Homeદેશ વિદેશબીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૧૦ વિકેટથી હરાવ્યું

બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૧૦ વિકેટથી હરાવ્યું

આ શું થયું ?: રવિવારે વિશાખપટ્ટણમના વાય. એસ. રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામેની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચમાં કંગાળ રીતે હારી ગયેલી ભારતની ટીમના બૅટ્સમૅનો શરમથી માથું નીચું ઢાળીને પેવિલિયનમાં પાછા ફરતા હતા એ દૃશ્યોનો કોમ્બો ફોટો. (પીટીઆઈ)

વિશાખપટ્ટણમ: વિશાખપટ્ટણમ ખાતે રમાયેલી સિરીઝની બીજી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ૧૦ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ ૨૬ ઓવરમાં ૧૧૭ રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ૧૧ ઓવરમાં ૧૨૧ રન બનાવીને ૧૦ વિકેટથી મેચ જીતી લીધી હતી. વિશાખપટ્ટણમમાં આ જીત સાથે કાંગારૂ ટીમે શ્રેણીમાં વાપસી કરી છે. તે પ્રથમ વનડે મુંબઈમાં હારી ગઈ હતી. હવે શ્રેણી ૧-૧થી બરાબરી પર આવી ગઈ છે. ત્રીજી અને છેલ્લી મેચ ૨૨ માર્ચે ચેન્નઈમાં રમાશે.મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી વનડેમાં ભારતને ૧૦ વિકેટે હરાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમનો નિર્ણય સાચો સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ ૨૬ ઓવરમાં ૧૧૭ રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ૧૧ ઓવરમાં ૧૨૧ રન બનાવીને મેચ જીતી લીધી હતી. મિશેલ માર્શ ૩૬ બોલમાં ૬૬ અને ટ્રેવિસ હેડે ૩૦ બોલમાં ૫૧ રન બનાવીને અણનમ રહ્યા હતા. માર્શે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. હેડે ૧૦ ચોગ્ગા ફટકાર્યા હતા. અગાઉ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ૧૦ ઓવરમાં ભારતની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ૧૧માંથી માત્ર ચાર બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા. વિરાટ કોહલીએ સૌથી વધુ ૩૧ રન બનાવ્યા હતા. અક્ષર પટેલે અણનમ ૨૯ રન બનાવી ટીમને ૧૦૦ રનની પાર પહોંચાડી હતી. રવિન્દ્ર જાડેજાએ ૧૬ અને રોહિત શર્માએ ૧૩ રન બનાવ્યા હતા. કેએલ રાહુલ નવ અને હાર્દિક પંડ્યા માત્ર એક રન બનાવી શક્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે પાંચ અને સીન એબોટે ત્રણ વિકેટ લીધી હતી. નાથન એલિસને બે સફળતા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -