાડી. ૯ ઓગસ્ટ ૧૯૨૫…. સાંજના ચાર. આઠ ડાઉન ટ્રેન. બધા ક્રાંતિકારીઓ ટ્રેનમાં પહેલેથી માંડીને છેડા સુધી અમુક અમુક અંતરે ગોઠવાઈ ગયા. નક્કી કરેલા સમયે સાંકળ ખેંચીને ટ્રેન ઊભી રાખી. ગાર્ડને દબાવીને ઊંધો સુવડાવી દીધો. અંગે છુપાવેલાં હથિયારો સાથે ક્રાંતિકારીઓ ગાડીમાંથી ઊતરી પડ્યા. સરકારી ખજાનો જેમાં ભરેલો હતો એ લોઢાની પેટીને ટ્રેનમાંથી નીચે ફેંકી. ટ્રેનની બહાર ડોકિયું કરી રહેલા ઉતારુઓને જોઇને ક્રાંતિકારીઓએ ત્રાડ નાખી:
“ખબરદાર, કોઈ પણ માણસ હલનચલન ન કરે કે ગાડીમાંથી નીચે ઊતરવાનો પ્રયત્ન ન કરે. નહીંતર ગોળી મારી દેવામાં આવશે. અમે ક્રાંતિકારી છીએ અને સરકાર દ્વારા પ્રજાના લૂંટેલા પૈસાને પાછો લેવા આવ્યા છીએ. અમે કોઈ મુસાફરને નુકસાન પહોંચાડવા માંગતા નથી. એટલે કોઈ યાત્રી અકારણ કોઈ પણ જાતનું તોફાન કરવાનો પ્રયત્ન ન કરે. સૌ પોતપોતાની જગ્યાએ શાંતિથી બેસી જાવ.
આ ચેતવણી આપીને ક્રાંતિકારીઓએ લોઢાની પેટી પરનું તાળું છીણી અને હથોડાથી તોડીને સરકારી ખજાનો મેળવી લીધો. ક્રાંતિકારીઓની સફળતાની નોંધ બીજા દિવસના અખબારમાં શીર્ષક બનીને પ્રકાશિત થઇ: વાંચો, વાંચો.. આજની તાજા ખબર… સનસનાટીભર્યા સમાચાર… ટ્રેનમાં લૂંટ… કાકોરી પાસે સનસનાટીભરી રેલધાડ…
અંગ્રેજ સલ્તનતના પાયા હચમચી ઊઠ્યા. લૂંટારાઓ અને લૂંટનું પગેરું શોધવા બ્રિટિશ સરકાર કામે વળી.સઘન તપાસ અને શોધખોળને અંતે ક્રાંતિકારીઓ ઝડપાઈ ગયા. દરમિયાન અંગે ધારણ કરેલાં વસ્ત્રોમાં હથિયાર છુપાવીને પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે ખેતરોમાંથી પસાર થઇ રહેલી રાજકુમારી ગુપ્તા પણ પોલીસની નજરના સાણસામાં સપડાઈ. તાત્કાલિક એની ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં ખબર પડી કે સીધીસાદી ને ભલીભોળી દેખાતી રાજકુમારીએ કાકોરી રેલલૂંટ કાંડમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે!
વાતને પાંખ ફૂટી. ઊડતી ઊડતી રાજકુમારીનાં સાસરિયાંઓ સુધી પહોંચી. પુત્રવધૂનો વાંસો થાબડીને પડખે ઊભા રહેવાને બદલે એમણે પીઠ દેખાડી. સાસરિયાંઓને લાગ્યું કે ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ…સજા તો કરવી જ પડે, એમ માનીને એની સાન ઠેકાણે લાવવા એમણે આઝાદીયજ્ઞમાં પોતાની આહુતિ આપી રહેલી રાજકુમારી સાથે છેડો ફાડી નાખ્યો. સઘળાં સંબંધો કાપી નાખ્યા. એટલે સુધી કે ‘વીર ભગત’ અખબારમાં જાહેરખબર પણ છપાવી કે, રાજકુમારી સાથે ગુપ્તાકુટુંબને કાંઈ લાગતુંવળગતું નથી.’
આ પ્રકારની અખબારી ઘોષણા અને ઉઘાડા બહિષ્કાર પછી પણ રાજકુમારી વિચલિત ન થઇ. પતિ મદનમોહને પણ હાથ અને સાથ છોડી દીધો, છતાં આઝાદીનો નારો રાજકુમારીએ ન છોડ્યો. સ્વરાજની લડત લડતી રહી. ગાંધીચીંધ્યા માર્ગે પણ અને ક્રાંતિકારી રાહે પણ. એ છડેચોક કહેતી કે, હું બહારથી ગાંધીવાદી છું અને અંદરથી ક્રાંતિકારી…!
ગાંધી અને ક્રાંતિ તથા હિંસા અને અહિંસાના સંગમસમી રાજકુમારી આઝાદી, ત્રિરંગા ધ્વજ અને ચરખા અંગે એક કવિતા ગણગણતી કે,
તિરંગા હૈ ઝંડા હમારા, બીચ ચરખા ચમકતા સિતારા
શાન હૈ એ ઈજ્જત હમારી, સિર ઝૂકતી હૈ હિન્દ સારી
ચાહે સબ કુછ ખુશી સે છોડના, વીરો ના ઝંડા ઝુકાના
ગોલિયોં કી ઝડી અબ લગ ગઈ થી, નીંવ આઝાદી કી પડી થી
આ કાવ્યપંક્તિઓ દોહારાવવાનું મન તમને પણ થાય છે ને?