વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
(૨૧)
કાશ્મીરમાં કાયમી કોમી એખલાસનો ઈલાજ વિચારતી વખતે વધુ એક મામલો સરદાર હરિસિંહ નલવાના ધ્યાનમાં આવ્યો-મહારાજા સિદ્ધમાને સુલેમાન પર્વત (એનું મૂળ નામ શું હશે?) પર શંકરાચાર્યનું ભવ્ય મંદિર બનાવડાવ્યું હતું. આ મંદિરની પહોળી સીડી છેક પર્વતથી ઊતરતી-ઊતરતી જેલમ નદીના કિનારા સુધી પહોંચતી હતી. એટલું જ નહીં, આ સીડીના પગથિયા કિંમતી પથ્થરોમાંથી બનાવાયા હતા. આ પથ્થર એટલા બધા કિંમતી કે બાદશાહ જહાંગીરની બેગમ પણ મોહિતી થઈ ગઈ. હા, ઈ.સ. ૧૬૨૩માં જહાંગીરની બેગમ નૂરજહાં પતિ સાથે કાશ્મીર આવી ત્યારે આ સીડીના બધા પગથિયાનાં પથ્થર ઉખેડાવી નાખ્યા. એનો ઉપયોગ પોતાની સ્મૃતિમાં બનાવેલી મસ્જિદમાં વપરાવી નાખ્યા. આ મસ્જિદ એટલે ‘પથ્થરવાલી મસ્જિદ’
સરદાર હરિસિંહ નલવા એક તારણ પર પહોંચ્યા કે કાશ્મીરમાં એક પણ મસ્જિદ, મકબરા કે જિયારતગાહ એવા નહોતા કે જે મૂળ મંદિર કે હિન્દુ દેવ-સ્થળમાંથી ન બન્યા હોય. આના આઘાત છતાં એક કુશળ અને સાચા નેતા તરીકે તેમણે સમસ્યાનો ઉકેલ વિચારવાનો હતો. એટલે હિન્દુઓ જ્યારે-જ્યારે આ મસ્જિદ, મકબરા વગેરે જુએ એટલે જૂના ઘા તાજા થાય. આ ઘામાં ક્યારેય રૂઝ આવી ન શકે. આનાથી સાચા અર્થમાં હિન્દુ-મુસ્લિમ શાંતિ શકય ન બને.
ખૂબ મનો મંથન બાદ હરિસિંહે વિચાર્યું કે હિન્દુઓના મંદિર તેમને પાછા આપી દેવા? સાથોસાથ મુસલમાનો માટે પણ મસ્જિદની વ્યવસ્થા કરવી. નિર્ણય એકદમ તર્કબદ્ધ હતો. કોઈને અન્યાય થતો નહોતો. હિન્દુઓને એમની મૂળ ચીજ પાછી મળતી હતી અને આસ્થાની પુન: સ્થાપના થતી હતી. સાથો સાથ મુસલમાનો પણ બંધનથી ન રહી જાય એની પૂરતી વ્યવસ્થા કરવાની જ હતી, પરંતુ મામલો એકદમ સંવેદનશીલ હતો.
આ નિર્ણય થોપી બેસાડેલો ન લાગે અને સર્વસંમતિ સધાય એ અનિવાર્ય હતું. વિજયી, ઉતાવળા કે અવિચારી શાસકની જેમ ન વિચારવું એ નવલાની વિશિષ્ટતા હતી. તેમણે જાણીતા પંડિતો અને આગેવાન મૌલવીઓની બેઠક યોજી. નલવાએ સ્પષ્ટ શબ્દો પણ સૌમ્ય ભાષામાં મુદ્દાની રજૂઆત કરી. આના પ્રત્યાઘાત તેમની ધારણાથી એકદમ વિપરીત આવ્યા. પંડિતોએ મંદિર તોડીને બનાવાયેલી મસ્જિદો રહેવા દેવાની અપીલ કરી. તેમણે શબ્દો ચોર્યા વગર પોતાની લાગણીને વાચા આપી કે મંદિરમાંથી બનેલી મસ્જિદ હિન્દુઓને સોંપી દેવાથી મુસલમાનો અમારું અહીં જીવવાનું મુશ્કેલ બનાવી દેશે. હરિસિંહે ખૂબ સમજાવવા મથતા રહ્યાં કે આ સમસ્યાના કાયમી ઉકેલ માટેનો ઉકેલ વિચારાયો છે, તો એ સ્વીકારી લો. પરંતુ કાશ્મીર પંડિતો પોતાના નિર્ણયમાંથી ટસના મસ ન થયા. નલવાઓ તો ત્યાં સુધી સંભળાવ્યું કે ધર્મસ્થળોની રક્ષા અને સલામતી તો રાજ્ય સરકારની ફરજ છે છતાં કાશ્મીરી પંડિતો ન માન્યા. નાછૂટકે નલવાએ પોતાની યોજનાને અભેરાઈ પર ચડાવવી પડી. તાકાતના જોરે તેઓ ધારે એ કરી શકે એમ પણ હતા પણ આ મામલો એકદમ અલગ હોવાનું તેઓ સમજતા હતા.
