ચાઇનીઝ દોરીને કારણે બનતા મોતના બનાવોને લઈને ગુજરાત હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. ચાઈનીઝ દોરી અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. ગુજરાત સરકારે આજે હાઈકોર્ટ સમક્ષ બીજીવાર સોગંદનામું રજૂ કર્યું હતું. હાઇકોર્ટે ગુજરાત સરકારને ચાઈનીઝ દોરીથી થતી દુર્ઘટના રોકવા જાગૃતિ અભિયાન ચલાવવા નિર્દેશ આપ્યા છે.
હાઇકોર્ટે જણાવ્યું કે, નાઈલોન કે ચાઈનીઝ દોરીમાં વપરાતા કાચનો ઉપયોગ અટકાવો. સ્કૂલ કોલેજોમાં જાગૃતિ ચલાવો. ચૂંટણી પ્રચાર વખતે લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય છે તેમ આના માટે પણ કરો. વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ પણ લાગૂ કરો. ગેરકાયદે વેચાણ અંગે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરો. મીડિયાએ પણ લોકજાગૃતિ અંગે પ્રયાસ કરવા જોઈએ.
હાઇકોર્ટે સરકારને હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે એલઇડી સ્ક્રીન પર લોકજાગૃતિનો પ્રયાસ કરો. જરૂરત પડે તો ઓટો રીક્ષા દ્વારા જાહેરાત કરી લોકજાગૃતિ લાવો. ટીવી ચેનલના માધ્યમથી લોકજાગૃતિ આવે તેવા પ્રયત્ન કરો.
હાઈકોર્ટે સરકરને સવાલ કર્યો હતો કે, કામ કાગળ પર છે કે કામગીરી થઈ, થઈ તો કેટલી? દરોડાની વિગતવાર માહિતી આપો. સોગંદનામામાં પણ કોઈ માહિતી અપાઈ નથી.