જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી મ.સા.
(ગયા અંકથી ચાલુ)
પાછા ગંગાને મળવાનો કોલ આપી અમે શ્રી શાંતિનાથપ્રભુનાં દેરાસર તરફ આગળ વધ્યા. ઋષિકેશ મોટું છે. લગભગ ૧૦ કિ.મી. પૃથ્વી ખંડમાં પથરાયેલું ઋષિકેશ ખરેખર ખૂબ સરસ છે. અમને તો હરિદ્વાર કરતાં ઋષિકેશ વધુ સારું લાગ્યું. ગંગાકિનારે ધ્યાન-જાપ માટે નિર્જન આરા-કિનારા ઘણા છે. આશ્રમો ઘણા છે. ૧૦-૧૦ માળનાં મંદિરોનો કોઈ તોટો નથી. આખું ગામ સહેલાણીઓથી ઊભરાય છે, જાણે મેળો જામ્યો હોય તેવું જ દૃશ્ય છે. હજારો લાખો માણસોની ભીડની વચ્ચે આનંદ માણનારા સાધકોને એ ખબર નથી વાસ્તવિક આનંદ શું હોય. એકવાર ઋષિકેશ આવીને ગંગા કિનારે આસન જમાવીને બેસો તો આનંદનો મહાસાગર ઊમટી પડશે. જેણે ગંગાનો સ્વાદ ચાખ્યો છે, તેઓ બીજે ક્યાંક જવા ઉત્સાહિત થતા નથી. ગંગામાં ગજબનું આકર્ષણ છે. ગજબનું કામણ છે.
ઋષિકેશમાં શ્રી શાંતિનાથપ્રભુનું શિખરબંધ દેરાસર છે. મુંબઈનાં એક જ ભાગ્યશાળી પરિવારે આખુંય દેરાસર નિર્માણ કર્યું છે. આજુ બાજુ ઉપાશ્રય અને રસોડું છે. અહીં શ્ર્વેતાંબર જૈનોનાં ૪ ઘરો છે. સંભાળ સારી રાખે છે. અમને તો અહીં પૂજારી ગમ્યો. નામ એનું ‘ટીકારામ’ આયા ગયાની સારસંભાળમાં જોટો ન જડે. વિનય વિવેક અને મધુરી વાણીથી સાધુ સંતોનું મન મોહી લે.
આજે મુંબઈથી સુશ્રાવક અનિલભાઈ આવ્યા છે અમારી યાત્રાની તૈયારીની ફરી એકવાર ચેકિંગ થઈ. હજું કઈ રહી જતું નથી ને? ખૂટતું વધતુ અનિલભાઈએ વ્યવસ્થા કરી આપી. એ સિવાય પણ કંઈ આવશ્યકતા હોય તો યાદ કરવાની વિનંતી કરી.
શ્રાવક શ્રાવિકાઓ વંદનાર્થે આવ્યાં. હિમાલય સંબંધી થોડીક જાણકારી વધુ પ્રાપ્ત થઈ. અમારી યાત્રા આવતીકાલથી ઉર્ધ્વયાત્રા થશે. ટ્રસ્ટીશ્રી વિજયભાઈએ કેટલાક અગવડ સગવડ, અનુકૂળતા-પ્રતિકૂળતાની વાત કરી. એ માટે અમારે શું તૈયારી કરવાની એની પણ ચર્ચા થઈ. એકંદરે સારું થયું.
ઋષિકેશમાં વિખ્યાત રામઝુલા, લક્ષ્મણઝુલા મુનિકીરેતી-શત્રુઘ્નમંદિરની મુલાકાત લઈને પાછા દેરાસર આવ્યા. પરમાત્માની ખૂબ ભક્તિ કરી. ‘પ્રભુ! અષ્ટાપદની યાત્રામાં આપ સાથે જ રહેજો…’ હો…
આજે વૈશાખ સુદ ૧૫ છે. આખું ઋષિકેશ ચંદ્રની ચાંદનીમાં ઝીલી રહ્યું છે. સુમસામ રાત્રિમાં સુનકાર વ્યાપ્યો છે. ક્યારેક કોઈક કૂતરા ભસવાનો અવાજ આવે છે. તો દૂરથી હાથીની ચિંઘાડ રાત્રિની નિવર શાંતિને ચીરી નાખે છે. બે ક્ષણમાં બધુ શાંત થઈ જાય. વળી કોઈક સાધુની અહાલેકનો પડધો અહીં સુધી પડે. દિવસે ભલે ઋષિકેશ માનવ સૃષ્ટિથી ઊભરાતું હોય પણ રાતના તો ગંગાનો ઘેરો નાદ હજુ વધુ ઘેરો બનીને હજાર હજાર ભૂતઘૂણતા હોય તેવો આભાસ ઊભો કરે છે. હિમાલયમાં દિવસ કરતાં રાત્રિ સૃષ્ટિની દિવ્યતા અલૌકિક હોય છે અને આજે તો વૈશાખી પૂનમ…. ચંદ્રની ચાંદનીને ઓઢીને અમે પણ હિમાલયની ગોદમાં એકાત્મગત થયા.
પહેલો દિવસ…
નરેન્દ્રનગર
વૈ.વદ ૧, મંગળવાર, ૧-૦૫-૨૦૧૮
શાંતિનાથપ્રભુને વિનંતી કરી, ‘પ્રભુ! આજે પ્રયાણ કરીએ છીએ, અષ્ટાપદની યાત્રા માટે, આપ હંમેશાં અમારી સાથે રહેજો.’ દર્શન કર્યા, માંગલિક કર્યું અને હિમાલય તરફની અમારી યાત્રાનું પ્રસ્થાન થયું. આજે પહેલો દિવસ છે. ૧૬ કિ.મી.નો વિહાર છે. ૨ કિ.મી. ચાલ્યા પછી તળેટી આવી. આગળ છેક સુધી રોડ ઉપરને ઉપર જતો હતો. અમારે પણ તેને અનુસરીને જ આગળ વધવાનું હતું. જેમ જેમ ઉપર જતા ગયા, તેમ તેમ અમે માર્ગના વળાંકોના વહેંણમાં વહેતા ગયા. સૂકી નદી પાર કરતા જ અડાબીડ જંગલ ચાલુ થઈ ગયું. લગભગ ર કિ.મી. આગળ ચાલ્યા ત્યાં તો આખુંય ઋષિકેશ અમને વળાવવા પાછળ ઊભું હતું. એક તરફ સૌભાગ્યવતી ગંગાએ સુવર્ણકિરણોથી સુવર્ણચંદ્રક કર્યું. એક તરફ બીહડ વનનાં વૃક્ષોએ ભાવભર્યું અભિવાદન કર્યું. દૂર દૂર ધરતી પર નજર કરી તો અડધી ધરતી પર જંગલ અને અડધી ધરતી પર ઋષિકેશનું આધિપત્ય આનંદની છોળો ઉછાળતું હતું… અમે આગળ આગળ ચાલતા ગયા, ટ્રાફિકનું નામ નિશાન નથી. એકાદ જીપગાડી ક્યારેક આવે તો આવે. ચિત્રવિચિત્ર વનવૃક્ષોને જોતા આગળ વધ્યા, વચ્ચે વચ્ચે રોડનું કામ ચાલુ હતું. આજે ‘વિશ્ર્વ મજૂર’ દિવસ છે. બધા મજૂરો આરામ કરશે. કામ બંધ અહીં પણ કામ બંધ છે. મજૂરોને અહીં આવ્યા પછી ખબર પડી કે આજે રજા છે. લગભગ ૯ કિ.મી. શિવાલિક પર્વતશ્રેણીમાં ચાલ્યા ત્યાં ઉપર ગાડીઓનો અવાજ આવતો હતો. તેનો એ જ અર્થ એ કે આ રો ફરીને ઉપર જ આવે છે.