ફરી એ જૂની પરંપરા ચાલતી રહી, હિન્દુઓ માથા પર પાઘડી પહેરી શકતા નહોતાં, ને ચંપલ-બૂટ પણ પહેરી શકતા નહોતા. ક્યારેક કોઈક સંસ્કાર-પુરુષ કે વિદ્વાન ઉઘાડે માથે અને ઉઘાડે પગે મળવા આવતા એ જોઈને હરિસિંહનો આત્મા કકળી ઊઠતો હતો. આ તે કેવો અન્યાય? તેમણે તાત્કાલિક આદેશ બહાર પડાવ્યો કે રાજ્યમાં સૌને પોતાને મનગમતા વો અને બૂટ-ચંપલ પેહરવાની અને અશ્ર્વ સવારીની કાયમ માટે છૂટ અપાય છે. કોઈના પર કોઈ પ્રકારની મનાઈ ન રહી. આ જાહેરાતથી નિરાંત-ખુશી અનુભવીને કાશ્મીરી હિન્દુઓ ફરી પાઘડી-ચંપલ પહેરીને ઘરની બહાર નીકળતા થયા. કદાચ આ પગલાંથી કોઈ નારાજ કે ગુસ્સે થયું હશે પણ એની ફિકર કરે એ નલવા નહીં.
વિશ્ર્વમાં કોઈ સેનાપતિમાં આટલી બધી વ્યવહારિક, રાજકીય અને શાસકીય કુશળતા ભાગ્યે જ જોવા મળી હશે. આમેય મનોમન તલવા ઈચ્છતા હતા કે કાશ્મીરમાં એક સમયે બહુમતી ધરાવતાં હિન્દુઓને અન્યાય ન જ થવો જોઈએ. કાશ્મીરના સમયકાળમાં ખૂબ ઊંડા ઊતરતા જૂનો ઈતિહાસ બોલે છે કે ઈ.સ. ૧૪૦૦ અગાઉ કાશ્મીર હિન્દુ રાજ્ય જ હતુ:
ત્યાર બાદ આક્રમણખોરોએ એટલા અત્યાચાર કર્યા કે કેટલાંકે જીવ-દીકરી-આબરૂ બચાવવા માટે નાછૂટકે ધર્માંતરણ સ્વીકારવું પડ્યું હતું.
પરંતુ મહારાજા રણજીસિંહ અને સરદાર હરિસિંહ નલવા થકી હિન્દુ રાજ ૫૦૦ વરસે પુન: ર્સ્થાપિત થવાથી સીનારિયો બદલાઈ રહ્યો હતો. અસહ્ય અત્યાચારને નશ થઈને હિન્દુ ધર્મ છોડનારાઓના મનમાં ફરી મૂળ ધર્મમાં પાછા ફરવાની ઈચ્છા બળવત્તર બનવા માંડી હતી, પંરતુ એમનાં સમાજ, બિરાદરી અને પોતીકા લોકો જ એમની ઘર-વાપસી અને ધર્મ-વાપસીનો વિરોધ કરતા હતા.
કોઈને પોતાને ધર્મમાં પાછા ફરતા શા માટે રોકવા જોઈએ? હરિસિંહે સત્તાની રૂએ ઢિંઢેરો પીટાવીને એલાન કર્યું કે જે કોઈ પોતાના મૂળ અને જૂના ધર્મમમાં પાછા ફરવા માંગતા હોય એમને આવકાર મળવો જોઈએ. આ વાપસીમાં કોઈ જાતના વિરોધ કે અવરોધ સર્જવા નહીં. જો કોઈ અંતરાય ઊભા કરશે એ દંડ-સજાને પાત્ર બનશે. પછી તો શું જોઈએ? દાયકાઓ-વરસો અગાઉ લાચારીવશ કે બળજબરીથી મુસલમાન બનેલા સેંકડો પંડિતો હિન્દુ ધર્મમાં પાછા ફર્યાં. ઈતિહાસમાં ઉપલબ્ધ આંકડા મુજબ એ સમયે ઓછામાં ઓછા ૫૦ હજાર મુસલમાનોએ પોતાનો મૂળ હિન્દુ ધર્મ પાછો અપનાવ્યો હતો. આનો પૂરેપૂરો શ્રેય મહારાજા રણજીતસિંહ અને સરદાર હરિસિંહ નલવાને જ મળે એમાં શંકાને સ્થાન નથી. (ક્રમશ:)