નવી દિલ્હી: ઉત્તર સિક્કિમના ઝેમા વિસ્તારમાં શુક્રવારે સેનાની ટ્રક ખીણમાં ખાબકતાં ૧૬ સૈનિક શહીદ થયા હોવા ઉપરાંત ચાર ઘાયલ થયા હોવાનું સેના દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
તીવ્ર વળાંક લેતી વખતે ટ્રક ખીણમાં પડી જતાં આ અકસ્માત થયો હતો.
ભારત-ચીન સરહદ નજીક ઉત્તર સિક્કિમમાં દુર્ગમ સ્થાન પર તેમનું વાહન રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં સેનાના ૧૬ જવાન શહીદ અને ચાર જવાન ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોની હાલત ગંભીર હોવાનું તેમણે કહ્યું હતું.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગંગટોકની સરકારી એસટીએનએમ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ સૈનિકોના મૃતદેહ સેનાને સોંપવામાં આવશે. જોકે, આ સૈનિકો કઈ રેજિમેન્ટના હતા તેની જાણકારી મળી શકી નહોતી.
રાજધાની ગંગટોકથી અંદાજે ૧૩૦ કિ.મી.ના અંતરે આવેલા લા ચેનથી લગભગ ૧૫ કિ.મી. દૂર ઝેમા-૩ ખાતે શુક્રવારે સવારે આ દુર્ઘટના બની હતી.
ચુંગથાંગ સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર અરુમ થટાલે માહિતી આપી હતી કે આર્મીનું વાહન ૨૦ સૈનિક સાથે સરહદી ચોકીઓ પર જઈ રહ્યું હતું. મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢવા હૅલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.
ઘાયલોને ઍરલિફ્ટ કરીને સારવારાર્થે ઉત્તર બંગાળની આર્મી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અકસ્માતમાં ભારતીય સેનાના અધિકારીઓનાં થયેલાં મોત બદલ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.
ઘટનાનો ભોગ બનેલા સૈનિકોની પ્રતિબદ્ધતા અને તેમણે આપેલી સેવા બદલ સમગ્ર દેશ તેમનો આભારી છે, એમ તેમણે કહ્યું હતું.
શહીદોના પરિવારજનો પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી ઘાયલ સૈનિકો જલદી સાજા થઈ જાય તે માટે તેમણે પ્રાર્થના કરી હતી.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. શહીદોના પરિવારજનો પરત્વે મોદીએ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. (એજન્સી)