બાજુમાં મજૂરો મોં વકાશીને ઊભા હતા. મોં ઉપર એક જ ભાવ તરતો હતો, ‘જો આજે રજા હતી તો અમને શા માટે જાણ ન કરી? કાલે સાંજે જ કહી દીધું હોત તો અમે આવત નહીં.’ પરસ્પર કંઈક ચર્ચા ચાલતી હતી. પાછા જવાની તૈયારીમાં હતા. ત્યાં અમે પહોંચ્યા. અમે રસ્તો પૂછ્યો ‘ઉપર રોડ છે ત્યાં અહીંથી સીધા જવાય?’ તેમણે કહ્યું, ‘ઉપર રોડ તો છે, રસ્તો પણ છે પણ અમે અડધા રસ્તા સુધી જ ગયા છીએ. આગળ ખબર નથી.’ અમે કહ્યું, ‘કંઈ નહીં રોડ ઉપર જ તો દેખાય છે ત્યાં પહોંચવું છે બસ. અડધો રસ્તો તો છે, અડધો અમે ગમે તેમ કરીને પહોંચી જઈશું. રોડ કેટલો ફરીને આવે? એ કરતા તો અહીં ઓછું ચાલવું પડશે અને જલદી પહોંચાશે.’ માણસોમાંથી એકે કહ્યું, ‘પણ સ્વામીજી! ઈધર ભાલુ હોગા, આપ મત જાઈએ ઈસ રાસ્તેસે’ત્યાં વળી કોઈક બોલ્યું ‘ભાલુ બાલુ કુછ નહીં, પરંતુ રાસ્તા કઠીન હૈ, ચલ નહીં પાઓગે.’ છેલ્લે અમે કાચા રસ્તાથી જ ઉપર જવાનું નક્કી કર્યું. એમાં એક મજૂર અડધા સુધી રસ્તો બતાવવા આવ્યો. તે પછી ઉપર રોડ દેખાતો હતો એ તરફ સીધા જવાનું સૂચવીને તે પાછો વળ્યો. સૂચના આપતો ગયો કે બધા એક સાથે જ રહેજો, કોઈ જાનવર આવે તો વાંધો નહીં. એટલામાં એક શિયાળિયું દોડી ગયું, ને ચાર જંગલી મરઘા આમ તેમ સરકી ગયા, એ પાછો વળ્યો, અમે આગળ વધ્યા. થોડાક આગળ ચાલ્યા ત્યાં તો એકદમ લાલ રેતીનાં ટેકરા પર સીધું ચઢાણ આવ્યું. રોડ ઉપર કામ ચાલતું હતું. પથ્થર તોડીને પથ્થર અને માટી આ બાજુ નાખતા હતા એટલે છેક રોડ સુધી માટી જ માટી. પગ મૂકો ત્યાં લપસી પડાય, ચાર ડગલા ૪ પગે ઉપર ચડો ત્યાં ૩ ડગલાં નીચે આવી જવાય. અમે રસ્તો બદલ્યો. એકદમ કિનારે કિનારે થોડોક પગ ટેકવતા ટેકવતા માંડ માંડ ઉપર ચડ્યા. છેલ્લે ૧૦ ફૂટ બાકી હતું ત્યાં તો કેમેય ચડાય નહીં થોડો પગ ચૂક્યા તો ૨૦૦ ફૂટ નીચે સીધા જંગલમાં મુનિ આનંદમંગલ વિ. હિમ્મતપૂર્વક આગળ વધી રહ્યા હતા, પણ એમના પગથી છટકેલા પત્થરોથી અમારે બચવાનું હતું. એક તરફ જંગલ-બીજી તરફ જાનવરનો નકલી ભય. ત્રીજી તરફ આ પત્થર અને માટીનો મહાકાય ઢગલો. સાવ સીધું ચઢાણ અને
આગળ ચઢતા મુનિનાં ચરણમાંથી પ્રગટ થતા આ શીલા ખંડોએ વિષમતાને નવો વળાંક આપ્યો. જો કે મારા પગમાંથી છટકેલો પત્થર પાછળ આવતા સ્વર્ણકલશ મ.ને પગમાં ખૂબ જોરથી લાગ્યો. પત્થર ગબડતો દેખાય પણ, ચાર પગે ચઢતા થોડું પણ બેલેંસ ચૂકી જવાય તો પત્થર પહેલા આપણે નીચે પહોંચી જઈએ જો કે સ્વર્ણકલશ મ.સા.ના પગથી છૂટેલા પત્થરો છેક નીચે રોડ સુધી ગબડતા હતા. મુનિ રત્નયશ મહારાજ અને કલ્પ તો ઉપર પહોંચી ગયા, થોડી વારમાં આનંદમંગલ મહારાજ પણ પહોંચી ગયા. રહ્યા અમે બે, હું અને સ્વર્ણકલશ મહારાજ, અમે પહેલાથી જ પાછળ હતા. ઉપર લાભુભાઈ પાછા આવ્યા હતા. પ્લાસ્ટિકની દોરી કાઢીને ઉપરથી લટકાવી બસ દોરી પકડીને અમારું ટ્રેકિંગ ચાલુ થયું. હાથમાં પ્લાસ્ટિકની મજબૂત દોરી પકડી. ઉપર વધારે તો ચઢવાનું ન હતું. ૧૫ ફૂટ લગભગ હશે. પણ પગ જામે તેવી એક પણ જગ્યા નહીં. વિચાર્યું દોરી પકડીને લટકી જઈએ ઉપરથી આપણને ખેંચી લેશે, પણ એ શક્ય નથી આ કંઈ દોરડો નથી દોરી છે. એનો ભરોસો કરાય નહીં. છતાં હિમ્મત કરવી જ રહી. હિમાલયે આજે પહેલા જ દિવસે પ્રભાવ બતાવવાનો પ્રારંભ કરી દીધો. પણ, અમે ડરીએ તેમ હતા જ ક્યાં? સંભાળી સંભાળીને બડી સાવધાનીથી એક એક કદમ