નાગપુર: મહારાષ્ટ્ર વિધાનમંડળના બંને ગૃહની કાર્યવાહી અનેક વખત ખોરવાઈ ગઈ હતી. વિપક્ષી સભ્યોએ વિધાનસભાના નાગપુરમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં સોમવારે રાજ્યના કૃષિપ્રધાન અબ્દુલ સત્તારના રાજીનામાની માગણી કરી હતી અને ગૃહનું કામકાજ ખોરવી નાખ્યું હતું.
અબ્દુલ સત્તાર દ્વારા મહાવિકાસ આઘાડી સરકારના કૃષિ પ્રધાન તરીકે પસાર કરેલા એક આદેશને મુદ્દે રાજીનામું માગવામાં આવ્યું હતું.
મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બેન્ચે ગયા અઠવાડિયે સત્તારને નોટિસ પાઠવીને જાહેર ઉપયોગ માટેની ગોચરની જમીન ખાનગી લોકોને હસ્તાંતરિત કરવાના નિર્ણયને નિયમિત કરવાના મુદ્દે નોટિસ પાઠવી હતી.
વિધાન પરિષદમાં એનસીપીના નેતા એકનાથ ખડસેએ કૃષિ ખાતા દ્વારા કુપનોના માધ્યમથી રૂ. ૧૫ કરોડ એકઠા કરવાનું કામ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. વિધાનસભામાં વિપક્ષી વિધાનસભ્યો ગૃહના મધ્યભાગમાં ધસી ગયા હતા અને સત્તારનું રાજીનામું માગ્યું હતું. એનસીપી, કૉંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષ દ્વારા સત્તારના રાજીનામાનો મુદ્દો ગૃહની અંદર અને બહાર પણ ઉઠાવવામાં આવ્યો હતો.
વિધાનસભામાં વિપક્ષી નેતા અજિત પવારે કહ્યું હતું કે રૂ. ૧૫૦ કરોડનું આ કૌભાંડ છે. સત્તારના આદેશથી અદાલતના આદેશનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમણે પદનો દુરુપયોગ કર્યો છે અને તેથી તેમણે રાજીનામું આપવું જોઈએ.
આ મુદ્દે ગૃહની કાર્યવાહી બે વખત ખોરવાયા બાદ બપોરે બે વાગ્યે આખા દિવસ માટે ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.
વિધાન પરિષદમાં શિવસેનાના નેતા અંબાદાસ દાનવેએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારે ધમાલ બાદ વિધાન પરિષદના ઉપસભાપતિ નીલમ ગોરેએ આખા દિવસ માટે કાર્યવાહી મોકૂફ રાખી હતી. (પીટીઆઈ)