(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ ખનીજનું ગેરકાયદે ખનન કરી કરોડોના કાળા કારોબારની ફરિયાદ ઉઠી હતી. જેના પગલે જિલ્લા કલેકટરની સૂચનાથી તંત્રના ખનીજ વિભાગની ટીમ દ્વારા થાન, સાયલા, મુળી પંથકમાં મેગા ઓપરેશન હાથ ધરતા કરોડો રૂપિયાની ખનીજચોરી પકડાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ખનીજ વિભાગની ટીમ સાથે લીંબડી પ્રાંત અધિકારી, થાન, સાયલા, મુળી મામલતદારો, ડીવાયએસપી, પોલીસકર્મીઓ, ફોરેસ્ટ અધિકારીઓ, વીજ વિભાગની ટીમો ત્રણે તાલુકા વિકાસ અધિકારી સહિત ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોર્ડની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં થાન તાલુકાના જામવાળી, ભડુલા, ગુગલીયાણા, ખાખરાળી જેવા વિસ્તારોમાંથી જમીનમાં ગેરકાયદે ખાડા ખોદી કઢાતા કાર્બોસેલ ખનીજના કેટલાય ખાતાઓ પરથી ચરખીઓ, ટ્રેક્ટરો, લોડરો, જનરેટરો, કમ્પ્રેસરો સહિતના વાહન તેમજ સાધન સામગ્રી મળી આવી હતી. સાયલાના ચોરવીરા (થાન) વિસ્તારમાં તંત્રની ટીમ દ્વારા સ્થાનિક તંત્રની રહેમનજર હેઠળ ચાલતા કોલસાના ખાડાઓ પર તવાઈ બોલાવતા ચરખીઓ, વાહનો ઝડપી લેવાયા હતા. તંત્રના મેગા ઓપરેશનની કાર્યવાહીમાં કરોડોની કાર્બોસેલ ખનીજચોરી ઝડપાઇ હતી.