ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
(ભાગ- ૧)
કુદરતના રંગમંચ પર જાણે સુંદર દ્રશ્યોની ઝાકમઝોળ છવાઈ હોય, એક પછી એક વિવિધ રંગો તેના પોતીકા અલગ અલગ હાવભાવમાં ભજવાતા હોય એવા લદ્દાખના આ વિષમ અને શુષ્ક તો અમુક જગ્યાએ એકદમ રફ અને ધૂળિયા છતાં રોમાંચક રસ્તાઓ જાણે કુદરતનાં અલાયદા કોઈ ઓપન થિયેટરમાં આપણી વાચા છીનવી લે એવી નેચરલ ડોક્યુમેન્ટરી જોતા હોય એવો આભાસ અપાવી જાય. કુદરતની ભવ્યાતિભવ્ય સિનેમેટોગ્રાફી જોઈને કોઈ ને પણ બાકી સઘળું વ્યર્થ લાગવા માંડે. લદ્દાખને ખા-પા-ચાન પણ કહેવામાં આવે છે જેનો અર્થ થાય હિમભૂમિ. સમુદ્રની સપાટીથી ૧૪૦૦૦ ફૂટ ઊંચાઈ પર સ્થિત ટ્રાન્સ હિમાલયમાં આવેલ કારાકોરામ, લદ્દાખ અને ઝંસ્કાર પર્વત શ્રેણીનો વિસ્તાર કુદરતના કરતબોની દરેક જીવમાત્રને ચોક્કસથી ભેટ આપે છે. કુદરતનાં વિશાળ કેનવાસ પર કંડારેલા પેઇન્ટિંગ્સ નજરે નિહાળીને કોઈપણ વ્યક્તિ જિંદગીની દીવાલો પર સુંદર રીતે સજાવીને યાદગાર ક્ષણોની દીવાલ સજાવી શકે છે.
આમ જોઇએ તો લદ્દાખ શબ્દ બે શબ્દો પર થી બનેલો છે, ‘લા’ નો અર્થ – પર્વતીય પાસ અને ‘દાખ’ એટલે – દેશ. ટ્રાન્સ હિમાલય તરીકે ઓળખાતો આ વિસ્તાર એટલે ઠંડુ રેગિસ્તાન. અનેક હિમનદીઓના ઉદ્દભવ સ્થાન એવા લદ્દાખમાં જાણે કુદરતે એના પેઇન્ટિંગ્સનું એકિઝબિશન માંડ્યું હોઈ. મૂળ રીતે તો લદ્દાખ ક્ષેત્ર અનેક બૌદ્ધ મઠ અને પરંપરાગત ગોમ્પાની ભૂમિ છે. લદ્દાખના દરેક ગામ અને વસ્તીમાં વિવિધ મોનેસ્ટ્રીઝ આવેલ છે. ઠંડી શુષ્ક હવામા શાંતિનો સંદેશો ફેલાવતા એકદમ રંગબેરંગી ફ્લેગ્સ, લાલ રંગોનાં વસ્ત્રોમાં સજજ લામાઓ અને એમાં પણ લિટલ લામાઓ, વિવિધ મોનાસ્ટ્રીઓ અને સ્તૂપ જોઈને એમ જ લાગે આપણે તથાગતના પ્રદેશમાં ભૂલા પડયા છીએ અને હમણાં જ કોઈ રસ્તાના અણધાર્યા વળાંક પર સુંદર સ્મિતવાળા એ ચહેરાનો ભેટો થઈ જશે જેને હંમેશાં આપણે આપણી કલ્પનામાં જોયા છે. લદ્દાખને મોનાસ્ટ્રીઓની ભૂમિ કહેવામાં આવે છે. ત્યાંની ઊંચી પહાડીઓ પર વસેલા દરેક ગામ અને વસ્તીમાં ગોમ્પા – બૌદ્ધમઠ દૂરથી જ દ્રષ્ટિગોચર થઈ જાય છે. જયાં લામાઓ દ્વારા બોદ્ધ પરંપરાના શાંતિ સંદેશનો વારસો આવનારી પેઢી માટે સાચવી રાખવામાં આવ્યો છે. બૌદ્ધ પરંપરાની ઝાખી કરાવતાં નાના- મોટા સ્તૂપોના બાંધકામ, વાસ્તુકલા અને સંસ્કૃતિ વૈવિધ્યસભર છે.એકાંત વાસ્તવમાં શું છે એ જાણવા અને સમજવા માટે ભગવાન બુદ્ધના અનુભવ માટે જીવનમાં એકવાર લદ્દાખની મોનેસ્ટ્રીનું સાનિધ્ય ચોક્કસપણે માણવું જ રહ્યું. હું કેમેરા લઈને આ મોનેસ્ટ્રીઝમાં ઉત્સુકતાથી ફર્યો છું અને અહીં મને ગજબ શાંતિનો એહસાસ હંમેશાં જ થયો છે. આપણે શબ્દો અને છબીઓ દ્વારા લદ્દાખની કેટલીક ફેમસ મોનેસ્ટ્રીઝને એક્સપ્લોર કરીએ.
