રાહુલ ગાંધીએ આજે મંગળવારે લોકસભામાં તેમના ભાષણ દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજના અને અદાણી કેસને લઈને સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન અમે લોકોના મંતવ્યો સાંભળ્યા અને અમારી વાત પણ રાખી.
પ્રવાસ દરમિયાન અમે બાળકો, મહિલાઓ, વડીલો સાથે વાત કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે અમે યુવાનોને તેમની નોકરી વિશે પૂછ્યું તો ઘણાએ કહ્યું કે તેઓ બેરોજગાર છે અથવા કેબ ચલાવે છે. ખેડૂતોએ પીએમ-વીમા યોજના હેઠળ પૈસા ન મળવાની વાત કરી, આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવી. યુવાનોએ અગ્નિવીર યોજનાની પણ વાત કરી, યુવાનોએ કહ્યું કે અમને 4 વર્ષ પછી નોકરી છોડવાનું કહેશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓએ અમને જણાવ્યું કે અગ્નવીર યોજના આરએસએસ, ગૃહ મંત્રાલય તરફથી આવી છે, આર્મી તરફથી નહીં. તેમણે કહ્યું કે સેના પર અગ્નિવીર યોજના થોપવામાં આવી રહી છે. નિવૃત્ત અધિકારીઓએ કહ્યું કે યુવાનોને હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવશે અને પછી સમાજમાં પાછા જવા માટે કહેવામાં આવે છે, તેનાથી હિંસા ભડકશે. નિવૃત્ત અધિકારીઓને લાગે છે કે અગ્નિવીર યોજના સેના તરફથી નથી આવી, NSA અજીત ડોભાલે આ યોજના સેના પર લાગુ કરી.
કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં બેરોજગારી અને મોંઘવારી જેવા કોઈ શબ્દો નથી. તમિલનાડુ, કેરળથી લઈને હિમાચલ પ્રદેશ સુધી, દરેક જગ્યાએ આપણે એક જ નામ ‘અદાણી’ સાંભળતા આવ્યા છીએ. આખા દેશમાં ફક્ત ‘અદાણી’, ‘અદાણી’, ‘અદાણી’. અદાણી હવે 8-10 સેક્ટરમાં છે અને 2014 થી 2022 સુધીમાં તેમની નેટવર્થ $8 બિલિયનથી $140 બિલિયન સુધી કેવી રીતે પહોંચી.
રાહુલ ગાંધીએ કહ્યું કે આ સંબંધોની શરૂઆત ઘણા વર્ષો પહેલા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે થઇ. 2014માં મોદી દિલ્હી પહોંચ્યા ત્યારે અસલી જાદુ શરૂ થયો હતો. એવો નિયમ છે કે જેને એરપોર્ટ વિષેનો અગાઉ અનુભવ ન હોય તેને એરપોર્ટના વિકાસમાં સામેલ કરી શકાય નહીં. ભારત સરકારે આ નિયમમાં ફેરફાર કર્યો છે. છ એરપોર્ટ અદાણીને આપવામાં આવ્યા.
અદાણી પાસે સંરક્ષણ ક્ષેત્ર, ડ્રોન ક્ષેત્રનો કોઈ અનુભવ નથી. અદાણીએ ક્યારેય ડ્રોન બનાવ્યા નથી. ભારતની સરકારી કંપની HAL બનાવે છે. તે છતાં પીએમ મોદી ઈઝરાયેલ જાય છે અને અદાણીને કોન્ટ્રાક્ટ મળે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ઓસ્ટ્રેલિયા જાય છે અને જાદુથી SBIએ અદાણીને 1 અબજ ડોલરની લોન મળે છે. પછી તેઓ બાંગ્લાદેશ જાય છે અને બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડે અદાણી સાથે 25 વર્ષનો કરાર કર્યો. પહેલા અદાણી મોદીના વિમાનમાં જતા હતા, હવે મોદી અદાણીના વિમાનમાં જાય છે. રાહુલ ગાંધીએ ગૃહમાં ગૌતમ અદાણીનો ફોટો બતાવ્યો, જેના પર લોકસભા સ્પીકરે વાંધો ઉઠાવ્યો.