Homeવીકએન્ડદક્ષિણ આફ્રિકામાં ‘ઘઉં’વર્ણી પ્રજા પિસાઈ રહી છે

દક્ષિણ આફ્રિકામાં ‘ઘઉં’વર્ણી પ્રજા પિસાઈ રહી છે

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

ભારતીયો વર્ષોથી એક ચોક્કસ પ્રકારના ‘કન્ડિશનિંગ ઓફ માઈન્ડ’નો શિકાર છે. જરા જુદી રીતે કહીએ તો આપણે ધોળી ચામડીના પ્રભાવમાં બહુ ઝડપથી આવી જતા હોવાને કારણે અમુક વિદેશી સર્વેને બહુ ગંભીરતાથી માથે ઓઢી લઈએ છીએ. હંગર ઇન્ડેક્સ, હેપ્પીનેસ ઇન્ડેક્સ કે ક્રાઈમ ઇન્ડેક્સને નામે થતા સર્વે જાણે આપણને નીચા દેખાડવા માટે જ થતા હોય, એ રીતે રજૂ થતા હોય છે. હા, એ વાત ખરી કે ભારતમાં કાયદો અને વ્યવસ્થા, બેકારી, ભૂખમરો, પ્રાંતવાદ કે ધાર્મિક કટ્ટરતા બાબતે ‘આદર્શ’ પરિસ્થિતિ નથી જ. પણ એનો અર્થ એવો ય નથી કે બીજા દેશોમાં બધું સાજુસમું છે. ખરી વાત એ છે કે કાગડા બધે જ કાળા છે. ભારતમાં ઝનૂની ટોળું કોઈ એકાદ વ્યક્તિનું કાસળ કાઢી નાખે ત્યારે અમુક વિદેશી સંસ્થાઓ કાગારોળ મચાવે છે. આવી હત્યાઓનો કોઈ બચાવ ન હોઈ શકે, અને આવા બનાવોમાં દોષિતોને સજા થવી જ જોઈએ. પણ આવી ઘટના વખતે ન્યાય માટે લડત ચલાવવાને બદલે પેલી સંસ્થાઓ ભારતને ટાર્ગેટ કરવાના ગોલ સાથે જ મેદાને પડતી હોવાનો આક્ષેપ મુકાતો રહ્યો છે. એમાંય કોઈ વિદેશી નાગરિક સાથે ભારતમાં ક્યાંક નાનોસરખો ય દુર્વ્યવહાર થાય, તો એના સમાચાર ઠેર ઠેર ચમકે છે, પણ વિદેશમાં વસતા કોઈ નિર્દોષ ભારતીયની હત્યા સમયે ગજબની ચૂપકીદી છવાઈ જાય છે! લોકોને વાંધો આ પ્રકારની બેમોંઢાળી નીતિ સામે છે.
આ લખાય છે ત્યારે સમાચાર છે કે ગુજરાતના ભરુચ જીલ્લાના જંબુસરના મૂળ વતની એવા યુવાન જાવેદ પટેલ ઉર્ફે જાવેદ દેગનને દક્ષિણ આફ્રિકામાં ગોળી મારીને મારી નાખવામાં આવ્યો છે! જાવેદને કોઈ સાથે દુશ્મની નહોતી. એ તો દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ ખાતે રોજગારી રળવા ગયેલો. ગત સોમવારે કેટલાક નિગ્રો લૂંટારાઓએ લૂંટના ઈરાદે મોબાઈલ શોપ પર હુમલો કર્યો, ત્યારે દુકાનમાં હાજર લોકોએ નાસભાગ મચાવી. આથી લૂંટારાઓ આડેધડ ગોળીબાર કરવા માંડ્યા. આ ફાયરિંગમાં મોબાઈલ શોપમાં નોકરી કરતા જાવેદને પણ ગોળી વાગી અને તે ફસડાઈ પડ્યો. પોલીસ આવે અને તબીબી મદદ મળે એ પહેલા જ જાવેદનું પ્રાણપંખેરું ઊડી ગયું! દ. આફ્રિકાની ધરતી ઉપર પેટિયું રળવા ગયેલા કોઈ ભારતીયનું લોહી રેડાયું હોય, એવી આ પ્રથમ ઘટના નથી, અને કમનસીબે અંતિમ પણ નથી! ખાસ કરીને ભરુચ અને આસપાસના વિસ્તારમાં રહેતા અને રોજગારી માટે દ. આફ્રિકા ગયેલા અનેક મુસ્લિમ યુવાનોએ આ રીતે નિગ્રો લૂંટારાઓ દ્વારા થતા હુમલામાં જીવ ગુમાવ્યો છે. જે પ્રદેશમાં ક્યારેક ભારતીયો ધોળી ચામડીવાળાઓના દ્વેષનો ભોગ બનતા, ત્યાં છેલ્લા કેટલાક દાયકાઓથી કાળી ચામડીના નિગ્રો કટ્ટરવાદીઓ પણ ભારતીયો પર છાસવારે હુમલા કરતા થયા છે. પ્રશ્ર્ન એ છે કે શું કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આ વિષે ક્યાંય વિરોધ પ્રદર્શન કર્યું? કે કહેવાતા માનવતાવાદીઓએ આ પ્રકારની ઘટનાઓ વિષે લાંબા લેખો ઢસડ્યા, કે પ્રવચનો આપ્યાં?!
દક્ષિણ આફ્રિકા વિશિષ્ટ પ્રકારનું રાજનૈતિક વાતાવરણ ધરાવે છે. એ દેશના રાષ્ટ્રપિતા સમાન નેલ્સન મંડેલાએ ૧૯૯૪માં પ્રથમ કાળા પ્રમુખ શાસનની ધુરા સંભાળી, એ પછી ભારતીયો સામેના હુમલાઓ વધ્યા હોવાનું જાણકારો માને છે. એક સમયે ગોરાઓના રંગભેદના પ્રતીક સમાન બની ગયેલા આ દેશમાં કાળી પ્રજાએ પણ એટલો જ દ્વેષભાવ દાખવ્યો હોવાના અનેક દાખલા છે. ગોરા-કાળા વચ્ચેના આ વર્ગવિગ્રહમાં બિચારા ઘઉંવર્ણી ચામડી ધરાવતા ભારતીયો અમથા વધેરાઈ જાય છે. ગોરા અને કાળા સિવાયનો વર્ણ ધરાવતા લોકો અહીં ‘કલર્ડ’ તરીકે ઓળખાય છે. જો ૨૦૨૨ના આંકડા મુજબ ગણતરી માંડીએ તો સાઉથ આફ્રિકાની વસ્તી છે આશરે ૬ કરોડ. આ પૈકી ૪ કરોડ ૯૦ લાખ જેટલા તો બ્લેક આફ્રિક્ધસ જ છે. એ સામે ગોરાઓ બહુ નાની લઘુમતીમાં – ૪૬ લાખ ૩૯ હજાર જેટલા જ છે. કલર્ડ પ્રજાની સંખ્યા છે ૫૩ લાખ ૪૦ હજાર અને ભારતીય/એશિયન લોકોની વસ્તી માત્ર ૧૫ લાખ ૫૫ હજારની આજુબાજુ છે. (સોર્સ : Statista ૨૦૨૩) મૂળ તકલીફ એ છે કે દાયકાઓ સુધી ગોરાઓની બૂટની એડી નીચે રહેનાર અહીંની નિગ્રો પ્રજા, સ્વરાજ મેળવ્યા બાદ ‘બદલો લેવાના’ મૂડમાં છે. ઉપરથી બધું સમૂસૂતરું ભલે લાગે, પણ છાસવારે બનતી ઘટનાઓ પર નજર નાખતા સમજાય છે કે અહીં ચામડીના રંગને આધારે લોકોને ટાર્ગેટ કરવાનું ચલણ વધુ છે! ખાસ કરીને ઘઉંવર્ણા એશિયન્સ પાપડી ભેગી ઈયળના ન્યાયે બફાય છે. જો કે આર્થિક અસમાનતાનો મુદ્દો પણ છે જ. ખાસ કરીને ભારતથી બે-ત્રણ પેઢી પહેલા સાઉથ આફ્રિકા જઈને વસી ગયેલા અનેક પરિવારો કાળજાતૂટ મહેનત કરીને બે પાંદડે થયા છે, પરંતુ ઇતિહાસનો લાંબો સમય જેમણે ગુલામી અને શોષણ વેઠ્યા હોય, એવી પ્રજા દરેક પારકી પ્રજાને પોતાની દુશ્મન અને શોષણકર્તા ગણી લેવાની માનસિકતા ધરાવતી થઇ જાય છે. આંકડાઓ મુજબ દક્ષિણ આફ્રિકાની પ્રજાનો નોંધપાત્ર હિસ્સો સરકારી રાહતો પર નભતો હોવા છતાં એમને ભારતીય પ્રજાની અદેખાઈ આવે છે. પરિણામે ભારતીય નાગરિકો કામ કરતાં હોય, એવાં સ્થળોએ નિગ્રો લૂંટારાઓ વારંવાર હુમલાઓ કરતા રહે છે. આવી અનેક ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં જેટલા ભારતીયોએ જીવ ગુમાવ્યા છે, એ આંકડો હજારોમાં પહોંચે એમ છે. નેવુંના દાયકાથી આ પ્રકારના હિંસક હુમલાઓએ ખાસ્સું જોર પકડ્યું છે.
‘ભારતીયો પાછા જાવ’ની ધમકી
દરેક સ્થળે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે, જ્યાં મૂળ નિવાસીઓ બહારથી આવીને બે પાંદડે થયેલી પ્રજાને ખદેડી મૂકવા માગતા હોય. ડરબન અને જ્હોનિસબર્ગ જેવાં શહેરોમાં પણ ભારતીયોને ધમકાવવાના અનેક બનાવો નોંધાતા રહે છે. ૨૦૨૧ના જુલાઈ-ઓગસ્ટ દરમિયાન તો ભારતીયોને સાઉથ આફ્રિકામાંથી પાછા ખદેડી મૂકવાની લોકલાગણીએ ખાસ્સું જોર પકડેલું. જો કે આ આખી બાબતને માત્ર ‘લોકલાગણી’ નહિ, પણ ‘ભડકાવવામાં આવેલી લોક લાગણી’ ગણવી જોઈએ.
થયું એવું કે જેકબ ઝુમા નામના અઠંગ રાજકારણીએ નેવુંના દાયકા પછી સાઉથ આફ્રિકન પોલિટિક્સમાં મજબૂત પકડ જમાવેલી. પણ જેકબ ઝુમા હંમેશથી એક વિવાદાસ્પદ વ્યક્તિ રહ્યા. એઇડ્સગ્રસ્ત મહિલા સાથે કથિત બળાત્કારનો કેસ હોય કે નાણાકીય ભ્રષ્ટાચારની બાબત હોય, ઝુમા સામે પ્રશ્ર્નો ઉઠતા રહ્યા છે. એમાંય સાઉથ આફ્રિકન પ્રમુખ તરીકેની એમની છેલ્લી ટર્મ દરમિયાન એમણે કટ્ટર ડાબેરી ગણાય એવી નીતિઓ અમલમાં મૂકી. એના કારણે ઝુમાનો ઘણો વિરોધ થયો. ઝૂમાં હંમેશથી પોતાના વિરોધીઓને ધોળી ચામડીના ગુલામ તરીકે નવાજતા રહ્યા છે. પણ ૨૦૧૯માં ઝુમાએ સત્તા છોડી, એ પછી કેટલાક આરોપોને પગલે ૨૦૨૧માં એની ધરપકડ કરવામાં આવી. જેકબ ઝુમાની ધરપકડના વિરોધમાં એના સમર્થકો સડકો પર ઊતરી આવ્યા. કોણ જાણે કેમ, પણ આ લોકોએ અચાનક ભારતીયોને નિશાન બનાવવાનું ચાલુ કર્યું. પ્રજાના સ્થાનિક વર્ગો વચ્ચે ફાટી નીકળેલા રમખાણોમાં પણ ભારતીયોને નિશાન બનાવવામાં આવ્યા. ૩૦૦ ઉપરાંત લોકો મરાયા, એમાં ૩ ભારતીયો પણ સામેલ હતા, જેમને દક્ષિણ આફ્રિકાની રાજનીતિ સાથે નહાવા નિચોવવાનો સંબંધ નહોતો!