જી સ્તકના મોનેસ્ટ્રી
સ્તકના ગોમ્પા જેનો શાબ્દિક અર્થ થાય છે ‘વાઘનું નાક’. સિંધુતટ સ્થિત આ મઠની પહાડીનો દેખાવ વાઘના નાક જેવો પ્રતીત થાય છે. આ મઠ પરથી સિંધુના અવિરત પ્રવાહનો આહલાદક આનંદ માણી શકાય. એમ લાગે જાણે આળસ મરડીને બેઠેલો હિમાલય અને વાદળો સાથે સિંધુનો વાર્તાલાપ થઈ રહ્યો છે. વ્યોમના રંગોમાં રંગાવા મથતી સ્તોક પર્વતશ્રેણીની ગોદમાં આવેલ સ્તકના મઠ એની આગવી સુંદરતા માટે વિશ્ર્વપ્રસિદ્ધ છે. અહીંથી સિંધુ નદીના વળાંકો, હિમાલયનાં ઉત્તુંગ શિખરો, વાદળોની સૂરજનાં કિરણો સાથેની સંતાકૂકડી અને દૂર સિંધુ તટ પર ભવ્યાતિભવ્ય થીક્સે મઠ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મોનેસ્ટ્રીની એન્ટ્રી પર સિંધુ પર હિલોળા લેતો એક લાકડાનો જૂનો
પુલ છે અને બાજુમાં એક લોખંડનો પુલ છે જેના પર લખ્યું છે કશલવિં દયવશભહય ભફક્ષ ાફતત ફિં ફ શિંળય. લાકડાંની પુલ પર એક સમયે એક જ હળવું વાહન જઈ શકે એ સંદર્ભમાં લખેલ આ અદ્ભુત વાક્ય આ જગ્યા જાણે એમ કહેવા માગે છે કે ઈર્ષા, લોભ જેવા તત્ત્વો સાથે તમે તથાગતની શરણોમાં નહીં આવી શકો. આ પુલ પરથી સિંધુના વહી જતા પ્રવાહની સાથે સાથે જાણે સિંધુ સંસ્કૃતિની સભ્યતામાં આપણે પણ ઊંડા ખોવાઈ જઈએ એવી અનુભૂતિ અહીં થાય છે. મોનેસ્ટ્રીના આસપાસનાં દ્રશ્યો કણકણમાં ઈશની અનુભૂતિ કરાવે એવા છે. અહીં સિંધુ નદી જ આકારનો તીવ્ર વળાંક લે છે. દૂરથી જોનારા બે ઘડી અવાચક થઈ જાય એવું દ્રશ્ય જોઈને કોઈ પણ વ્યક્તિ આ દ્રશ્યને કેમેરામાં કંડારવાનું ભૂલતું નથી. પોતાની ધૂનમાં વહેતી સિંધુ જાણે ઘડી ભર ધીમી પડી શાંતિનો સંદેશો તેના જળમાં ભેળવીને શાંતિ અને પ્રેમનું અમૃતપાન કરાવવા તેની ધૂનમાં પાછી ચાલી નીકળી. સ્તકના મઠની સ્થાપના ૧૬મી શતાબ્દીમાં ભુતાની વિદ્વાન અનસંત ચોસજે જામ્યાગ પાલકર દ્વારા કરવામાં આવી હતી. મઠમાં આર્ય અવલોકિતેશ્ર્વરની પવિત્ર પ્રતિમા આવેલ છે જે બનાવવા માટે આસામના કામરૂપના લોકો દ્વારા દાન કરવામાં આવ્યું હતું. મુખ્ય ભાગની જમણી બાજુ ૭ ફૂટ ચાંદીનું વરખ ચડાવેલ ચોર્ટેન એટલે કે સ્તુપ પણ છે, યાત્રાળુઓ તેની આજુબાજુ ઊભા રહે છે અને અહીં તેમના મંત્રોનો પાઠ કરવામાં આવે છે. અહીં સુંદર ભીંતચિત્રો છે. મઠની બીજી નોંધપાત્ર વિશેષતા તેના મુખ્ય વરંડામાં સ્ટફ્ડ લ્હાસા અપ્સો છે. સ્થાનિક એવું કહે છે કે આ સ્ટફ્ડ કૂતરો એક સમયે મઠના પ્રારંભિક લામાનું પ્રિય હતું.
જી થિકસે મોનેસ્ટ્રી
કતારબદ્ધ મનમોહન અંદાજમાં ઊભેલા પર્વતો વચ્ચેથી તીવ્ર વળાંકો લેતા મનોરમ્ય રસ્તાઓ પરથી પસાર થતા કુદરતના અકલ્પનિય કરતબો માણતા માણતા સ્તકના મઠથી સિંધુ નદીના આ કિનારે થિકસે મઠ પહોંચીએ. આ રસ્તા પર દૂરથી મઠની ઝલક મેળવી શકાય. સામાન્ય રીતે મોટા ભાગના મઠ પહાડીની ટોચ પર જ બાંધેલા હોઈ છે. જેથી તેને ખૂબ દૂરથી પણ જોઈ શકાય. થિકસે મોનેસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ એના વાઈબ્રન્ટ કલર્સ કોઈપણનું મન મોહી લેવામાં સક્ષમ છે. મોનેસ્ટ્રીની મોર્નિંગ પ્રેયરની મુલાકાત કોઈ બદનસીબ વ્યક્તિ જ ચુકી શકે. સાવ જ અનોખા પ્રકારના ટ્ર્મપેટ જેવા વાદ્ય વડે સવારની આરાધના માટેનો બેલ વગાડવામાં આવે જેનો ધ્વનિ ચોતરફ વાતાવરણમાં ગૂંજી ઊઠે. પ્રેયરહોલમાં નાની-મોટી બધી જ ઉંમરના લામાઓ એકસાથે મળીને લદાખી ભાષામાં મંત્રોચ્ચાર કરે એ સમયે ચોક્કસથી થોડીવાર માટે આપણે દુનિયાથી અલિપ્ત થઈ જઈએ. આમ તો કોઈ પણ પ્રાર્થનામાં કોઈપણનાં હૃદયનાં તાર ઝણઝણાવી શકવાનું સામર્થ્ય હોય જ છે પણ અહીંની પ્રાર્થનાનો ઓરા કંઈક અલગ જ ક્ષમતા ધરાવે છે. આ મોનેસ્ટ્રીમાં એક મોટું પ્રેયર વ્હીલ છે. બૌદ્ધ માન્યતા અનુસાર આ વ્હીલને ઘડિયાળના કાંટાની ગતિમાં ફેરવવાનું હોઈ છે જે તમારા જીવનને હકારાત્મકતા અને ઉર્ધ્વ તરફ દોરી જાય છે. થિકસે મઠના બાર માળ છે. મોનેસ્ટ્રીની છત પરથી સ્તોક અને ઝંસ્કાર રેંજનો વ્યુ ખૂબ જ સુરમ્ય છે. કાન પાસેથી સૂસવાટા મારતો પવન નીકળતો હોય, પ્રેયર ફ્લેગ્સ હવામાં લહેરાતા હોય અને મોનેસ્ટ્રીની ટોચ પરથી સામેની બાજુની પહાડીની ટોચ પાછળથી નીકળતા આદિત્યને જોવો જિંદગીનો એક અનન્ય લહાવો છે. અહીં મૈત્રેય બુદ્ધાની (રીિીંયિ બીમમવફ) ૧૫ મીટર ઊંચી પ્રતિમા છે. અર્ધ ખુલ્લી આંખે ધ્યાનની કોઈ મુદ્રામાં આ મોહક પ્રતિમા ૧૪માં દલાઈ લામાની અહીંની મુલાકાતની યાદગીરી રૂપે બનાવવામાં આવી છે. આ મઠનું બાંધકામ અને સ્થાપત્ય તિબેટના પટોળા પેલેસને મળતું આવે છે. આ ઉપરાંત અહીં તારા દેવીને સમર્પિત તારાદેવી મંદિર પણ આવેલ છે. મઠની દીવાલો પર બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપતા ખૂબ જ જૂના ભીંતિચિત્રો, થાનગક આર્ટ પણ દાદ માગી લે એવા છે. અહીં બેસીને ક્ષણભર માટે ‘ઓમ મણિ પદ્મે હુમ’નું મનોમન પઠન જીવનનો શ્રેષ્ઠ અનુભવ બની જશે.
જી શેય મોનેસ્ટ્રી
ઊબડખાબડ પથ્થરોવાળી પહાડી વચ્ચે ઊભેલો ભવ્ય શેય પેલેસ અને મઠ હાલમાં આર્કેલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંરક્ષણ હેઠળ છે. લાંબી કતારબદ્ધ હારમાં સીડીઓ પર પ્રેયરવ્હીલ ગોઠવેલા છે અને ઉપર નજર કરીએ તો રંગબેરંગી પ્રેયર ફ્લેગ્સ અને વાદળોએ પવન સાથે રમત રમતા રમતા નાચી રહ્યા હોઈ એવું લાગે. થોડી સીડીઓ ચડીને ઉપર પહોંચતા એક મુખ્ય ચોર્ટન જોવા મળે. તેની આસપાસ બહુ બધા પ્રેયર ફ્લેગ લગાવેલા છે. જૂના લાકડાના સુંદર કોતરણીવાળા સ્તંભો અને નાની નાની ગલીઓ માંથી પસાર થતા આ મઠનો મુખ્ય પ્રાર્થનાખંડ આવે જેમાં શાકયમુનિ બુદ્ધાની ૩૯ ફૂટ ઊંચી સોના અને તાંબાથી બનેલી પ્રતિમા છે. આ પ્રતિમા મઠના ત્રણ માળમાં વિરાજમાન છે. સૌથી ઉપરના માળ પર મુખાકૃતિવાળા ભાગ સાથે આસપાસ સુંદર ભીંત ચિત્રો છે. નીચેના માળ પર નાના ભંડારમાં કેટલીક જૂની પાંડુલીપી સચવાયેલી છે. ઉપરના માળ પર સમગ્ર વર્ષ દરમિયાન ઘીથી પેટાવેલો દીવો સતત પ્રજ્વલિત રહે છે. મૂળ રીતે જે શેય પેલેસ હતો એ હાલ ખંડેર અવસ્થામાં છે, હાલનો મઠ એ ૧૬૫૫ માં ડેલડન નામગ્યાલ દ્વારા તેમના પિતા સંગગે નામગ્યાલની યાદમાં બનાવાયેલ છે. ભૂતકાળમાં શેય પેલેસ એ લદ્દાખનું સમર કેપિટલ હતું. અહીં વર્ષ દરમિયાન બે ખૂબ જ રસપ્રદ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. અહીં વાવણીના સમયે શેય ડુ લહુ અને લણણીના સમયે શેય રૂપલા જેવા તહેવારો ઉજવાય છે જેમાં તમે લોકલ ફોક ડાન્સ અને લોકલ ફૂડને માણી શકો છો.
લદાખ એ માત્ર સુંદરતા જ નહીં પણ અહીં સદીઓ પહેલા પહોંચેલી અને સચવાયેલી બૌદ્ધ ધર્મનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા માટે જાણીતી છે. અહીંની શાંતિ અને સૌમ્યતા કોઈને પણ તથાગતની આંગળી પકડીને વૈશ્ર્વિક શાંતિના માર્ગે ચાલતા શીખવે છે.