મુંબઈ: મુંબઈમાં શરૂ થયેલી શ્રદ્ધા વાલકરની લવ સ્ટોરીના દિલ્હીમાં થયેલા ભયંકર અંજામની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. પોલીસ તપાસમાં જણાયું હતું કે પ્રેમના વાયદા કરનારો આરોપી આફતાબ અમીન પૂનાવાલા શ્રદ્ધાના શરીરના ટુકડા ઘરમાં હતા એ સમય દરમિયાન જ બીજી યુવતી સાથે રોમાન્સમાં ગળાડૂબ હતો.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ૨૮ વર્ષનો પૂનાવાલા લગભગ ત્રણ વર્ષ અગાઉ એક ડેટિંગ ઍપના માધ્યમથી શ્રદ્ધાના સંપર્કમાં આવ્યો હતો. મુંબઈના મલાડ વિસ્તારના કૉલ સેન્ટરમાં કામ કરનારી શ્રદ્ધા અને પૂનાવાલા પહેલી વાર મુંબઈમાં જ મળ્યાં હતાં અને ત્યાંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી.
કહેવાય છે કે એ જ ઍપના માધ્યમથી પૂનાવાલા બીજી યુવતીના પણ સંપર્કમાં હતો. મેના બીજા પખવાડિયામાં પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના શરીરના ૩૫ ટુકડા કર્યા હતા. આ ટુકડા તેણે ઘરના ફ્રિજમાં રાખ્યા હતા. સમયાંતરે તેણે શરીરના ટુકડા ઘર નજીકના જંગલમાં ફેંક્યા હતા.
જોકે આ સમય દરમિયાન તે બીજી ગર્લફ્રેન્ડને મળતો હતો અને તેને પોતાના ઘરે પણ બોલાવતો હતો. જે દિવસે ગર્લફ્રેન્ડ ઘરે આવવાની હોય ત્યારે ફ્રિજમાંથી શરીરના ટુકડા કાઢી તે કબાટમાં સંતાડી દેતો હતો અને કબાટ લૉક કરી રાખતો હતો. શ્રદ્ધાના શરીરના ટુકડા કબાટમાં હતા ત્યારે જ આફતાબ તેની ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સમાં મશગૂલ થઈ જતો હતો. ગર્લફ્રેન્ડના ગયા પછી તે ફરી ટુકડા ફ્રિજમાં રાખી દેતો હતો અને એક ખાસ પ્રકારના કેમિકલથી કબાટમાં સાફસફાઈ કરતો હતો, જેથી જરૂર પડ્યે પોલીસને ડીએનએ સૅમ્પલ મેળવવામાં મુશ્કેલી પડે, એમ પોલીસ તપાસમાં જણાયું હતું.
આફતાબ હજુ કેટલી યુવતીઓના સંપર્કમાં હતો અને મહરૌલીના તેના ફ્લૅટમાં કેટલી યુવતીઓ આવતી હતી તેની તપાસ પોલીસ કરી રહી છે. આ માટે પોલીસ ડેટિંગ ઍપ પરના આફતાબના પ્રોફાઈલની પણ તપાસમાં લાગી છે. બીજી યુવતીને કારણે આફતાબે શ્રદ્ધાનો કાંટો કાઢ્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
પડોશીઓએ પોલીસને આપેલી જાણકારી અનુસાર આફતાબના ઘરમાં અનેક વાર પાર્ટી જેવો માહોલ રહેતો હતો અને ઘણી યુવતીઓની તેના ઘરે આવજા થતી રહેતી. વળી, ત્રણથી ચાર દિવસમાં જ પાંચથી છ યુવતી આફતાબના ઘરે આવી હોવાનું પડોશી દ્વારા પોલીસને જાણવા મળ્યું હતું.
———–
શ્રદ્ધાની હત્યા માટે જ પૂનાવાલા દિલ્હીમાં રહેવા ગયો?
મુંબઈ: શ્રદ્ધાની હત્યા કરવાને ઇરાદે જ આરોપી આફતાબ અમીન પૂનાવાલા દિલ્હી રહેવા ગયો હોવાની શક્યતા પોલીસ સેવી રહી છે. પોલીસ તપાસમાં જણાયું હતું કે શ્રદ્ધા અને પૂનાવાલાને ફરવાનો શોખ હતો. દિલ્હી જતાં પહેલાં આ યુગલ હિમાચલ પ્રદેશ ગયું હતું, જ્યાં તેમની ઓળખાણ બદ્રી નામના શખસ સાથે થઈ હતી. બદ્રી નવી દિલ્હીના છત્તરપુર ખાતેનો રહેવાસી છે અને તેના કહેવાથી જ આફતાબ નવી દિલ્હી રહેવા તૈયાર થઈ ગયો હતો. શ્રદ્ધાની કરપીણ હત્યાના થોડા દિવસ પહેલાં જ શ્રદ્ધા અને આફતાબ છત્તરપુર ખાતેના મહરૌલી સ્થિત ભાડેના ફ્લૅટમાં રહેવા આવ્યાં હતાં. શ્રદ્ધાની હત્યાનું કાવતરું પૂર્વનિયોજિત હતું અને હત્યાને ઇરાદે જ આફતાબ એ ફ્લૅટમાં રહેવા આવ્યો હતો કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. પૂનાવાલાએ ઘર નજીકની જે ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી શ્રદ્ધાની હત્યા પહેલાં પચીસ હજાર રૂપિયામાં ફ્રિજ ખરીદ્યું હતું તેના માલિકની પણ પૂછપરછ કરી હતી.