Homeમેટિનીરેખાના જીવનમાં કદાચ કોઈ પરમેનન્ટ પુરુષ વિધાતાએ લખીને મૂક્યો જ નહોતો

રેખાના જીવનમાં કદાચ કોઈ પરમેનન્ટ પુરુષ વિધાતાએ લખીને મૂક્યો જ નહોતો

ફિલ્મનામા -નરેશ શાહ

પહેલાં જીતેન્દ્ર, પછી વિનોદ મહેરા, ત્યાર બાદ કિરણકુમાર અને પછી એબોવ ઓલ અમિતાભ બચ્ચન સાથેના સંબંધોમાં પણ છવાયેલી રેખામાં પણ મા પુષ્પાવલ્લી જેવી તડપ ધધકતી હતી. કોઈની પત્ની બનીને તેની અટક સાથે જીવવાની આગ઼ આખરે એ પણ ઠરી. મુકંદર કા સિકંદર પછી અમિતાભ બચ્ચન સાથેનો રિશ્તો બહુ પાછળ છૂટી ગયો હતો. રેખા હવે અંગત મિત્રોમાં ઠરીઠામ થઈ જવાની વાતો (તેની ફિલ્મ કેરિયર પણ ઢલાન પર આવી ગઈ હતી) કરતી હતી. દિલ્હીથી આવી જ એક અંગત મિત્ર જાણીતી ફેશન ડિઝાઈનર બીના રામાણીનો રેખા પર એક દિવસ ફોન આવ્યો. તે એક ફેન સાથે રેખાની વાત કરાવવા માગતી હતી. રેખાએ વાત કરવાની બદલે એ ફેનનો નંબર લીધો. તેનું નામ મુકેશ અગ્રવાલ. દિલ્હીનો નવો-નવા ધનાઢય થયેલો બિઝનેશમેન. ગ્લેમર વર્લ્ડનો શોખિન. દીપ્તિ નવલને તેણે બહેન બનાવેલી. ફૂરસદે રેખાએ મુકેશ અગ્રવાલને ફોન ર્ક્યો અને…
મુકેશ અગ્રવાલ રેખા પર ઓવારી ગયો. એકાદ-બે મુલાકાત પછી બન્ને લગ્ન કરવા તૈયાર થઈ ગયા. મિલેનિયમ સ્ટાર સાથે નામ જોડાયેલું હોય એવી હિરોઈન વાયદો તોડી નાખે તો? મુકેશ અગ્રવાલને આવો ભય લાગ્યો હશે એટલે પ્રપોઝલ પછી જેવી રેખાએ પોઝિટિવ સાઈન આપી કે તેણે તત્કાળ મેરેજ કરી લેવાની વાત કરી. આમ પણ હેડલાઈનમાં રહેવાની લાલચ દરેક સેલિબ્રિટીને હોય છે અને આવા સરપ્રાઈઝ મેરેજના ન્યૂઝ કેવો ભૂકંપ સર્જે ? કોમન મિત્ર સાથે રેખા અને મુકેશ અગ્રવાલ મંદિર શોધવા નીકળી પડયાં. એક મંદિર મળ્યું, પણ તેમાં પૂજારી નહોતો. જુહૂના ઈસ્કોન મંદિરમાં ભીડ બહુ હતી. ઈસ્કોન નજીકનું મુક્તેશ્ર્વર દેવાલય મંદિર ઠીક લાગ્યું પણ રાતના દશ વાગી ગયા હોવાથી મંદિર બંધ હતું.
સદ્ભાગ્યે મંદિરની બાજુના જ ઓરડામાં પૂજારી રહેતા હતા. તેને જગાડીને લગ્ન માટે તૈયાર કરાયો. નજર સામે અભિનેત્રી રેખાને જોઈને એ પૂજારીની માનસિક્તા સમજી શકો છો. તેણે મંદિરનો નિયમ તોડીને (પછીથી સંજય નામના એ પૂજારીને કાઢી મુક્વામાં આવ્યો ) લગ્ન કરાવી આપ્યાં અને ભાનુરેખાને નવું નામ મળી ગયું : રેખા અગ્રવાલ. એ ચોથી માર્ચ, ૧૯૯૦ની રાત હતી… બરાબર સાત મહિના પછી બીજી ઑકટોબર, ૧૯૯૦ ના દિવસે મુકેશ અગ્રવાલ પોતાના જ ફાર્મ હાઉસમાં પંખે લટકીને આપઘાત કરી લેવાનો હતો અને ત્યારે તમામ લોકો અભિનેત્રી રેખાને ડાકણ ગણી લેવાના હતા. કેટલાંક તેને રાષ્ટ્રીય વેમ્પ ગણાવવાના હતા અને રેખાની ઈમેજ એવી ખરડાઈ જવાની હતી કે ભારત કી બેટી નામની ફિલ્મને ફૂલ બને અંગારે નામ આપીને રિલિઝ કરવી પડી હતી. આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સૂધબૂધ ખોઈ દેવાની હતી.
ગ્લેમરની ચકાચૌંધમાં આંધળા ભીંત થઈ જનારાં તમામ લોકોને અંધારામાં બનેલી ઘટનાઓનો ખ્યાલ હોતો નથી તેથી તારણો નિર્ણયો પર હાવી થઈ જતાં હોય છે. અભિનેત્રી રેખાની ઈમેજ આમ પણ બોલ્ડ અને બિન્દાસ તેમજ લૂઝ કેરેકટરની લોકમાનસમાં પહેલેથી જ હતી. છાનેખૂણે સેક્રેટરી અને સખી ફરઝાના સાથેના તેના સંબંધો પણ કાયમ પ્રશ્ર્નાર્થ જગાવતા રહ્યા હતા, તે મુકેશ અગ્રવાલની આત્મહત્યા પછી વધુ બળવત્તર બનવાના હતા. રેખા પર રેખા : ધ અન્ટોલ્ડ સ્ટોરી પુસ્તક લખનારાં યાસિર ઉસ્માન આ ઘટનાના વેરવિખેર તાણાવાણા ગૂંથીને આપણને એક રફ ચિત્ર દોરી આપે છે. એ મુજબ, ૩૬ વરસની રેખાને પરણેલો મુકેશ અગ્રવાલ પહેલેથી જ ડિપ્રેશનનો શિકાર હતો અને આનંદ બજાજ નામની લેડી ડૉકટર પાસે તેની સારવાર ચાલતી હતી. લાંબી પડપૂછ વગર અને ઉતાવળે કરેલાં લગ્નમાં આવી વાતો ખૂલી નહોતી પણ રેખાને હનીમૂન દરમિયાન ખબર પડી કે મુકેશ અગ્રવાલ નિયમિત ડિપ્રેશન માટેની દવા લે છે…
રેખાની જેમ મુકેશ અગ્રવાલના જીવનમાં પણ એક એબી નામનો (અનિતા બજાજ) સોફટ કોર્નર હતો એ પણ હનીમૂનમાં જ રેખા સામે ખૂલ્યું છતાં… રેખાએ તેના પર લક્ષ્ા ન આપ્યું. એ મુંબઈ-દિલ્હીની લાઈફ જીવવા લાગી. વીક એન્ડ પર એ દિલ્હી મુકેશ પાસે જ હતી.
જોકે બેચાર મહિનામાં જ રેખાને સમજાઈ ગયું કે મુકેશને માત્ર તેની ગ્લેમરસ ઈમેજમાં જ રસ હતો. વીક એન્ડમાં પાર્ટી રાખી એ રેખાના રૂતબાનો મહેમાન પર છાકો પાડતો. એ પછી તે રેખા પાસે આગ્રહ રાખતો કે તે ફલાણાં વીઆઈપી સાથે ઓળખાણ કરાવી આપે, જેનાથી બિઝનેશમાં ફાયદો થશે… ઉભરાઓનું નેચર જ હોય છે શાંત થઈને ઓગળી જવાનો. રેખા સમજી ગઈ અને તેણે દિલ્હી જવાનું બંધ કરી દીધું. મુકેશ અગ્રવાલ કે તેની ભાભીના ફોન રિસીવ કરવાનું પણ તેણે છોડી દીધું. એક વખત મુકેશ તેની ભાભી સાથે મુંબઈ આવીને રેખાના ઘેર પહોંચી ગયો પણ રેખાની બદલે સામનો સેક્રેટરી ફરઝાનાનો થયો. રેખાએ અલગ થઈ જવાનું મન બનાવી લીધું હતું. તેને લગતાં કાગળ પણ તેના વકીલે મોકલી આપ્યા હતા. હવે કોર્ટનો મામલો હતો એટલે રેખા પોતાના એક શો માટે ન્યૂયોર્ક ગઈ હતી. બસ ત્યારે જ…
મુકેશ અગ્રવાલે દિલ્હીના ફાર્મ હાઉસમાં આત્મહત્યા કરી લીધી. લોકોનો આક્રોશ એવો હતો કે ભારત આવ્યા પછી રેખા પોતાના સાસરે પતિનો ખરખરો કરવા પણ ન ગઈ. એ જ અરસામાં રિલિઝ થયેલી શેષ્ાનાગ ફિલ્મ ધોવાઈ ગઈ. મુકેશ અગ્રવાલને ભાઈ માનતી દીપ્તિ નવલે તંત્રી નીશી પ્રેમને કહેલું : મેં
ફોન પર મુકેશને ફરઝાનાને રડતાં-કરગરતાં જોયો. એ વિનવણી કરતો પ્લીઝ, મારી તેની (રેખા) સાથે વાત કરાવી દો… હું એમ નથી કહેતી કે ભૂલો માત્ર રેખાની જ હશે. (મુકેશ પણ દોષ્ાી હશે) પરંતુ રેખાએ તેના પ્રત્યે થોડાં સંવેદનશીલ થવાની જરૂર હતી.
પણ રેખાના જીવનમાં કદાચ કોઈ પરમેનન્ટ પુરુષ્ા ડેસ્ટિનીએ લખીને મૂક્યો જ નહોતો. જયારે જરૂર હતી ત્યારે પિતા જેમિની ગણેશન પણ તેની પાસે નહોતા તો જયારે ઝંખના હતી એ પુરુષ્ાો પૈકીનું પણ કોઈ તેની સાથે કાયમ રહ્યું નહીં. જીતેન્દ્રએ શોભા માટે તેને છોડી દીધી તો માતા કમલા મહેરાની જીદ આગળ વિનોદ મહેરા મક્કમ ન થઈ શક્યાં. કિરણકુમારના ફેમિલીએ પણ રેખાના ભૂતકાળનાં જ ભયથી જ તેને કુટુંબમાં ભળવા ન દીધી. સુપરસ્ટારના કેસમાં પણ આખરે બચ્ચનના સંસ્કાર અને સોચ જ આડે આવ્યાં. રહી ગઈ તો માત્ર રેખા, એકલી. હા, ફરઝાના તેની સાથે લાઈફ ટાઈમ રહેશે એવું લાગે છે કારણકે હવે કામ નથી, છતાં સેક્રેટરી તરીકે રેખાએ હજુ તેને પોતાની સાથે જ રાખી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -