મચી ગયો હડકંપ
રાજસ્થાનના જયપુરમાં યોજના ભવનની એક સરકરી તિજોરીમાંથી કરોડો રૂપિયાની નગદ અને એક કિલો સોનું મળી આવતા હડકંપ મચી ગયો છે અને આ મામલે 8થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. યોજના ભવનના ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી વિભાગના ભોંયરામાં રાખવામાં આવેલા કબાટમાંથી 2 કરોડ 31 લાખ 49 હજાર 500 રૂપિયાની રોકડ મળી આવી છે. આ ઉપરાંત બેગમાંથી 1 કિલો સોનાના બિસ્કિટ્સ પણ મળી આવ્યા છે. આ ઘટસ્ફોટ બાદ સનસનાટી ફેલાઈ ગઈ છે. મામલાને ગંભીરતાથી લઈને જયપુર કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં વિભાગ સાથે જોડાયેલા 8 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
અહીંના પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ” જ્યારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગની જૂની ફાઈલોને ઓનલાઈન મૂકવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે આ બાબત પ્રકાશમાં આવી હતી. તમામ જૂની ફાઈલોને કબાટમાંથી બહાર કાઢવામાં આવી રહી હતી. આ દરમિયાન ભોંયરામાં રાખવામાં આવેલા બે કબાટ ખોલવામાં આવ્યા હતા. એક કબાટમાંથી ફાઈલો બહાર આવી હતી પરંતુ બીજા કબાટમાંથી પૈસાનો ખજાનો બહાર આવ્યો હતો. આ કબાટમાંથી રૂ. 2.31 કરોડથી વધુની રોકડ અને એક કિલોથી વધારે સોનું મળી આવ્યું છે. રોકડમાં 2,000 અને 500ની નોટની થોકડીઓ છે. પોલીસે માહિતી મળતાં જ આ વિભાગ સાથે સંકળાયેલા અને કેરટેકર સહિત આઠથી વધુ લોકોની અટકાયત કરી હતી. હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જે હાલતમાં રોકડથી ભરેલી બેગ મળી આવી છે, એનાથી એ સ્પષ્ટ થાય છે કે આ બેગ કબાટમાં ઘણા દિવસોથઈ રાખવામાં આવી હતી. આટલી મોટી રકમ અને આટલું બધુ સોનું અહીં ક્યારે અને કેવી રીતે આવ્યું એ ગંભીર તપાસનો વિષય છે. વધુ તપાસ માટે સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.