એટલું જ નહિ, અનેક ભારતીય વેપારીઓને નિશાન
બનાવીને એમના ધંધા-રોજગારનાં સ્થળો ઉપર હુમલા કરવામાં આવ્યા. એમની દુકાનો લૂંટી લેવામાં આવી. ડરબન અને જ્હોનિસબર્ગ જેવાં શહેરોમાં અનેક વોટ્સેપગ્રુપ્સમાં ભારતીયોને નિશાન બનાવવાના મેસેજીસ વાઈરલ થઇ ગયા. નિગ્રો સ્થાનિકો ભારતીય પ્રજાને રીતસરની ધમકી આપવા માંડ્યા, કે અમારો દેશ છોડીને તાબડતોબ ભારત ચાલ્યા જાવ! કીમેશન રામન નામક ૩૩ વર્ષના એક મૂળ ભારતીય યુવાને ઘઈઈં (ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા) માટે એપ્લાય કરતી વખતે મીડિયાને જણાવ્યું કે સાઉથ આફ્રિકામાં ભારતીયોને ટાર્ગેટ કરવાનો સંદેશ આપતા ડરામણા વીડિયોઝ અને ટેક્સ્ટ મેસેજીસ વાઈરલ થઇ રહ્યા છે. આ સમયે અમારી સૌથી મોટી ચિંતા અમારા પરિવારોને બચાવવાની છે! ૯ જુલાઈથી શરૂ થયેલા આ હિંસક સિલસિલાના ચારેક દિવસ બાદ રાષ્ટ્રપ્રમુખ રામફોસાએ શહેરોમાં લશ્કર ઉતાર્યું, એ પછી પરિસ્થિતિ કંઈક થાળે પડી!
દક્ષિણ આફ્રિકામાં ભારતીયોને ટાર્ગેટ કરાયા હોય, એવી આ કંઈ પહેલી ઘટના નહોતી. તેમ છતાં આપણને માત્ર ગાંધીજીને ટ્રેનમાંથી ઉતારી મુકાયેલા, એ જ ઘટના યાદ છે. શરૂઆતમાં જે કિસ્સો જણાવ્યો, એવા કેટલાય યુવાનો આજની તારીખે ય દક્ષિણ આફ્રિકામાં કમોતે મરી રહ્યા છે. પણ ભારતીય પ્રજા તરીકે આપણે હજી સુધી કોઈ ગંભીર નોંધ લીધી હોય એવું લાગતું નથી! કદાચ આપણે ૧૯૪૯માં ૪૦,૦૦૦ ભારતીયોને ‘શરણાર્થી’ બનાવનારા ‘ડરબન રાયોટ્સ’ને પણ ભૂલાવી દીધા છે! આપણે ભારતીયોએ પણ ‘ઠવયફશિંતવ હશદયત ફહતજ્ઞ ળફિિંંયતિ!’ જેવું કોઈ કેમ્પેઈન ચલાવવું પડશે?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -